હનીટ્રેપનું દુષણ ગામડે પહોચ્યું… ચાલો મોજ મજા કરાવું કહી ગારીયાધારના પ્રૌઢને ફસાવ્યા !!

ગારીયાધારના પરવડીના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી રૂા.1 લાખ પડાવ્યા બાદ વધુ રૂા.1.58 લાખ ખંખેરવાનો કારસો રચનાર મહિલા સહિત ચારની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ ગારીયાધારના પરવડી ગામે રહેતા કિશોરભાઇ નરશીભાઇ પટેલે ભાવનગર તાલુકાના ગઢેચી વડલા ગામના અલ્પેશ મુકેશ રાઠોડ, તણસાના યુવરાજસિંહ ગટુભા ગોહિલ, જેસર તાલુકાના ચોક ગામના વિશ્ર્વરાજસિંહ ગણપતસિંહ સરવૈયા, તળાજાના માયા ભરત ડોડીયા અને નારી ચોકડી પાસે રહેતા હરપાલસિંહ કનકસિંહ ચુડાસમા સામે હનીટ્રેપમાં ફસાવી એક લાખ પડાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કિશોરભાઇ પટેલનો પરિવાર સુરત સ્થાયી થયા છે.

બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાના ગુનામાં એક લાખ પડાવી રૂા.1.58 લાખની ખંખેરવા દીધી ધમકી

 

ચોમાસાના કારણે વાવણી કરવા માટે તેઓ વતનમાં આવી વાડીએ ભજીયાનો પોગ્રામ કર્યો હતો. ત્યારે અલ્પેશ રાઠોડ અને કિશોરભાઇ પટેલ વચ્ચે પરિચય થયો હતો. કિશોરભાઇ પટેલને મોજ મજા કરવી હોય તો રહેજો એવું અલ્પેશ રાઠોડે કહ્યુ હતું. પરંતુ કિશોરભાઇ મચક આપતા ન હોવાથી અલ્પેશ રાઠોડ પોતાની સાથે એક યુવતીને સાથે લઇ તેમની ઘરે ગયો હતો ત્યારે યુવતીએ પોતાના કપડા જાતે કાઢી કિશોરભાઇ પટેલને બ્લેક મેઇલીંગ કરવાનું શરૂ કરી એક લાખ પડાવ્યા બાદ વધુ રૂા.1.58 લાખની માગણી કરી બળાત્કારના ગુનામાં ફીટ કરવા ધમકી દેતા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ચારેયની ધરપકડ કરી છે.