કલેક્ટરે ભિક્ષુકોની જીંદગી બદલવા અભિયાન ઉપાડ્યું

જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં બેઠક મળી: કલેકટરે ભિક્ષુકોના ખબર-અંતર પુછી તેમની સાથે સમય ગાળ્યો

કેન્દ્રમાં મહિલાઓ માટે યુનિટ બનાવવાનો નિર્ણય: ભિક્ષુકોના પુન: સ્થાપન માટે અન્ય એક યુનિટ બનાવવાનું સુચન

ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ખાતે જીંદગી હવે બદલાવાની છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ખાતે યોજેલી બેઠકમાં ૬ ભિક્ષુકો માટે મળેલી લીગલ ગાર્ડિયનશીપ મંજુર કરી

આપી છે.

આજરોજ કલેકટર રેમ્યા મોહનનાં અધ્યક્ષ સ્થાને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટ ખાતે નેશનલ ટ્રસ્ટ એકટ ૧૯૯૯ હેઠળની લોકલ લેવલ કમિટીની બેઠક, ધી રાઈટ્સ ઓફ પર્સન વીથ ડિસેબીલીટીઝ એકટ-૨૦૧૬ હેઠળની ડિસ્ટ્રીકટ લેવલ કમિટી ઓન ડિસેબીલીટીઝની બેઠક તથા ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૦ હેઠળની મુલાકાત સમિતિની બેઠક કમિટીના સભ્યોની હાજરીમાં મળેલ હતી.

નેશનલ ટ્રસ્ટ એકટ ૧૯૯૯ હેઠળની લોકલ લેવલ કમિટી દ્વારા કલેકટરનાં અધ્યક્ષપણા હેઠળ લીગલ ગાર્ડિયનશીપ આપવા માટેના કુલ ૦૯ કેસો રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં કલેકટર દ્વારા કુલ ૦૬ કેસોમાં લીગલ ગાર્ડિયનશીપ મંજૂર કરવામાં આવેલ હતી. ૦૩ કેસો નેશનલ ટ્રસ્ટ એકટ ૧૯૯૯ની ડિસેબીલીટીઝની વ્યાખ્યાના કારણે માર્ગદર્શન માંગી આગળ કાર્યવાહી અર્થે પેન્ડીંગ રાખવામાં આવેલ.

ધ રાઈટ્સ ઓફ પર્સન વીથ ડિસેબીલીટીઝ એકટ ૨૦૧૬ હેઠળની ડિસ્ટ્રીકટ લેવલ કમિટી ઓન ડિસેબીલીટીઝની બેઠકમાં સમાજ સુરક્ષા ખાતા હેઠળની દિવ્યાંગ કલ્યાણની ૦૫ યોજનાઓ અંગેની કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૦ હેઠળની મુલાકાત સમિતિની બેઠક દરમિયાન કલેકટર દ્વારા સંસ્થાની સંપૂર્ણ મુલાકાત કરવામાં આવી હતી.

સંસ્થા ખાતે ભિક્ષુકોને રાખવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા જોવામાં આવી હતી. તેમજ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ખાતે મહિલાઓ માટે યુનિટ શરૂ થાય તે માટે કાર્યવાહી કરવા નિર્ણય કરવામાં આવેલ હતો. તેમજ ભિક્ષુઓના પુન: સ્થાપન અંગે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની બાજુમાં યુનિટ બનાવવા માટે સુચન કરેલ હતું. તેમજ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ખાતે જરૂરી મહેકમ ભરાય તે માટષ પણ સરકારમાં કલેકટરની સહીંથી પત્ર લખવા નિર્ણય કરેલ હતો.

ઉપરાંત મેન્ટલી રીટાર્ડડ બે વ્યક્તિઓને કલેકટરની સુચના અન્વયે ત્વરિત બે વ્હીલચેર લાભાર્થીઓને કલેકટરના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતી. અંતમાં ત્રણેય બેઠકની કામગીરી પૂર્ણ થતા બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતી.