Abtak Media Google News

દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર વચ્ચે અંદાજે રૂ. 2440 કરોડના ખર્ચે 135 કિલોમીટર લાંબા કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કોસ્ટલ હાઇવેના વિકાસથી અનેક ક્ષેત્રોનો વિકાસ થશે તે નક્કી છે. હાઇવેમાં વિકાસથી પરિવહન ખૂબ સરળ રહેશે. આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રને પણ પૂરો વેગ મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામ સુધી પણ 218 કિ.મીનો નવો કોરિડોર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ માટે અંદાજે રૂ.1670 કરોડનો ખર્ચ કરાશે.

મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, રાજ્યમાં આવેલ 1600 કિ.મી.ના દરિયાકાંઠાના નાગરિકોને માળખાગત સવલતોનો લાભ મળે અને પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે 135 કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે. જેમાં ખાસ કરીને ભાવનગર-સૌરાષ્ટ્ર તરફના ટ્રાફિક અત્યારે બોરસદ, તારાપુર, વટામણ ચોકડી, ધોલેરા થઈને ભાવનગર જાય છે, તેના સ્થાને ખંભાત, કામતલાવ, આંબલી, પાટીયા સુધીની નવી લિંક બનાવાશે. જેનાથી ભાવનગર-સૌરાષ્ટ્ર જતો ટ્રાફિક વટામણ ચોકડી સુધી જવાના બદલે આ નવી લિંકનો ઉપયોગ કરીને જશે અને 70 થી 80 કિ.મી. અંતર ઘટશે.

આ કોસ્ટલ હાઇવે નિર્માણ થશે તેમાં ભીલાડથી વલસાડ, વલસાડથી નવસારી, નવસારીથી સુરત, સુરતથી ભરૂચ અને ભરૂચથી ખંભાતના દરિયાકિનારાને સાંકળીને બનાવાશે. આ કોસ્ટલ હાઇવેના નિર્માણ માટે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના સાંસદઓ, ધારાસભ્યઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો થતાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.

હાલમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નર્મદા નદી પરનો હયાત પુલ ભરૂચ ખાતે કાર્યરત છે, જેનો મોટાભાગના વાહનો ઉપયોગ કરે છે. નર્મદા નદી પર આવેલ યાત્રાધામ માલસર ખાતે નવા પુલની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી સમયમાં પૂર્ણ થનાર છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર તરફ જતા તેમજ બારડોલી-માંડવી તેમજ સાપુતારા તરફ જતા ટ્રાફિકને લાંબુ અંતર કાપવું ન પડે અને સીધા સાપુતારા પ્રવાસન સ્થળનો લાભ લઇ શકે તે માટે મોટી કોરલ-નારેશ્વર નજીક નર્મદા નદી પર એક નવો પુલ અંદાજિત રૂ. 300 કરોડના ખર્ચે બનાવી કરજણ-નારેશ્વર-મોટી કોરલ-ભાલોદ-નેત્રંગ-માંડવીનો એક નવો કોરીડોર પણ નિર્માણ કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.