સોનિયાએ બેસાડેલા પ્રેસિડેન્ટને કેપ્ટન સ્વીકારતા નથી!!

ભૂતકાળમાં હાઈકમાન્ડ જે નિમણુંક કરે તેને સ્વીકારવાની કેપ્ટને હા તો પાડી દીધી હતી, પણ સિધુની વરણી સામે કેપ્ટનની નારાજગી યથાવત

અબતક, નવી દિલ્હી : પંજાબના રાજકારણમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે. ભૂતકાળમાં કેપ્ટને હાઇકમાન્ડ જે નિમણુંક કરે તેને સ્વીકારવાની હા પાડી દીધી હતી. પણ હવે સિધુને સ્વીકારવા કેપ્ટન તૈયાર નથી. તેમની નારાજગી યથાવત જ રહી છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે મંગળવારે સીએમ અને નવનિયુક્ત પ્રેસિડેન્ટ નવજોતસિંહ સિદ્ધુની સંભવિત બેઠકના અહેવાલોને ફગાવી દીધા છે.નવજોત સિધ્ધુ મુખ્યમંત્રી અમરિંદર સિંહને મળવા માટે સમય માંગવાના અહેવાલો તદ્દન ખોટા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે સીએમ સિદ્ધુને ત્યાં સુધી મળશે નહીં, જ્યાં સુધી તેઓ જાહેરમાં તેમના વિરુદ્ધના અપમાનજનક સોશિયલ મીડિયામાં કરેલા બફાટ વિશે માફી નહીં માંગે.

ઉલ્લેખનીય છે કે 17 મી જુલાઈએ એઆઈસીસીના ઇન્ચાર્જ હરીશ રાવત સાથેની મુલાકાત દરમિયાન, અમરિન્દરસિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નવા પંજાબ કોંગ્રેસ પ્રમુખ અંગેના નિર્ણયની સ્વીકૃતિ દર્શાવી હતી. પણ હવે આ નિમણુંકથી તેઓ નારાજગી દર્શાવી રહ્યા છે. આમ કેપ્ટન નવજોતસિંહને સ્વીકારવા માટે ક્યારેય તૈયાર ન હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.