Abtak Media Google News

રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની 61મી વાર્ષિક સાધારણ સભા આજરોજ ધી ગ્રાન્ડ ઠાકર હોટલ- રાજકોટ મુકામે સરકાની કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાખવામાં આવેલ. જેમાં કાર્યક્રમનું પ્રમુખસ્થાન રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ સંભાળેલ હતુ. સાધારણ સભાની કાર્યવાહી દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં દૂધ સંઘના પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા, વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય મહમદજાવીદ પીરજાદા, રાજકોટ ડિસ્ટ્રી. કો.ઓપ. બેંકનાં વા.ચેરમેન મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર  ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ જિલ્લા સહ.ખ.વે. સંઘનાં ચેરમેન મગનભાઈ ઘોણિયા, રાજકોટ જિલ્લા સહકારી સંઘનાં ચેરમેન પ્રવિણભાઈ રૈયાણી, રાજકોટ જિલ્લા સહકારી પ્રેસનાં ચેરમેન રવજીભાઈ હિરપરા, જિલ્લા પંચાયત- રાજકોટનાં પૂર્વ પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ, રાજકોટ ડિસ્ટ્રી. કો-ઓપ. બેંકના ડિરેકટર લલીતભાઈ રાદડીયા તેમજ દૂધ સંઘ અને રાજકોટ ડિસ્ટ્રી. કો.ઓપ. બેંકના ડિરેકટરરો હાજર રહયા હતા. દૂધ સંઘની સભાસદ મંડળીઓનાં પ્રમુખો ઝુમ મીટીંગમાં ઓનલાઈન હાજર રહેલ.

રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ સંઘની 61મી વાર્ષિક સાધારણ સભા સમક્ષ દૂધ સંઘનો અહેવાલ અને હિસાબો રજુ કરતા જણાવેલ હતુ કે, કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ સંઘનાં ટર્નઓવરમાં ગત વર્ષની સરખામણીએ 8.59% વધારો થયેલ છે તેમજ સંઘનું દૂધ સંપાદન 11% વધેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે રૂા.6/-‘મિલ્ક ફાઈનલ પ્રાઈઝ’ માટે રૂા. પ.73 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. સંઘે સરેરાશ કિલોફેટનો ભાવ રૂા.665/ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂા 9 વધારો થયેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂા.9.61 કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને 15% લેખે શેર ડિવિડન્ડની રકમ રૂા.4.42 કરોડ ચુકવવામાં આવશે.

Screenshot 3 30 સંઘે છેલ્લા 20 વર્ષથી દૂધ ઉત્પાદકોને દર વર્ષે સરેરાશ કિલો ફેટ વધુ ભાવ ચુકવેલ છે. 10 વર્ષ પહેલા સને 2009-10માં સરેરાશ ખરીદભાવ રૂા.321 હતો તે સને 2020-21માં રૂા.66પ એટલે કે બમણો થયેલ છે. દૂધ સંઘ હરહંમેશ દૂધ ઉત્પાદકોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને નિણર્યો કર્યા છે અને ભવિષ્યમાં પણ દૂધ ઉત્પાદકોનાં સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખીને દૂધ સંઘ દ્વારા કામકાજનું આયોજન કરવામાં આવશે.

સંઘ દર વર્ષે ગ્રાહક વર્ગની માંગને ધ્યાનમાં રાખીને અમુલ ગોપાલ બ્રાન્ડમાં નવી પ્રોડકટ બજારમાં વેચાણ માટે મુકેલ છે. સંઘે આ વર્ષે અમુલ સ્લીમ  ટ્રીમ દૂધનું પેકીંગ લોંચ કરેલ છે. સંઘે ગત વર્ષે ગોપાલ લસ્સીનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરેલ જેના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ 143નો વધારો થયેલ છે અને દહીંનાં વેચાણમાં 21%નો વધારો નોંધાયેલ છે. સંઘે ગોપાલ બ્રાન્ડની બધી જ પ્રોડકટ એક જ સ્ટોરમાંથી મળી રહી તે હેતુથી અમુલ પાર્લરની જેમ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરેલ છે અને રાજકોટ શહેરમાં વધુ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરવાનું આયોજન છે.

કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ સંઘે 892 કાર્યરત દુધ મંડળીઓમાંથી પ્રતિ દિવસ સરેરાશ 4.47 લાખ લીટર દૂધ સંપાદન કરેલ છે. જે ગત વર્ષની સરખામણીએ 11% વધુ છે. તેમજ આગામી વર્ષમાં પણ દૂધ સંપાદનમાં વધારો થાય તે માટે સંઘનું નિયામક મંડળ હંમેશા પ્રયત્ન રહેશે. સંઘ પશુપાલનની તકનીકી સેવાઓ મારફતે દૂધ ઉત્પાદકો માટે પશુ સંવર્ધન, સારવાર અને માવજતનાં કાર્યક્રમો કરવામાં આવે છે. સંઘે માદા બચ્ચા ઉછેર કાર્યક્રમમાં 40પ6 માદા બચ્ચાનો વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઉછેર કરી આ યોજનામાં રૂા.1.32 કરોડની સહાય દૂધ ઉત્પાદકોને ચુકવેલ છે.

ફર્ટીલીટી ઈમ્પમેન્ટ પ્રોગ્રામમાં 3007 વંધ્ય પશુઓ ગાભણ થયેલ છે. આ કાર્યક્રમમાં રૂા. 0.97 કરોડની સહાય ચુકવવામાં આવેલ છે. કૃમિનાશક કાર્યક્રમમાં 2,33,980 પશુઓને કૃમીનાશક ડોઝ આપેલ હતાં જેમાં સંઘ તરફથી 70% મુજબ રૂા. પ5.03 લાખની સહાય ચુકવવામાં આવેલ છે. સંઘ પશુપાલકોનાં પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધે અને દૂધ ઉત્પાદન વધે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે જેનો મહતમ લાભ મેળવવા અપીલ કરેલ હતી.

Screenshot 2 50

સંઘ અકસ્માતે અવસાન પામતા દૂધ ઉત્પાદકોના વારસદારોને આર્થિક સહયોગ આપવા તેની સાથે જોડાયેલા 40 હજાર દૂધ ઉત્પાદકોને રૂા.10 લાખનાં વિમા કવચથી રક્ષિત કરે છે. જેનું 100% વિમા પ્રિમીયમ સંઘ ભોગવે છે. સંઘ સને 2020-21ના વર્ષમાં દૂધ ઉત્પાદકો વતી રૂા.1.29 કરોડનું વીમા પ્રિમીયમ ભોગવેલ છે તેમજ આ વર્ષે પણ રૂા.10 લાખનું અકસ્માત વિમા કવચ ચાલુ રાખવાની જાહેરાત કરેલ હતી.

કોરોના વાયરસનાં સંક્રમણની શકયતાઓ વચ્ચે પણ રાજકોટ દૂધ સંઘ, સંઘ સંયોજીત દૂધ મંડળીઓના કર્મચારીઓ અને હજારો દૂધ ઉત્પાદકોએ દૂધ સંપાદનની કામગીરી ચાલુ રાખીને ગ્રાહક વર્ગને અતિ આવશ્યક એવી અમુલ દૂધ અને ગોપાલ બ્રાન્ડની દૂધની બનાવટોનો પુરવઠો ડિસ્ટ્રીબ્યુટરો, એજન્સીઓ અને રીટેલર્સ મારફતે અવિરત પુરો પાડી કોરોના યોધ્ધા તરીકેની પ્રશંસનીય કામગીરી કરેલ છે તે બદલ તેમજ દૂધ પરિવહનના રૂટ કોન્ટ્રાકટર અને દૂધનો અવિરત પુરવઠો પુરો પાડવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા તમામનો દયપુર્વક આભાર માનુ છું.

દૂધ સંઘનાં મેનેજીંગ ડીરેકટર વિનોદ વ્યાસે સંઘના ભાવી આયોજન વિશે માહિતી આપતા જણાવેલ હતુ કે, સંઘનું દૂધ સંપાદન આગામી વર્ષમાં પ% વધારો થાય તે માટે દૂધ મંડળી અને દૂધ ઉત્પાદક કક્ષાએ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે જે માટે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધારવા, દૂધ ઉત્પાદકો નવા પશુઓની ખરીદી કરે તે માટે પ્રોત્સાહન આપવા અને દૂધ મંડળી સિવાય અન્ય જગ્યાએ દૂધ ભરતા ગ્રાહકો દૂધ મંડળીમાં ભરાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.

દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાંથી નફો મેળવીને દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ વધારવા આયોજન કરવામાં આવશે. જે માટે 3000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં નવી એજન્સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. હાલ બજારમાં પનીરની માંગને ધ્યાનમાં રાખીને પ્રતિ દિન 2 ટન કેપેસીટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે.

આ પનીર પ્લાન્ટ રાજય સરકારશ્રીનાં પશુપાલન વિભાગની સહાય યોજના હેઠળ સ્થાપવામાં આવશે જેની મંજુરીની પ્રક્રિયા હાલ ચાલુ છે. દૂધની ગુણવતાની ચોકસાઈ પૂર્વક ચકાસણી થાય તે માટે તમામ શીત કેન્દ્ર, યુનીટો ઉપર આધુનિક ઋઝ મશીન રાજય સરકારી ગ્રાન્ટમાંથી ખરીદ કરીને મુકવાનું આયોજન છે. સંઘનું નિયામક મંડળ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોનાં આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ભાવી આયોજનો ગોઠવશે જેથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવો આપી શકાય.

કોરોના મહામારીમાં સરકાર તરફથી લોકડાઉન અને કર્ફયુ જેવા કડક નિયમો અમલી હોવાના કારણે દૂધ સંઘનું પેક દૂધનું વેચાણ ઘટેલ છે અને ખાનગી વેપારી/ડેરીઓએ દૂધ ઉત્પાદકોનુ દૂધ લેવાનું બંધ કરતા આ દૂધ ઉત્પાદકોએ દૂધ મંડળીઓમાં દૂધ ભરવાનું શરૂ કરતા દૂધ સંઘનું દૂધ સંપાદન વધેલ છે. આવી વિષમ પરિસ્થિતિમાં ફેડરેશન દૂધ સંઘોમાં વધેલ દૂધ સંપાદનનાં જથ્થાનું ફેડ ડેરી ગાંધીનગર મુકામે યોગ્ય રીતે હેન્ડલીંગ કરી મુશ્કેલીના સમયમાં દૂધ ઉત્પાદકોનાં હિતનાં ધ્યાનમાં રાખીને સહકાર આપતા રહયા છે તે બદલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ, મેનેજીંગ ડિરેકટર આર.એસ.સોઢી, જન.મેનેજ2 અનીલ ભાયાતી અને સંબંધિત અધિકારીઓનો આભાર માનું છું અને ભવિષ્યમાં પણ સાથ-સહકાર મળતો રહે તેવી આશા રાખું છું.

રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પ્રમુખ સ્થાનેથી ઉદબોધન કરતા જણાવેલ હતુ કે જિલ્લાની સહકારી સંસ્થાઓને સાથે રાખીને જિલ્લાની સહકારી પ્રવૃતિ ઉતરોતર વિકાસ પામે અને ખેડુતો તથા પશુપાલકોને વધુને વધુ લાભો મળે તેવા મારા પ્રયત્નો રહયા છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા તેની સાથે જોડાયેલા લાખો ખેડુતો જીરો ટકાએ ખેત ધિરાણો આપવામાં આવે છે. તેવી જ રીતે અન્ય ધિરાણો પણ વ્યાજબી દરે અને સહેલાઈથી ખેડુતો અને પશુપાલકોને મળી રહે તે માટેની હંમેશા કામગીરી કરવામાં આવી રહી છે.

