Abtak Media Google News

સહકારી શુગર મિલોને ખાંડના બફર સ્ટોક પર ૨૧૬ કરોડ મળશે : વ્યાજ કેન્દ્ર ભોગવશે

ખાંડ ઉદ્યોગને જરૃરીયાત કરતા વધુ ઉત્પાદન થયેલી ખાંડને પગલે આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના બફર સ્ટોક પર નાણા ધીરનાર બેંકનું વ્યાજ સરકારે ચુકવવાનો નિર્ણય લીધો છે.

સુરત જિલ્લાની સહકારી શુગર ફેક્ટરીઓને સુરત ડિસ્ટ્રીક્ટ બેંક રૃ. ૨૧૬ કરોડની ચુકવણી કરશે, જેનું વ્યાજ સરકાર ભરશે.હવે શેરડી ઉત્પાદક ખેડૂતોને શેરડીના નાણાં સમયસર ચૂકવણી થશે.

કેન્દ્ર સરકાર દ્વારા ગતરોજ ખાંડના બફર સ્ટોક અંગે વ્યાજ રાહતની જાહેરાત કરી હતી. દેશભરમાં ખાંડનું ઉત્પાદન અંદાજીત કરતા વધુ અને દેશની જરૃરીયાત કરતા પણ વધું થયું છે. જેને કારણે ખાંડના ભાવ ખુલ્લા બજારમાં સતત ઘટતા ગયા હતા. ખાંડના ભાવ તૂટતા શેરડી ઉત્પાદક ખેડૂતોને શુગર ફેક્ટરી કેન્દ્ર સરકારે નક્કી કરેલી એફઆરપી (ફેર એન્ડ રેગ્યુલેટરી પ્રાઈઝ) જેટલા ભાવ પણ ચુકવી શકે તેમ ન હોય સરકારે ખાંડની આયાત અને નિકાસ નીતિમાં અનેક ફેરફાર કરી પગલાં લીધા હતા.

જેમાં નિકાસમાં સબસીડી રાહત અને આયાતમાં ૧૦૦ ટકા ડયુટી વધારો કરવામાં આવતા ખાંડના ભાવ સ્થિર થયા હતા. ઉપરાંત ખાંડ દાગીના (૧૦૦ કિલો)ના રૃ.૨૯૦૦થી નીચા ભાવે નહીં વેચવાનો આદેશ કરી ખેડૂતોને શેરડીના નાણાંની ચુકવણી શરૃ કરાવી હતી. ખાંડની નિકાસ (એક્સપોર્ટ)માં સબસીડી જાહેર થતાં બજારમાં ખાંડના ભાવમાં દાગીના દીઠ રૃ.૨૦૦નો ઉછાળો આવ્યો હતો. ખાંડના ભાવ સ્થિત થઈ શક્યા પરંતુ ખાંડનું ઉત્પાદન વપરાશ કરતા વધુ હોય શેરડીના નાણાં ખેડૂતોને ચૂકવવા શુગર ફેક્ટરીએ માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા ખાંડનો બફર સ્ટોક ઉભો કરી તેના નાણાં બેંક દ્વારા ચુકવી આ નાણાનું વ્યાજ સરકારે ચુકવવાનો નિર્ણય કર્યો છે.

સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ, ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલ અને ઉપપ્રમુખ કેતન પટેલે કેન્દ્ર સરકારના બફર સ્ટોક અને વ્યાજ રાહતના નિર્ણયને આવકાર્યો છે. સુરત જિલ્લાની સહકારી શુગર ફેક્ટરી માટે બફર સ્ટોક માટે રૃ. ૨૧૬ કરોડની ફાળવણી કરી છે. આ નાણાં શુગર ફેક્ટરીઓને બેંક દ્વારા ચુકવવામાં આવશે જેનું વ્યાજ સરકાર ભરશે. ખાંડના બફર સ્ટોકના નાણાં શુગર ફેક્ટરીઓને મળતા ખેડૂતોને શેરડીના નાણાં સમયસર મળી જશે જે આર્થિક રીતે ઘણા મદદરૃપ બનશે.

