- બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવાથી માંડીને વ્યક્તિગત માહિતી ચોરી કરવા સુધી, સાયબર ફ્રોડના અનેક પ્રકારોથી બચવા સાવધાની જરૂરી
આજના ડિજિટલ યુગમાં જ્યાં ઇન્ટરનેટ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. ત્યાં સાયબર ફ્રોડ (ઓનલાઈન છેતરપિંડી) એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે. તેમ તેમ ગુનેગારો પણ છેતરપિંડી કરવા માટે નવી અને વધુ અત્યાધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવાથી માંડીને વ્યક્તિગત માહિતી ચોરી કરવા સુધી, સાયબર ફ્રોડના અનેક પ્રકારો છે. આ છેતરપિંડીનો ભોગ બનવાથી વ્યક્તિને આર્થિક નુકસાન, માનસિક તણાવ અને ઓળખ ચોરી જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અબતકના સુપ્રસિદ્ધ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં લેખક કૌશિક બારાઇ જે જાણીતા આઇટી ક્ધસલ્ટેટ છે સાઇબર લો સાહિતની ડિગ્રી ધરાવે છે. અને તેઓ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્ર નો 25 વર્ષ નો વિશાળ અનુભવ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે,સાયબર ફ્રોડ એ એક પ્રકારનો ગુનો છે જેમાં ગુનેગારો ઇન્ટરનેટ અને સંબંધિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિઓ અથવા સંસ્થાઓને છેતરીને પૈસા, માહિતી અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ મેળવી છે છે. ફિશીંગ એ મુખ્ય બે પ્રકારોમાંનો એક છે. જેમાં ગુનેગારો બેંક, સરકારી સંસ્થા કે જાણીતી કંપની તરીકે ઢોંગ કરીને ઈમેલ, મેસેજ કે ફોન કોલ દ્વારા તમને છેતરીલેતા હોય છે. તેમનો હેતુ તમારી પાસવર્ડ, બેંક વિગતો, કે ઓટીપી જેવી માહિતી મેળવી તેનો દુરુપયોગ કરવાનો હોય છે. ઘણીવાર તેઓ તમને નકલી વેબસાઈટની લિંક મોકલીને ત્યાં માહિતી દાખલ કરવાનો પ્રયત્ન કરતા હોય છે.. બીજા મુખ્ય પ્રકારમાં ઓળખ ચોરી આવે છે. જેમાં ગુનેગારો તમારી વ્યક્તિગત ઓળખ સંબંધિત માહિતી (જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, આધાર નંબર, વગેરે) ચોરી કરી લે છે.
માહિતીનો ઉપયોગ તેઓ તમારા નામે નાણાકીય ગુનાઓ કરવા (જેમ કે લોન લેવી, ક્રેડિટ કાર્ડ ખોલાવવા, કે ઓનલાઈન ખરીદી કરવી) માટે કરે છે. આ માહિતી ફિશિંગ દ્વારા, ડેટા ભંગથી કે શારીરિક રીતે તમારા દસ્તાવેજો ચોરીને મેળવી શકાય છે. આ ઉપરાંત માલવેર, રેન્સમવેર, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, લોન ફ્રોડ, જોબ ફ્રોડ અને અન્ય ઘણા પ્રકારોનો સમાવેશ થાય છે. આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડથી બચવા માટે સાવચેતી અને જાગૃતિ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તમારી જાતને સુરક્ષિત રાખવા માટે, ક્યારેય પણ અજાણ્યા ફોન કોલ, ઈમેલ કે મેસેજ દ્વારા માંગવામાં આવેલી બેંક વિગતો ઓટીપી, પીઆઈએન, પાસવર્ડ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબર જેવી સંવેદનશીલ માહિતી શેર કરવી જોઈએ નહી. તમારે યાદ રાખવું જોઈએ કે બેંકો અને સરકારી સંસ્થાઓ ક્યારેય આવી માહિતી ફોન પર માંગતી નથી.
