Abtak Media Google News

રામપર-બેટી ગામમાં સરકારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત પણ કરાશે : કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી લાભાર્થીઓની મુલાકાત પણ લીધી

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા. 13મી મે ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે ત્યારે તેમના હસ્તે અનેકવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીરૂપે રાજકોટના જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આજરોજ પારેવાડા, રામપર અને બેટી ગામની રૂબરૂ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચનો આપ્યા હતા.

Img 20220510 Wa0028

વિચરતી વિમુક્ત જાતિના લોકોને અંદાજિત  65 જેટલા મકાનો ગુજરાત સરકાર દ્વારા  પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના સહયોગથી બનાવવામાં આવ્યા છે, જેની સોંપણી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. વિચરતા સમુદાયના લોકો સ્થિર બનીને જીવન જીવી શકે તથા તેમના બાળકો વ્યવસ્થિત રીતે  અભ્યાસ કરી શકે તે માટે રામપર-બેટી ગામના વિસ્તારમાં સરકારી હોસ્ટેલ નિર્માણ પામશે જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. તે જગ્યાની સ્થળ ચકાસણી પણ કલેકટરએ કરી હતી તેમજ આવાસ મેળવનારા લાભાર્થીઓને કલેકટર રૂબરૂ મળ્યા હતા તેમજ તેઓ જોડે ચર્ચા કરી હતી.

Img 20220510 Wa0023

આ સ્થળ પર જિલ્લા કલેક્ટરએ અલગ-અલગ વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મીટીંગ યોજીને જરૂરી આદેશો આપ્યા હતા. આ પ્રસંગે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈ, રાજકોટ તાલુકા મામલતદાર કથિરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરીયા, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીશ્રી ઝાલા, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સી.એન મિશ્રા, વિકસતી જાતિના નિયામક નાયબ એ. ટી. ખમણ, વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના મિતલબેન પટેલ, છાયાબેન પટેલ તથા કાનજીભાઈ સહિતના સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.