Abtak Media Google News

વડોદરાના નેચર ફોટોગ્રાફર જયેશ પ્રજાપતિ વર્ણવે છે રસપ્રદ અનુભવ 

બાલારામના જંગલમાં જેના ટહુકા સાંભળ્યા એ પક્ષી પાવાગઢના જંગલમાં જોવા મળ્યું હતું. તેમ નેચર ફોટોગ્રાફર જયેશ પ્રજાપતિએ પોતાના રસપ્રદ અનુભવ વર્ણવતા જણાવ્યું હતું.

માતા, પ્રકૃતિ, વૃક્ષો, વેલીઓ,પક્ષીઓ, પ્રાણીઓ, ડુંગરો, જંગલો જેટલા રળિયામણા,રોમાંચક, કુતૂહલ જગાવનારા અને આહ્લાદક છે,એટલી જ તેની ફોટોગ્રાફી પણ રોચક અને રોમાંચક છે.

માતા પ્રકૃતિની તસવીર કળા એટલે કે નેચર ફોટોગ્રાફીએ જયેશ પ્રજાપતિને બેહદ પ્રિય શોખ છે. તેમણે ઉપરોક્ત અનુભૂતિ ને પ્રસંગમાં વર્ણવતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતના બાલારામ ના જંગલો ખુંદતા વારંવાર એ પંખીના ટહુકા સાંભળ્યા.કયું પક્ષી છે, કેવું દેખાય છે એ જાણવાની તીવ્ર ઉત્કંઠા થઈ

પરંતુ ક્યાંય એ પંખી ભાળવા મળ્યું નહિ. પરંતુ અનાયાસ મારી એ પંખી સાથેની સંતાકૂકડીનો અંત પાવાગઢના જંગલમાં આવ્યો.ત્યાં ફરી એનો અવાજ સાંભળ્યો અને આસપાસ નજર ફેરવી તો મહાશય હાજર.મગ્ન થઈને ગીત ગાતાં એ પક્ષીને વીડિયોમાં કંડારી લીધું ત્યારે જંગલ ફોટોગ્રાફીનો અનેરો રોમાંચ અનુભવ્યો હતો. જયેશ પ્રજાપતિ મલ્ટી નેશનલ કંપનીના કર્મચારી છે. નેચર ફોટોગ્રાફી એમનો માનીતો શોખ છે.એમના જીવનસાથી રૂપલ વન રક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ છે જેમનું કાર્યક્ષેત્ર જંગલ છે. એટલે બંનેને પક્ષી અને પ્રકૃતિની ફોટોગ્રાફીનો સહિયારી શોખ લાદ્યો છે.

આ દંપતીએ દેડીયાપાડા,ડાંગ, જાંબુઘોડા,બાલારામ, પાવાગઢ જેવા જંગલોમાં ફોટોગ્રાફી કરી છે. વરસાદમાં પાવાગઢના કુદરતી સૌંદર્યની મસ્ત વિડિયોઝ ઉતાર્યા છે.

તેમણે પાવાગઢના જંગલમાં ટહુકાથી જેને શોધ્યું એ પક્ષી દાદુર, મોર, બપૈયા બોલે ગીતમાં ઉલ્લેખિત બપૈયો એટલે કે કોયલ કુળનું પક્ષી છે. તેનો દેખાવ અને ઉડવાની લઢણ શકરા બાજ જેવી હોવાથી અંગ્રેજીમાં એને કોમન હોક કુકુ તરીકે ઓળખવામાં આવે છે.આવું જ એક પક્ષી એશિયન કોયલ પણ છે.

જયેશભાઇ કહે છે કે નર માદાનો લગભગ સરખો દેખાવ ધરાવતું આ પક્ષી જીવ, જંતુ, ઈયળ ખાય છે અને માર્ચથી જૂન દરમિયાન ઈંડા મૂકે છે. રાજ્યના ગામો, ખેતરો, જંગલોમાં જોવા મળે છે.

આ કથામાં બાલારામના જંગલોમાં ખોવાયેલા ટહુકાને પાવાગઢના જંગલમાં ખોળી કાઢ્યાનો રામાંચ છે. કુદરત બહુરૂપી છે અને તેની પાસે વિસ્મય નો ખજાનો છે.આ ખજાનો લોસ્ટ ટ્રેઝરના બની જાય તે માટે જંગલો સાચવવા પડશે અને જંગલો સાચવવા બાળકોને વૃક્ષ સખા, મિત્ર અને ચાહક બનાવવા પડશે.

જયેશભાઇની એક મધુર ટહુકાની શોધખોળ તો એક નિમિત્ત છે, કુદરત બચશે તો પેઢી તરશે એ આ કથાનો બોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.