હંમેશા તમારા તમામ ઓનલાઈન એકાઉન્ટ્સ માટે મજબૂત અને અનન્ય પાસવર્ડનો ઉપયોગ કરો. જેમાં અક્ષરો, સંખ્યાઓ અને વિશેષ અક્ષરોનું મિશ્રણ હોય. અજાણી કે શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો અને તમારા ઓપરેટિંગ સિસ્ટમ, વેબ બ્રાઉઝર, તથા એન્ટીવાયરસ સોફ્ટવેરને નિયમિતપણે અપડેટ કરતા રહો. ઓનલાઈન ખરીદી કે બેંકિંગ માટે હંમેશા સુરક્ષિત અને જાણીતી વેબસાઇટ્સનો જ ઉપયોગ કરો અને “ફ્રી” “ઇનામ” જેવી લાલચ આપતી જાહેરાતો અને ઓફરથી સાવચેતી રાખવી જોઈએ. જાહેર વાઇ-ફાઇ નેટવર્ક પર સંવેદનશીલ વ્યવહારો કરવાનું ટાળો કારણ કે તે અસુરક્ષિત હોઈ શકે છે અને કોઈપણ શંકાસ્પદ વ્યવહાર માટે તમારા બેંક સ્ટેટમેન્ટ નિયમિતપણે તપાસતા રહો.
ડિજિટલ છેતરપિંડીનો નવો યુગ એઆઈ અને યુપીઆઈથી વધતા સાયબર ફ્રોડ: કૌશિક બારાઈ
અબતક સાથેના સુપ્રસિદ્ધ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં લેખક તેમજ આઇટી ક્ધસલ્ટન્ટ કૌશિક બારાઇએ જણાવ્યું હતું કે,હું 1976 થી કમ્પ્યૂટર ટેકનોલોજી સાથે સંકળાયેલ છું, ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રે મને 25 વર્ષનો અનુભવ છે. વર્ષ 2024-2025 માં લગભગ રૂ. 4250 કરોડના સાયબર ફ્રોડ થયાં હતાં. 2023-2024 કરતા 2024-2025 માં 67% સાયબર ફ્રોડમાં વધારો થયો છે. ડિજિટલ સિસ્ટમ્સ, નેટવર્ક્સ, ઉપકરણો અને ડેટાને સાયબર હુમલાઓ, ચોરી, નુકસાન અથવા અનઅધિકૃત ઍક્સેસથી બચાવવા માટેના પગલાં અને ટેકનોલોજીનો સમૂહ એટલે સાઇબર સિક્યુરિટી.જેમાં કમ્પ્યુટર, સ્માર્ટફોન, સર્વર્સ, નેટવર્કિંગ હાર્ડવેર અને ડેટાને સુરક્ષિત રાખવાનો સમાવેશ થાય છે. સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે સરકાર, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને બેંકો દ્વારા વિવિધ કાર્યક્રમો તથા જાહેરાતો થકી જાગૃતિ ફેલાવતી હોય છે. તેમ છતાં વધતા જતા સાયબર ફ્રોડન કિસ્સાઓનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને થતા ફ્રોડ છે. સાયબર ફ્રોડ વધવાના મુખ્ય કારણોમાં ડિજિટલ વ્યવહારોમાં થતો વધારો, લોકોમાં સાયબર સુરક્ષાની ઓછી જાગૃતિ અને ગુનેગારો દ્વારા અપનાવાતી અત્યાધુનિક છેતરપિંડીની પદ્ધતિઓ શામેલ છે. સાયબર ફ્રોડનો ખતરો ભારત અને વિદેશમાં અલગ અલગ રીતે જોવા મળતો હોય છે. ભારતમાં યુપીઆઈ જેવી સુવિધાઓને કારણે નાના પાયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમા વધારો થયો છે. જેનાથી નાના વેપારીઓ અને સામાન્ય લોકો પણ ગુનેગારોના નિશાન બન્યા છે. વિદેશમાં મોટાભાગે મોટા પાયે ડેટા ચોરી અને સંસ્થાગત હેકિંગ પર ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. જ્યારે ભારતમાં વ્યક્તિગત ટાર્ગેટિંગનું પ્રમાણ વધુ છે. વધતા જતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને કારણે આ ફ્રોડ રોકવા માટે મજબૂત અને અઘરા પાસવર્ડનો ઉપયોગ કરવો.
અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું, એન્ટીવાયરસ સોફ્ટવેર વાપરવું અને સિસ્ટમ્સ નિયમિતપણે અપડેટ કરતા રહેવું અત્યંત જરૂરી છે. ઘણીવાર એપ્લિકેશન સર્વર ડાઉન થવા પાછળ પણ સાયબર ફ્રોડના હુમલા જવાબદાર હોય છે, જે દર્શાવે છે કે સાયબર સિક્યોરિટી આજે આવશ્યક બની ગઈ છે.