1874માં સ્વિટ્ઝર્લેન્ડમાં સંચાર ક્રાંતિની શરૂઆત થઇ: આજે ‘વિશ્વ ટપાલ’ દિવસ

પહલે પ્યાર કી પહેલી ચીઠ્ઠી, સાજન કો દે આ…

1969માં વિશ્વ ટપાલ દિવસની ઉજવણી શરૂ થઇ હતી: ટપાલ સેવાઓના મહત્વને ઉજાગર કરવા માટે ઉજવાય છે આ દિવસ: 247 વર્ષ જૂની ટપાલ સેવામાં પોસ્ટકાર્ડ અને તારનું એક જમાનામાં વિશેષ મહત્વ હતું

મેલો ઘેલો પણ ટપાલનો થેલો….ટપાલ લઇને જટા હલકારાની જેમ ચાલીને કે સાયકલની ટોકરી વગાડતો આવતો ટપાલીને જોઇને પરિવારમાં આનંદ છવાઇ જાય છે. સુખ-દુ:ખના સમાચાર લાવતો અને દૂર ગામ કમાવા ગયેલ પુત્ર-પતિના મનીઓર્ડરના પૈસા લાવતા ત્યારે એક આનંદોત્સવ છવાય જતો હતો. આપણાં હિન્દી ફિલ્મોમાં તેના મહત્વને વિશેષસ્થાન અપાયું છે. ડાકીયા ડાક લાયા કે કબૂતર જા જા જેવા ગીતો આજે પણ લોકો ગુનગુનાવે છે. આજે વિશ્વ ટપાલ દિવસ છે.

1874માં સ્વિટ્ઝર્લેન્ડમાં સંચાર ક્રાંતિની શરૂઆત થઇ હતી. 1969માં વિશ્વભરમાં વિશ્વ ટપાલ દિવસની ઉજવણી શરૂ થઇ હતી. વિશ્વભરમાં આજે ટપાલ સેવાને 247 જેટલા વર્ષ થયા છે. આ દિવસની ઉજવણી પાછળ ટપાલ સેવાના મહત્વને ઉજાગર કરવા માટે ઉજવાય છે. એક જમાનામાં પોસ્ટકાર્ડ અને અડધી રાત્રે આવતાં ટુકા તાર વડે આવતા સમાચારોનું વિશેષ મહત્વ હતું.

ભારતમાં પણ વિશ્વની સાથે બે સદી વટાવી ચૂકેલી ટપાલ સેવા આજે ઇન્ટરનેટના જમાનામાં પણ સમય સાથે તાલ-મેલ જાળવી શકી છે. આજના નવા યુગની નવી 21મી સદીમાં સોશિયલ મીડીયા મારફતે મેસેજીસનું મહત્વ વધ્યું છે ત્યારે ટપાલ સેવાનો યુગ આથમી રહ્યો છે. લોકો મોબાઇલ કે નેટના માધ્યમથી વોઇસકોલ કે વિડિયો કોલ કરીને ખબર અંતર પૂછી લે છે. ભારતીય ટપાલ વિભાગે બે વર્ષ પહેલા ‘ઇન્ડિયન પર્ફ્યુમ્સ’ થીમ આધારિત ટપાલ ટીકીટ બહાર પાડી હતી. ઇતિહાસમાં પહેલીવાર અષ્ટકોણિય ટીકીટ ગાંધીજીની 150મી જયંતિએ બહાર પાડી હતી. ઘણા લોકોને ટપાલ ટીકીટ સંગ્રહનો શોખ પણ હોય છે અને તેના પ્રદર્શનો પણ યોજાતા હોય છે. આજે વિશ્વ ટપાલ દિવસે ટપાલના જમાનાની યાદ તાજી કરીને ઘણા મેસેજ વોટ્સએપ્પમાં જોવા મળે છે.

ટપાલ, ટપાલ ટીકીટ, પરબિડિયું, ટપાલ પેટી, પોસ્ટ ઓફિસ, ટપાલી તાર, જેવા શબ્દો આપણે વર્ષોથી આપણી વાર્તા, નવલકથા, કવિતા, સાહિત્ય, ફિલ્મ અને ગીતોમાં સાંભળવા મળે છે, સ્થાન પામ્યા છે. ટપાલ વર્ષોથી સંદેશા વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1764માં મુંબઇથી શરૂ કરવામાં આવી હતી. ટપાલ સંદેશા વ્યવહાર દાયકાઓથી લોકોના જીવનનું અભિન્ન અંગ બની રહ્યું હતું.

ટિકિટના અભ્યાસ અને સંગ્રહ કરવાના શોખને ‘ફિલાટેલી’ કહેવાય

ભારતની સંસ્કૃતિ, પરંપરા, ખાન-પાન, પહેરવેશ, પુરાતત્વ અને જોવાલાયકા પ્રવાસન સ્થળો સાથે સ્વાતંત્ર્યવીરો, મહાનુભાવો, અમર શહિદો, પ્રાણી-પક્ષીઓ અને વિજ્ઞાનને સંબંધિત ટપાલ ટિકિટબહાર પાડવામાં આવે છે. ટિકિટના અભ્યાસ અને તેના સંગ્રહ કરવાના શોખને ‘ફિલાટેલી’ કહેવામાં આવે છે. આજે દેશની ઘણી પોસ્ટ ઓફિસ ‘હેરિટેજ’ની વ્યાખ્યામાં આવે છે. આજે પોસ્ટ ઓફિસ તેની મૂળ સેવા સાથે આધારકાર્ડ જેવી વણી સરકારી યોજનાનું પણ કાર્ય કરી રહી છે.

સંદેશા વાહકમાં કબૂતરનો ઉપયોગ

એક જમાનામાં સંદેશા વાહક તરીકે કબૂતરોનો ઉપયોગ કરાતો હતો. ત્યાર પછી પોસ્ટલ વિભાગ કુરિયરની શરૂઆત થઇને આજે તો ઇ-મેઇલનો ઉપયોગ સાથે વોટ્સએપમાં મેસેજ મોકલાય છે. સંદેશા વ્યવહારમાં સમય પ્રમાણે ક્રમિક બદલાવ જોવા મળ્યો છે. ચાલીને ટપાલી બાદમાં ઘોડા ઉપરને પછી આવી સાયકલએ રીતે પરિવર્તનના દોરે આ સંચાર સેવામાં પ્રગતિ જોવા મળી છે. ‘આંધળી માં નો કાગળ’ આપણા ગુજરાતની બહુ જ જાણીતી કવિતા છે. અડધી રાતે આવતા તાર આવે ત્યારે પરિવારજનોને વાંચતાના આવડતું હોવાથી હાંફળા-ફાફળા થઇ જતા હતા. પોસ્ટ ઓફિસ વાર્તા ખૂબ જ જાણિતી બની હતી.