Abtak Media Google News

બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાતા દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

સમગ્ર ભારત દેશમાં શિયાળાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશના અનેકવિધ રાજ્યોમાં હાડ થીજવતી ઠંડીનો એક અહેસાસ થઈ રહ્યો છે. પૃથ્વી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં માઈનસમાં તાપમાન નોંધાઈ રહ્યું છે. કાશ્મીરના અનેકવિધ વિસ્તારોમાં હિમવર્ષા પણ જોવા મળી રહી છે. ઉત્તરના લગભગ તમામ રાજ્યોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડતો જોવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાના કારણે દક્ષિણના રાજ્યોમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

દેશના ઉત્તરના રાજ્યો જેવા કે, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર સહિતના રાજ્યોમાં ભારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. કાશ્મીરમાં તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો છે. દેશમાં સરેરાશ ૧૦ ડિગ્રી તાપમાન સોમવારે નોંધાયું હતું. દિલ્હી ૭૧ વર્ષ બાદ સૌથી ઠંડુ રહ્યું હતું. ધ નેશનલ વેધર ફોરકાસ્ટીંગે નોંધ્યું છે કે, દિલ્હી છેલ્લા ૭૧ વર્ષમાં સૌથી ઠંડુ નવેમ્બર માસમાં રહ્યું છે. દિલ્હીનું તાપમાન સોમવારે ૧૦.૨ ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. નવેમ્બર ૧૯૪૯માં દિલ્હીનું તાપમાન ૧૦.૨ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું જે બાદ પ્રથમવાર દિલ્હીનું તાપમાન ૧૦.૨ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. વર્ષ ૧૯૩૮માં દિલ્હીનું નવેમ્બર માસમાં ૯.૬ ડિગ્રી, ૧૯૩૧માં ૯ ડિગ્રી, ૧૯૩૦માં ૮.૯ ડિગ્રી તાપમાન હવામાન વિભાગના આંકડા મુજબ દિલ્હીમાં નોંધાયું હતું.

સામાન્ય રીતે નવેમ્બર માસમાં દિલ્હીમાં ૧૨.૯ ડિગ્રી સેલ્સીયસ તાપમાન સરેરાશ રહેતું હોય છે. પરંતુ આ વર્ષે તાપમાનનો પારો વધુ ગગડ્યો છે. છેલ્લા ચાર વર્ષથી  દિલ્હીનું તાપમાન ક્યારેય ૧૨.૮ ડિગ્રીથી નીચે ગયું નથી. ઠંડીનું પ્રમાણ દિલ્હીમાં વધ્યું છે પરંતુ હવાની ગુણવત્તા હજુ પણ દિલ્હીમાં ખુબ દયનીય પરિસ્થિતિમાં છે. દિલ્હીની એર ક્વોલીટી ઈન્ડેક્ષ ૩૦૭ નોંધાયું છે. રાત્રીના સમયમાં દિલ્હીમાં ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન પવનની ગતિ ૧૦ કિ.મી. પ્રતિ કલાક નોંધાવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

વાત જ્યારે દક્ષિણના રાજ્યોની થતી હોય ત્યારે જમ્મુ-કાશ્મીરને ભુલી શકાય નહીં. સોમવારે જમ્મુ-કાશ્મીરે અનેક સ્થળો પર ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાન ગગડવાના પરિણામે હિમવર્ષાનું પ્રમાણ પણ વધ્યું છે. જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ગુલમર્ગ ખાતે સૌથી વધુ માઈનસ ૩ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું છે. જ્યારે શ્રીનગરમાં ૧.૪ ડિગ્રી તાપમાન રવિવારે નોંધાયું હતું. ગુલમર્ગ કેન્દ્ર શાસીત પ્રદેશોમાં સૌથી ઠંડો પ્રદેશ હાલના તબક્કે જોવા મળી રહ્યો છે.

રાજસ્થાનમાં માઉન્ટ આંબુ સૌથી ઠંડા પ્રદેશ તરીકે જોવા મળતો હોય છે. માઉન્ટ આંબુ  ખાતે રાત્રીના સમયે ૨ ડિગ્રી સેલ્સીયસનું તાપમાન નોંધાયું છે. જ્યારે ચુરૂ ૫.૫ ડિગ્રી, શિકાર ૬ ડિગ્રી, પીલાણી ૭.૧ ડિગ્રી અને ભીલવાડા ૮ ડિગ્રી સાથે ઠંડીગાર બન્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઉત્તરના રાજ્યોમાં તાપમાનનો પારો વધુ ગગડે તેવી શકયતા સેવાઈ રહી છે.

ઉત્તરના રાજ્યોમાં પંજાબ અને હરિયાણા પણ ઠંડુગાર સાબીત થઈ રહ્યું છે. પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢ ખાતે ૯.૧ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું છે. જ્યારે હરિયાણાના અંબાલા ખાતે ૭.૯ ડિગ્રી, પંજાબના અમરીતસરમાં ૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ જણાવ્યા મુજબ હિમાચલપ્રદેશ આગામી એક સપ્તાહમાં વધુ ઠરશે.

ભારતના હવામાનમાં ખુબજ વિસંગતતા જોવા મળી રહી છે જ્યાં એક બાજુ ઉત્તરના રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યાં બીજીબાજુ દક્ષિણના રાજ્યોમાં વાવાઝોડાના કારણે વરસાદ પડવાની શકયતા પણ સેવાઈ રહી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાયું છે. જેના પરિણામે કેરળ, તામિલનાડુ, પોંડીચેરી, લક્ષદ્વીપ સહિતના સ્થળોએ તા.૧ થી ૪ ડિસેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી આપી છે. ૨ થી ૩ ડિસેમ્બર સુધી ૨૪ કલાક દરમિયાન દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકે તેવી આગાહી હાલના તબક્કે વ્યકત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલ લો-પ્રેસર શ્રીલંકાના દરિયા કિનારાના વિસ્તારોમાંથી વાવાઝોડાનું સ્વરૂપ લઈને તામિલનાડુના ક્ધયાકુમારી સહિતના વિસ્તારમાં ૩જી ડિસેમ્બર સુધીમાં વહેલી સવારે ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પરિણામે તામિલનાડુ, કેરળ, પોંડીચેરી, કરાઈકાલ, માહે તેમજ આંધ્રપ્રદેશ અને લક્ષદ્વિપના દરિયાઈ વિસ્તારમાં ૪થી ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદ પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય બાબત છે કે, ગત સપ્તાહમાં પણ નિવાર વાવાઝોડાએ તામિલનાડુ, કેરળ સહિતના રાજ્યોને ધમરોળ્યા હતા. તે દરમિયાન હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ફરી વાર દક્ષિણના રાજ્યોમાં વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. ૪થી ડિસેમ્બર સુધી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.