Abtak Media Google News

બાંધી મુદતની થાપણો પર વ્યાજનો દર સતત ઘટતા રોકાણકારોની મુંઝવણ વધશે

બેંકની થાપણોની આવક હવે ‘હાથીના પગ’ જેવી રહી નથી!!

વિનિમય પ્રથા બાદ બેન્કિંગ સેવા શરૂ થતા બેંકની મુખ્ય અને હાથીના પગ જેવી ગણાતી આવક એટલે બાંધી મુદતની થાપણમાંથી થતી આવક. પરંતુ હાલ જાણે બેંકોનો એનપીએ રેશિયો વધતા અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. હાલ ફિક્સ ડિપોઝીટ એટલે કે બાંધી મુદતની થાપણમાં વ્યાજના દર સતત ઘટતા જઈ રહ્યા છે. કારણ કે સરેરાશ 4 ટકાથી વધુ વ્યાજ દર બેન્કોને પણ પોસાતો નથી. વ્યાજના દરમાં ઘટાડો થઈ રહ્યો છે તો સામે આનાથી રોકાણકારો પણ વિમુખ થઈ રહ્યા છે. ફિક્સડ ડિપોઝિટમાં રોકાણનો ધંધો જાણે નુકસાનીનો ધંધો બની ગયો હોય તેમ વાતાવરણ ઉભું થયું છે.

તાજેતરમાં ઘણી બેન્કો દ્વારા ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરો ઘટાડવામાં આવ્યા છે. જેનું એક કારણ વધતો જતો ફુગાવો એટલે કે મોંઘવારીનો દર પણ છે. આરબીઆઇના નિયમાનુસાર, બજારમાં તરલતા લાવવા તેમજ વધતા જતા ફુગાવાને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરો ઘટાડવામાં આવે છે જેથી નાણાંનો પ્રવાહ કન્ટ્રોલમાં કરી મોંઘવારીને કાબુમાં કરી શકાય. નોંધનિય છે કે વિવિધ રોકાણોમાં પેદા થતા વળતર ફુગાવાની અસરમાંથી ઉદ્ભવે છે.

હાલ ભારતમાં ફુગાવો દર વધી રહ્યો છે. ભારત અને અન્ય કેટલાક દેશમાં લોકડાઉન લદાતા  ઉત્પાદનની મર્યાદાઓ અને ક્ષમતા પણ વધી છે. તેથી, ફુગાવાની ફટકાર વધતી જઈ રહી છે. ભલે તમે નાણાં કમાતા હોવ, વાસ્તવિક અર્થમાં તમે તમારા રોકાણો પર હકારાત્મક વળતર નહી મેળવી શકો. આવું જ ફિક્સડ ડિપોઝિટમાં જોકે મળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ બેંક એફડી પર સરેરાશ વાર્ષિક 6 ટકા વળતર આપે છે. અને ફુગાવો પણ 6 ટકા છે, તો ચોખ્ખું વળતર લગભગ શૂન્ય છે. અમુક સમયે, જ્યારે એફડી દર નીચા હોય અથવા ફુગાવો વધારે હોય, ત્યારે રોકાણ નકારાત્મક વળતર મેળવે છે. રોકાણ કરેલ મૂડી સલામત અને સુરક્ષિત છે પરંતુ અસરકારક ફુગાવા-સમાયોજિત વળતર ઓછું અથવા નકારાત્મક હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.