વેરાવળમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને સરાજાહેર રહેંસી નાખ્યો

ખાણીપીણીના ધંધાર્થી ખારવા યુવાનને હત્યારાએ છરીના આડેધડ ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો

વેરાવળમાં પૈસાની લેતી-દેતી મામલે એક શખ્સે ખાણીપીણીના ધંધાર્થીને સરાજાહેર રહેંસી નાખતા શહેરમાં ચકચાર મચી ગયો હતો. જૂની અદાવતમાં જ માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા શખ્સે છરીના આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સમી સાંજે આઠેક વાગ્‍યા આસપાસ ખારવાવાડ વિસ્‍તારમાં કોર્મશીયલ બિલ્‍ડીંગ પાસે ચાઇનીઝ ફુડની લારી ચલાવતા ખારવા જતીન વિઠલભાઇ બાંડીયા નામના ૨૫ વર્ષીય યુવાનની રેકડીએ મચ્છી માર્કેટમાં રહેતો સંજત રામજી કોટિયા નામના શખ્સે આવી બોલાચાલી કરી જોત જોતામાં સંજય કોટિયાએ શરીરએ પેટ-છાતી ઉપર આડેઘડ છરીના પાંચેક ઘા ઝીકી દેતા જતીન ઢળી પડયો હતો.

એ સમયે આજુબાજુમાંથી લોકો દોડી આવતા હત્‍યા કરનાર શખ્‍સ ત્‍યાંથી નાસી છુટયો હતો. બાદમાં આસપાસના લોકો જતીનને લઇ ખાનગી હોસ્‍પીટલએ લઇ જવા દોડી ગયા ત્યારે રસ્‍તામાં જ મૃત્‍યુ થઇ જતા મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્‍પીટલએ ખસેડવામાં આવતો હતો. જેથી હોસ્પિટલમાં જ રાત્રે ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.

શહેરમાં સરાજાહેર હત્યાનો બનાવ નોંધાતા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ, પીઆઇ ડી.ડી.પરમાર, પીએસઆઇ મુસાર સહિતનો સ્‍ટાફ સીવીલ હોસ્‍પીટલે દોડી ગયો હતો. જ્યાં મૃતક જતીન બાંડિયાના ભાઈ ચંદ્રેશ ઉર્ફે ચિંતન બાંડિયાએ સંજય કોટિયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં ખારવા યુવાનની થયેલી કરપીણ હત્‍યાની વાત વાયુવેગે પ્રસરી જતા ખારવા સમાજના લોકો મોટી સંખ્‍યામાં સીવીલ હોસ્‍પીટલે પહોંચી ગયા હતા. જયારે સીવીલએ પહોંચેલા ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્‍ડેશનના પટેલ કિરીટભાઇ ફોંફડી, તુલસીભાઇ ગોહેલ સહિતનાએ પોલીસ અઘિકારીઓને રૂબરૂ મળી હત્‍યા કરનાર શખ્‍સને ત્‍વરીત ઝડપી લેવા માંગ કરી હતી. મૃતક જતીન બાંડીયાને બે માસુમ બાળકો હોય જેમણે પિતાની છત્ર છાયા ગુમવાતા ખારવા સમાજમાં ગમગીની પ્રસરી ગઇ છે.