શહેર યુવા ભાજપ પ્રમુખ પદ માટે ચાર નામો ચર્ચામાં

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે અલગ અલગ 7 મોરચાના પ્રમુખના નામોની ઘોષણા કરી દેવાયા બાદ હવે જિલ્લા અને મહાનગર કક્ષાએ પણ મોરચાના હોદ્દેદારોની નિમણૂંક કરવાનો સડવડાટ શરૂ થયો છે. રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પદ માટે હાલ ચાર નામોની ચર્ચા ચાલી રહી છે. વધુ એક વખત યુવા ભાજપ પ્રમુખની ડોર કોંગ્રેસમાંથી આવેલા આયાતી કાર્યકરને આપવામાં આવે તેવી સંભાવના પણ હાલ નકારી શકાતી નથી.

છેલ્લી બે ટર્મથી શહેર યુવા ભાજપના પ્રમુખ પદે વર્તમાન મેયર ડો.પ્રદિપભાઈ ડવ જવાબદારી સંભાળતા હતા. જો કે તેઓની શહેર ભાજપના ઉપપ્રમુખપદે વરણી કરવામાં આવ્યા બાદ હાલ યુવા ભાજપનું પ્રમુખ પદ ખાલી પડ્યું છે. ગઈકાલે પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ 7 મોરચાના પ્રમુખના નામ જાહેર કરાયા બાદ હવે જિલ્લા અને મહાનગરોમાં પણ મોરચાની રચના કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. હાલ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખપદ માટે થોડા વર્ષો પહેલા જ એનએસયુઆઈનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા ભરતસિંહ જાડેજાનું નામ સૌથી વધુ હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે. વધુ એક વખત યુવા ભાજપનું પ્રમુખપદ મુળ કોંગ્રેસી ગૌત્ર ધરાવતા કાર્યકરને આપવામાં આવે તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકરો નારાજ થાય તેવી સ્થિતિનું પણ નિર્માણની શકયતા જણાય રહી છે. આવામાં અન્ય ત્રણ નામો પણ ચર્ચાઈ રહ્યાં છે. જેમાં નિલેશ ખુંટ, પૃથ્વીસિંહ વાળા અને વિજય સાંગાણીના નામો ચર્ચામાં છે. આવતા સપ્તાહે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી દ્વારા અલગ અલગ છ મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.