અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સવાપૂર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ગત ૨૫ મેથી ગુમ થયેલા ૨૯ વર્ષીય હર્ષદ એમ. ચમારનો મૃ*ત*દે*હ માલપુર નજીક વાત્રક નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે મૃતકની પત્નીએ ૯ જેટલા લોકો સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવાપૂર ગામના રહેવાસી હર્ષદ મોટાભાઈ ચમારને તેમના પાડોશીઓ સાથે કોઈ બાબતે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. મૃતકની પત્ની મધુબેન, જેઓ આંગણવાડીમાં ફરજ બજાવે છે, તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ૧૪ મે, ૨૦૨૫ ના રોજ તેઓ પંચાયતના બોર પર પાણી ભરવા ગયા હતા ત્યારે તેમના ઘર સામે રહેતા અંદરભાઈ મકવાણાએ તેમને ગાળો આપી અને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલીને ત્યાં પાણી ભરવા ન આવવા જણાવ્યું હતું. ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, અવારનવાર ઘર પાસેથી નીકળતી વખતે મૃતક હર્ષદભાઈ અને તેમને ગાળો બોલી અપમાનિત કરવામાં આવતા હતા, જેના કારણે તેમના પતિ માનસિક ત્રાસ અનુભવી રહ્યા હતા.
ફરિયાદ મુજબ, જ્યારે મૃતક હર્ષદ ચમાર ઘરે આવ્યા ત્યારે તેમની પત્નીએ તેમને આ સમગ્ર હકીકત જણાવી હતી. આથી હર્ષદ ચમારે પાડોશી અંદરભાઈ મકવાણાને આ બાબતે કહેતા, તેમનો આખો પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો. તા. ૨૨/૨૩ મે, ૨૦૨૫ ના રોજ તેમને લગ્ન પછી મારી નાખવાની ધમકીઓ આપવાની સાથે ગામમાં તેમની ઈજ્જત કાઢી જીવતા સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. તેમજ “જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જજે” તેવી ધમકીઓ પણ આપવામાં આવી હતી.
આ ધમકીઓથી ગભરાઈ ગયેલા હર્ષદભાઈ ચમાર તારીખ ૨૫ મે, ૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે પોતાની બાઇક લઈને ઘરેથી નીકળી ગયા હતા. તે જ દિવસે માલપુર પાસે આવેલ વાત્રક નદી પાસેથી તેમની બાઇક અને થેલી મળી આવ્યા હતા. તરવૈયાઓ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
ગઈકાલે, તારીખ ૧ જૂન, ૨૦૨૫ ના રોજ, માલપુર વાત્રક નદીમાંથી કોઈ યુવકનો મૃ*ત*દે*હ મળી આવ્યો હોવાની માહિતી મળતા હર્ષદ ચમારના પરિવારજનોએ તપાસ કરતા આ મૃ*ત*દે*હ ૨૫ મેથી ગુમ થયેલા હર્ષદ ચમારનો જ હોવાનું બહાર આવ્યું હતું.
મૃતકના તમામ પરિવારજનો માલપુર પોલીસ સ્ટેશનમાં એકત્ર થઈને ભારે રકઝક બાદ સવાપૂરના અંદરભાઈ ચેહરાભાઈ મકવાણા, મંગુબેન અંદરભાઈ મકવાણા, પવન મકવાણા, શંકરભાઈ ચેહરાભાઈ મકવાણા, બોરના મુવાડાના લાલાભાઈ ફતાભાઈ મકવાણા, રાયમલભાઈ શંકરભાઈ મકવાણા, વાંકાનેડાના ગુલાબભાઈ, નરેશભાઈ, અને મોતીપુરા ગામના મિનેશભાઈ એમ કુલ ૦૯ વ્યક્તિઓ સામે હર્ષદ ચમારને આપઘાત કરવા મજબૂર કરવા બદલ દુષ્પ્રેરણા અને જાતિ વિષયક ઉચ્ચારણની ફરિયાદ માલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. માલપુર પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.