- હરિદ્વાર સોસાયટીના લોકોનું ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું
શહેરના વોર્ડ નં.18માં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી હરિદ્વાર સોસાયટી નં.2, શેરી નં.5માં કોર્પોરેશન દ્વારા રોડ બનાવવા માટે 6 માસ પહેલા આખી શેરી ખોદી નાંખવામાં આવી હતી. રોડ અને મકાનનું લેવલીંગ જળવાતું ન હોય લોકોએ ચોમાસામાં અહિં વરસાદના પાણી ઘરમાં ઘૂસશે તેવી ફરિયાદ કર્યા બાદ કોર્પોરેશનની ટીમ અધુરૂં કામ છોડી જતી રહી છે. 6 મહિનાનો વિતી ગયા છતાં રોડ બનાવવાનું મુહુર્ત કોર્પોરેશનને મળતું ન હોય આજે સ્થાનિકોનું ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને શાસક પક્ષના નેતા લીલુબેન જાદવને રજૂઆત કરવામાં આવી હતી.
તેઓએ જણાવ્યું હતું કે હરિદ્વાર સોસાયટીની તમામ શેરીઓમાં મેટલીંગની કામગીરી થઇ ગઇ છે. એકમાત્ર શેરી નં.5માં છેલ્લા છ માસથી આખી શેરી ખોદીને રાખી દેવામાં આવી છે. ચોમાસામાં અહિં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થશે.
આ અંગે સ્થાનિકોએ વોર્ડના કોર્પોરેટર સંજયસિંહ રાણાને અરજી કરી હતી. પરંતુ આજ સુધી કોઇ જ જવાબ આવ્યો નથી. ચાર વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે છતાં સમસ્યા યથાવત છે. આજે વધુ એક વખત સ્થાનિકોએ શાસક પક્ષના નેતા લીલુબેનને રજૂઆત કરી છે.