Abtak Media Google News

ગુરૂણીમૈયા પૂ.વીરમતીબાઈ મ.સ.નો 77મો જન્મોત્સવ તેમજ ગિરનારની ધન્યધરા પર પૂ.ગુરૂદેવના શ્રીમુખેથી દિક્ષિત થયેલા સંયમી આત્માઓનો છ માસિક દીક્ષા જયંતિ અવસર ઉજવાયો

ઉપકારી તત્ત્વ પ્રત્યે વારંવાર ઉપકારવેદન કરીને ઉત્કૃષ્ટ વિનયધર્મનું આચરણ કરી લેવાના પરમ હિતકારી બોધ સાથે પરમધામ સાધના સંકુલના પાવન પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વિરલપ્રજ્ઞા ગુરુણીમૈયા પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજીના 77માં જન્મોત્સવ નિમિત્તે વંદનમ્ ઉત્સવ તેમજ છ મહિના પહેલા ગિરનારની ધન્ય ધરા પર પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષિત થએલા નવ-નવ સંયમી આત્માઓની છમાસિક દીક્ષા જયંતિનો અવસર હજારો હૃદયની ભક્તિભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો.

ઉપકારી ગુરુણીમૈયા પ્રત્યેના વંદનભાવ તેમજ નવદીક્ષિત એવા પૂજ્ય વિનયમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય પરમ નેમિશ્વરાજી મહાસતીજી, પૂજ્ય પરમ ઋજુમિત્રાજી મહાસતીજી, પૂજ્ય પરમ સુરમ્યાજી મહાસતીજી, પૂજ્ય પરમ ઋષિમિત્રાજી મહાસતીજી, પૂજ્ય પરમ શ્રીજિનેશ્વરાજી  મહાસતીજી, પૂજ્ય પરમ અનુજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય પરમ સંવેગીજી મહાસતીજી, તેમજ પૂજ્ય પરમ શ્રુતપ્રિયાજી મહાસતીજીના છમાસિક દીક્ષા જીવન અવસરે અહોભાવ પ્રગટ કરતાં આ અવસરે સમગ્ર દેશના ખૂણે-ખૂણેથી તેમજ પરદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, યુગાન્ડા, દુબઈ, અબુધાબી, સુદાન, આફ્રિકા આદિ અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો જોડાઈને કૃતકૃત્ય બન્યાં હતાં.

પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધનાના દિવ્ય તરંગોના પ્રસારણ સાથે ગુરુણીમૈયા તેમજ નૂતનદીક્ષિત સંત-સતીજીઓના અહોભાવપૂર્વક પ્રવેશ વધામણાં કરવામાં આવ્યાં હતાં.

પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજીને પરમાર્થી અને ગુણવાન આત્મા તરીકે ઓળખાવીને આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે બોધવચન ફરમાવતાં સમજાવ્યું હતું કે, વ્યતીત થતાં જીવનમાં અનેક-અનેક આત્માઓ મળી જતાં હોય છે. કોઈક સહયોગી બનતાં હોય તો કોઈક ઉપકારી બનતાં હોય. ઉપકાર ચાહે કોઈકે નાનો કર્યો હોય ચાહે મોટો, પરંતુ ઉપકારોનું કોઈ મૂલ્ય નથી હોતું. એવા અમૂલ્ય ઉપકાર કરનારા ઉપકારી તત્ત્વ પ્રત્યેના વંદનભાવ, સદ્દભાવ અને અહોભાવની અભિવ્યક્તિ કરવી તેને પરમાત્માએ ઉત્કૃષ્ટ કક્ષાના વિનયધર્મ સ્વરૂપે ઓળખાવ્યું છે. પરમાત્મા કહે છે, ઉપકારી તત્ત્વને હંમેશા મસ્તકે રાખીએ અને એમના ચરણમાં સદા નત મસ્તક બનીએ. ઉપકારીના ઉપકારોને જે કદી ભૂલતાં નથી તે હંમેશા આકાશની ઊંચાઈઓને આંબતાં હોય છે. ઉપકારોને જે યાદ કરે છે તે દરેક ક્ષેત્રે વિશિષ્ટતાને પ્રાપ્ત કરતાં હોય છે.

ડો. પૂજ્ય આરતીબાઈ મહાસતીજીએ આ અવસરે પૂજ્ય ગુરુણીમૈયા પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજીને સહુ પ્રત્યે સદ્દભાવના અને સહયોગવૃત્તિના ધારક સાધ્વી તરીકે ઓળખાવીને એમના ગુણસમૃદ્ધ જીવનનો પરિચય કરાવતાં સહુ અહોભાવિત બન્યાં હતાં.

આ અવસરે છ મહિનાના સંયમ જીવનની અનુભૂતિને, સુંદર ભાવો સાથે નવ નવ નૂતનદીક્ષિત સંયમી આત્માઓએ અભિવ્યક્ત કરતાં સહુના હૃદયમાં સંયમ અને સંયમી આત્માઓ પ્રત્યે ધન્યતાનો ભાવ પ્રગટ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.