તિરુપતિ લાડુ ઘીમાં ભેળસેળ કેસમાં પહેલી ધરપકડ કરતા, CBIની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ રવિવારે તમિલનાડુ ડેરીના MD સહિત 4 લોકોની અટકાયત કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ 4માં ડિંડીગુલ સ્થિત AR ડેરીના એમડી આર રાજશેખરન, ઉત્તરાખંડ સ્થિત ભોલે બાબા ડેરીના વિપિન જૈન અને પોમિલ જૈન અને નેલ્લોરની વૈષ્ણવી ડેરીનું પ્રતિનિધિત્વ કરતા અપૂર્વ ચાવડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીબીઆઈએ છેલ્લા ત્રણ દિવસથી પૂછપરછ કર્યા પછી ચારેયની ધરપકડ કરી હતી. આરોપીઓને રિમાન્ડ માટે તિરુપતિમાં સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે SIT તપાસમાં ઘીના પુરવઠામાં ગંભીર ઉલ્લંઘનો બહાર આવ્યા છે, જેમાં દરેક પગલા પર અનિયમિતતાઓ છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આંધ્રપ્રદેશના CM એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે YSRPC સરકાર દરમિયાન તિરુપતિ લાડુ બનાવવા માટે પશુ ચરબી સાથે ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારે આ વિવાદ શરૂ થયો હતો.
ટીડીપીએ બાદમાં આરોપોના સમર્થનમાં એક પ્રયોગશાળા રિપોર્ટ બહાર પાડ્યો, જેને YSRPC એ નકારી કાઢ્યો અને તેને પક્ષ માટે બદનક્ષીભર્યો ગણાવ્યો.
આ પછી, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ એઆર ડેરીને બ્લેકલિસ્ટ કરી અને તેમની સામે તિરુપતિ પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
રાજ્ય સરકારે પોતાની તપાસ શરૂ કરી હતી, જ્યારે મામલો સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો હતો, ત્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં કોર્ટે સીબીઆઈને ભેળસેળના દાવાઓની તપાસ માટે એસઆઈટી બનાવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર (હૈદરાબાદ) એસ વીરેશ પ્રભુ, સીબીઆઈ એસપી (વિશાખાપટ્ટનમ) મુરલી રંભા, ગુંટુર આઈજી સર્વેશ્વર ત્રિપાઠી અને વિશાખાપટ્ટનમ રેન્જ ડીઆઈજી ગોપીનાથ જટ્ટી અને એક FSSAI અધિકારી સીબીઆઈ તપાસનો ભાગ બન્યા.