Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં જામનગર જોડીયામાં ૧૫ ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોરબી સાથે જામનગર અને રાજકોટમાં પણ ભારે વરસાદથી હાલાકી પડી રહી છે. જામનગરમાં ગતરાતથી વરસી રહેલા અવિરત વરસાદથી જામનગર-કંડલા હાઈવેનો પુલ તુટીને બે કટકા થઈ ગયો હતો. જેને લઈ આજ સવારથી જામનગર અને મોરબી વચ્ચે તમામ અવર-જવર બંધ થઈ ગઈ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જોડીયા અને મોરબી તેમજ કંડલાને જોડતો હાઈવેનો પુલ તુટતા વાહન-વ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદથી નીચાણવાળા ૨૦ જેટલા ગામોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. આજથી ગુજકેટની પરીક્ષા પણ શરૂ થતી હોય ગુજકેટની પરીક્ષા માટે ૧૦ જેટલા વિદ્યાર્થીઓને ગામની કંકાવટી નદી પરના પુલ ઉપરથી પાણીના ભયંકર પ્રવાહ વચ્ચે ટ્રેકટરમાં બેસાડી નદી પાર કરાવી હતી . ગામમાં પાણી-પાણી હોવાથી વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય ન બગડે તેને લઈ ટ્રેકટરમાં બેસાડી તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામના લોકોએ પણ જામનગર કલેકટરને રજૂઆત કરી હતી કે, વિદ્યાર્થીઓ જો મોડા પહોંચે તો તેમને પરીક્ષા કેન્દ્રમાં બેસાડવાની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત બીજીબાજુ ભારે વરસાદથી હડીયાણાની કંકાવટી નદીનું પાણી ગામમાં ઘુસતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદથી ઉપરવાસમાં પાણીના પ્રવાહને લીધે આજી-૪ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.