બફર સ્ટોક જાહેર થતાં ખાંડના ભાવ સ્થિર થઇ શકશે…

કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના બફર સ્ટોક અંગે વ્યાજ ભારણ લીધું છે પરંતુ ખાંડની પરિસ્થિતિ અને ભાવમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. ખાંડ નિકાસમાં સબસીડી અને શેરડીના ટનદીઠ રૃ. ૫૫નો વધારો જાહેર કરી ખાંડના ભાવમાં દાગીના દીઠ રૃ.૨૦૦નો ઉછાળો આવ્યો હતો. જે હાલમાં ખાંડ નિકાસ ન થતા ફરીથી ખાંડના ભાવ નીચા જઈ રહ્યા છે. બફર સ્ટોક જાહેર થતા ખાંડના ભાવ સ્થિર થઈ શકશે. અને ખેડૂતોને શેરડીના નાણા ચુકવવામાં શુગર ફેક્ટરીઓને મોટી આર્થિક મદદ મળશે.

ગેઝેટનું પાલન કર્યું હશે તે જ શુગરને સબસીડી મળશે…

કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની આયાત અને નિકાસ નીતિ અંગે વારંવાર અસરકારક પગલા લીધા છે. ખાંડની આયાતમાં ૧૦૦ ટકા ડયુટી વધારી દીધી અને ખાંડ નિકાસમાં સબસીડી જાહેર કરી છે. જો કે ખાંડ નિકાસની (એક્સપોર્ટ પોલીસી) સબસીડી અંગેના નીતિ નિયમોમાં સરકારે અવારનવાર ગેઝેટ પ્રસિધ્ધ કર્યુ છે. તે ગેઝેટ મુજબ જે શુગર ફેક્ટરીએ પાલન કરેલું હશે તેને જ સબસીડી મળી શકશે.

ઇથેનોલ મામલે પણ કેન્દ્ર સરકાર નિર્ણય લેશે

ખાંડ ઉદ્યોગ માટે બીજી એક રાહતમાં ઈથેનોલ મામલે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાશે. હાલમાં ઈથેનોલનો લીટર દીઠ રૃ. ૪૦.૮૦ છે જેમાં લીટરે ત્રણ રૃપિયાનો વધારો કરી રૃ.૪૩.૭૦નો કરાશે. જેનાથી શુગર ફેક્ટરીઓને આર્થિક રાહત મળી રહેશે.

આગામી સિઝનમાં ખાંડના ભાવ હજી નીચા જશે

દેશમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતા વધુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના બફર સ્ટોક પર વ્યાજ રાહતની ઘોષણા કરી છે. પરંતુ ખાંડ ગોડાઉનમાં રહેશે જે આગામી શેરડી પિલાણ સીઝન ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૮માં શરૃ થશે ત્યારે ખાંડનો સ્ટોક કેરી ફોરવર્ડ થશે. નવી સીઝન શરૃ થતા એક અંદાજ મુજબ બફર સ્ટોકનો ૧૦૦ લાખ મેટ્રીક ટન ખાંડનો જથ્થો કેરી ફોરવર્ડ થશે જે આગામી શેરડી પિલાણ સીઝનમાં શેરડીના નાણાં ખેડૂતોને ચુકવવાપાત્ર એફઆરપી જેટલા પણ ન થતા શેરડીના ભાવ નીચા ચુકવવા પડશે. હાલમાં સરકારે ખાંડ દાગીના (૧૦૦ કિલો) દીઠ રૃ. ૨૯૦૦થી નીચે ન વેચવાનો નિયમ બનાવ્યો છે. આગામી સિઝનમાં ખાંડ આનાથી નીચા ભાવે શુગર ફેક્ટરીએ વેચવી પડે તેવી સ્થિતિ બની શકે તેમ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.