બેંક તેની સાથે જોડાયેલા લાખો ખેડુતો સભાસદોનો રૂા.10 લાખનો અકસ્માત વિમો ઉતરાવીને ખેડુતોને વીમાથી રક્ષિત કરવામાં આવે છે. દૂધ સંઘ દ્વારા પણ તેની જોડાયેલ પશુપાલકોને આર્થિક લાભ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે તેમજ દર વર્ષે પશુઓ માટે સારવાર અને માવજતના કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ખર્ચ કરી પશુપાલન વ્યવસાય વિકસે તે માટે પ્રયત્નો કરે છે. દર વર્ષે દૂધ ઉત્પાદકોને દૂધનો સરેરાશ ભાવ વધારે મળે તેવા નિર્ણયો કરે છે.

આગામી સમયમાં પણ દૂધ અને તેની બનાવટોના વેચાણ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરી દૂધ ઉત્પાદકોને વધુમાં વધુ ભાવો મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેની ખાત્રી આપુ છું. દૂધ સંઘે દૂધમાં ભેળસેળ બાબતે કડક વલણ અપનાવેલ છે તેમાં કોઈ જાતની બાંધછોડ કરવામાં આવશે નહિ માટે બધી જ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને સારી ગુણવતાવાળુ દૂધ મોકલવા વિનંતી કરૂ છું.

વધુમાં જણાવેલ કે રાજકોટ ડેરીની 500 મંડળી એવી છે જેનું મહિલાઓ નેતૃત્વ કરે છે. રાજકોટ ડેરીએ અનેક દૂધ ઉત્પાદકોનો ભરોસો જાળવી રાખ્યો છે. આજે પશુપાલકોની અપેક્ષા પૂરી કરવી એ પણ મુશ્કેલભર્યું છે ત્યારે રાજકોટ ડેરી આ માટે વધારેમાં વધારે પ્રયત્નો કરે છે. સહકારી ક્ષેત્રના માળખામાં ક્યારેય રાજકારણ આવ્યું નથી અને જ્યાં સુધી રાજકારણ નહિં આવે ત્યાં સુધી આ માળખુ મજબૂત રહેશે. સહકારી ક્ષેત્રમાં વિઠ્ઠલભાઇનું મોટુ યોગદાન જે ક્યારેય ભૂલી શકાય એમ નથી. આજે નાના એવા ગામડાના સભાસદને સહકારી માળખા પર ભરોસો છે. દૂધ સંઘમાં નાનામાં નાની વ્યક્તિ, કર્મચારીનું યોગદાન રહે છે.

અંતમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાનું સહકારી માળખુ બિન રાજકીય રીતે ચાલે છે. આગામી દિવસમાં માર્કેટ યાર્ડની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણ બિનહરીફ થાય એવા અમારા પ્રયત્નો રહેશે.

રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના ચેરમેન મગનભાઇ ઘોણિયાએ જણાવ્યું હતું કે દૂધનો વ્યવસાય યુગોથી ચાલ્યો આવ્યો છે. કૃષ્ણ પરમાત્મા પણ આ વ્યવસાય સાથે જોડાયેલા. આ વ્યવસાયથી કોઇપણ વ્યક્તિ પોતાની આજીવિકા, બાળકોને શિક્ષણ સારામાં સારી રીતે આપી શકે છે.

આ તકે ગોવિંદભાઇ રાણપરીયાએ જણાવ્યું હતું કે આજે દૂધ ઉત્પાદકાને પૂરતા ભાવ નથી મળતા અને ખાનારાઓને પોષાતું નથી. આ બંને વચ્ચે મોટી ખાઇ છે પરંતુ જો સારી વસ્તુ ખાવી હોય તો આપવા જ પડે છે. અને બીજી બાજુ પશુપાલકોને પણ અનેક કુદરતી કારણો નડે છે. અત્યારે ગામડામાં કોઇન આ વ્યવસાય કરવો નથી ત્યારે આ વ્યવસાયનું ભવિષ્ય ધૂંધળુ લાગે છે. પરંતુ સૌના સહકારથી આ વ્યવસાય ટકી રહે તેવા પ્રયાસો કરીશું.

આ પ્રસંગે દૂધ ઉત્પાદકોના વારસદારોને અકસ્માત સહાયના ચેક અર્પણ કરાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.