Abtak Media Google News

અહીં આખી કોંગ્રેસ મરણ પથારીએ પડી છે ત્યારે રાહુલ સંબંધીની તબિયત પુછવા પરદેશ ઉડી ગયા હોવાની કોંગ્રેસની સફાઈ

સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી… એક જમાનામાં રાષ્ટ્રીય પક્ષ અને સૌથી વધુ શાસનનો અનુભવ ધરાવતી કોંગ્રેસ અત્યારે ધણી-ધોરી વગરની થઈ ગઈ હોય તેવી સ્થિતિમાં ગઈકાલે કોંગ્રેસના પાયાના પથ્થર એવા કાર્યકરોએ ઉગતા સૂર્યની આરતીની જેમ કોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિનની ઉજવણી સોનિયા ગાંધીની નાદુરસ્ત તબીયત અને કોંગ્રેસ મરણ પથારી જેવી સ્થિતિમાં છે ત્યારે તેને સાંત્વના આપવાની જગ્યાએ રાહુલ ગાંધી પોતાના સંબંધીની ખબર કાઢવા વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ધણીધોરી વગર કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

કોંગ્રેસના પાયાના કાર્યકરો કોંગ્રેસની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે સંગઠનના પાયાની બુનિયાદ માટે તૈયારીના ભાગરૂપે મહેનત કરી રહ્યાં છે અને પક્ષની ઈમારતને ચણવા માટે પાયો ખોદી રહ્યાં છે. એ પાયામાં પાયાના પથ્થરનો જ અભાવ હોય અને નેતા વગરનું કોંગ્રેસનું માળખુ જો આવી રીતે ચાલશે તો કાર્યકરોએ ખોદેલા મોટી ઈમારતના આશાવાદના પાયા તેમની જ કબર બની જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

કોઈ પણ રાજકીય પક્ષના પાયાના કાર્યકર પક્ષને મજબૂત બનાવતા હોય છે પરંતુ કોંગ્રેસમાં નેતાઓની મનસુફીથી છેવાડાના કાર્યકરો અત્યારે ધણીધોરી વગરના થઈ ગયા છે. દેશમાં ભાજપના ઉદયથી કોંગ્રેસ અત્યારે દિવસે દિવસે ભરતીના પાણી જેવી રીતે ઓટમાં ઓસરતા હોય તેમ કોંગ્રેસ સમાજ અને રાષ્ટ્રથી દૂર થતું જાય છે તેવી પરિસ્થિતિમાં પક્ષનું મનોબળ મજબૂત કરવા માટે જ્યારે નેતાઓના સક્ષમ નેતૃત્વની જરૂર છે ત્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની નિષ્ક્રિયતા કાર્યકરોને અકળાવી રહી છે. કોંગ્રેસના સ્થાપના દિવસે રાહુલ ગાંધીની ગેરહાજરી અંગે પ્રશ્ર્ન ઉઠતા પ્રવકતાએ જણાવ્યું હતું કે, તે તેમના નાની માની ખબર કાઢવા વિદેશ ગયા છે. અને સોનિયા ગાંધીની તબીયત સારી ન હોવાથી તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં નથી. જો કે, પ્રિયંકા ગાંધીએ આંદોલનકારી ખેડૂતોને ટેકાની જાહેરાત કરી હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત મોટાભાગના નેતાઓ કોંગ્રેસના સ્થાપના દિવસે ગેરહાજર રહ્યાં હતા. વરિષ્ઠ નેતા એ.કે.એન્ટોનીએ પક્ષનો ધ્વજ લહેરાવ્યો હતો. ગુલામનબી આઝાદ, કે.સી.વેણુગોપાલ, પવન બંસલ, પ્રિયંકા ગાંધી વાદ્રા જેવા નેતાઓએ હાજરી આપી હતી પરંતુ રાહુલ અને સોનિયા ગાંધીની ગેરહાજરીએ કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી વરરાજા વગરની જાન જેવી બની હતી.

દેશના રાજકારણમાં મતદારો અને રાજકીય વર્તુળો જ્યારે કોંગ્રેસ પર ભાજપના રાજકીય વિકલ્પ તરીકે ભારે આશા ભરી મીટ માંડી રહ્યાં છે તેવા સંજોગોમાં કોંગ્રેસમાં નેતૃત્વની ઉદાસીનતાએ ભારે નિરાશા ફેલાવી છે. પાયાના કાર્યકરો પક્ષને મજબૂત બનાવવા માટે સંગઠનનો પાયો ખોદી રહ્યાં છે ત્યારે પાયાના પથ્થર જેવા નેતાઓની ગેરહાજરીથી પાયાના કાર્યકરો માટે પક્ષનો આ પાયો જ કબર ન બની જાય તે જોવાનો હવે સમય આવી ગયો હોય તેવું લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.