Abtak Media Google News

વેકસીનેશને એક મોટો આંકડો પાર કર્યો એ એક સિદ્ધિ જરૂર છે પણ ઉજવણી કરવી પડે એટલી મોટી પણ સિદ્ધિ નથી, કારણકે હજુ અનેક દેશોથી આપણે વેકસીનેશનમાં પાછળ છીએ

ભારતે યુદ્ધના ધોરણે કરેલી વેકસીનની કામગીરી બિરદાવવા લાયક પણ હવે વેકસીનેશનનો ગ્રાફ ડાઉન થઈ રહ્યો છે, હજુ પણ અસમંજસની સ્થિતિ

અબતક, રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીના કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝની સિધ્ધીને ઇતિહાસની સિમાંચિહ્ન ગણાવીને વેદવાક્ય સાથે સંબોધનની શરૂઆત કરીને જણાવ્યું હતું કે આપણાં દેશએ કર્તવ્યનું પાલન કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. 100 કરોડ ડોઝ માત્ર એક આંકડો નથી પરંતુ દેશના સાર્મથ્યનું પ્રતિબિંધ છે. કોરોના શરૂ થયું ત્યારે ઘણા લોકોને વ્યવસ્થા અંગે પ્રશ્ર્નો હતા. દેશના લોકોને ક્યારે રસી મળશે?, વ્યવસ્થા કેવી હશે? સહિતના અનેક પ્રશ્ર્નો ઉઠ્યાં હતાં પરંતુ 100 કરોડ ડોઝની ઉપલબ્ધિએ તમામ સવાલના જવાબ આપી દીધા છે.

વિશ્ર્વ હવે કોરોના સામે ભારતને સૌથી મજબૂત માનવા લાગી છે. સંપૂર્ણ વિશ્ર્વને ભારતની શક્તિનો અનુભવ થયો છે. લોકતંત્રનો અર્થ જ બધાને સાથે લઇને ચાલવુ થાય છે. ભારતમાં તમામને વેક્સીન આપવાનો અભિગમ અક્ષરરસ સિદ્વ થયું છે. દેશનો એક મંત્ર હતો કે બિમારી ભેદભાવ નથી કરતી તો રસીમાં ભેદભાવ શા માટે? આથી જ અમીર-ગરીબ, ભણેલા-અભણ, શહેર અને દૂર ગ્રામ્ય વિસ્તારમાં વસતા પ્રત્યેક વ્યક્તિને સમાન્તરના ધોરણે આવરી લેવામાં આવ્યા હતાં. કોઇપણ અભિયાનમાં દરેકના સાથ મળે તો તેનું પરિણામ અદ્ભૂત જ મળે.

કોરોનાની શરૂઆતમાં જ્યારે સામાજીક જાગૃતિ અને લોકોને એક તાંતણે બાંધવા તાણી, અને થાણી વગાડવામાં આવી ત્યારે કેટલાક લોકો વિરોધ્ધ કરતાં હતા પરંતુ આ પ્રક્રિયાથી તમામ લોકોમાં જાગૃતિ અને રસીકરણ માટે જે માહોલ ઉભો થયો તેનાથી 100 કરોડનું લક્ષ્ય સિદ્વ કરવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન એક દિવસમાં 1 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રસીકરણ અભિયાનમાં વૈજ્ઞાનિક રીતે કામ કરવામાં આવ્યું હતું. ભારત આ માટે ગર્વ પ્રાપ્ત કરે છે.

વેક્સીન બનવાથી લઇને રસીકરણ સુધી સમગ્ર અભિયાનમાં અનેક પડકારો હતા પરંતુ આ પડકારોને સહજતાથી પાર કરવામાં આપણું લોકતંત્ર અને પ્રજાના સાથ-સહકારથી સફળ થઇ. આપણાં દેશમાં કોવિડની જે વ્યવસ્થા બની તે વિશ્ર્વ માટે એક ઉદાહરણ બન્યું હતું. આજે ચારેય તરફ વિશ્ર્વાસ અને ઉત્સાહનો માહોલ ઉભો થયો છે. સતત વ્યવસ્થા સુધારવામાં આવી રહી છે.

બીજી તરફ વાસ્તવિકતા જોઈએ તો કોરોનાની મહામારીએ જ્યારે વિનાશ વેર્યો ત્યારે રસી આશાનું કિરણ લઈને આવી હતી. આ રસી આપવાની ઝુંબેશને સરકારે યુદ્ધના ધોરણે ચલાવી હતી. જેને પગલે ગઈકાલે દેશે રસીકરણ ઝુંબેશમાં 100 કરોડ ડોઝનો માઈલસ્ટોન પાર કર્યો હતો. પણ 100 કરોડ ડોઝ સુધીનો રસ્તો ભારે ઉબળ ખાબડ રહ્યો તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ રસ્તે ચાલવામાં અનેક અડચણો આવી એટલે આ ક્ષણને સિદ્ધિ ગણવી તેમાં કોઈ ચૂક નથી.

ભારતમાં કોરોનાના હાહાકાર વચ્ચે જ રસીની રસ્સા ખેંચ શરૂ થઈ હતી. રસી ઉપર અનેક વખત વિશ્વાસનિયતાના આક્રમણ થયા હતા. તેમ છતાં સરકારે રસીને વિશ્વાસનિય ગણાવીને રસિકરણ ઝુંબેશને પુરજોશમાં ચાલુ રાખી હતી. આ રસીકરણ ઝુંબેશ ધીમે ધીમે નવા આયામો સર કરતી ગઈ હતી. જાન્યુઆરીમાં 38 લાખ ડોઝ, ફેબ્રુઆરીમાં 1.05 કરોડ ડોઝ, માર્ચમાં 5.08 કરોડ ડોઝ, એપ્રિલમાં 8.99 કરોડ ડોઝ, મેમાં 6.11 કરોડ ડોઝ, જૂનમાં 11.97 કરોડ ડોઝ, જુલાઈમાં 13.46 કરોડ ડોઝ, ઓગસ્ટમાં 18.38 કરોડ ડોઝ, સપ્ટેમ્બરમાં 23.61 કરોડ ડોઝ અને ઓક્ટોબરમાં 11 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતે ગઈકાલે વેકસીનેશનમાં 100 કરોડ ડોઝ આપવાના આંકડાને પાર કર્યો હતો. વેકસીનેશને એક મોટો આંકડો પાર કર્યો એ એક સિદ્ધિ જરૂર છે પણ ઉજવણી કરવી પડે એટલી મોટી પણ સિદ્ધિ નથી.  કારણકે હજુ અનેક દેશોથી આપણે વેકસીનેશનમાં પાછળ છીએ. ચીન જેવો વસ્તી વિસ્ફોટ ધરાવતો દેશ પણ આપણી આગળ છે. ભારતે યુદ્ધના ધોરણે કરેલી વેકસીનની કામગીરી બિરદાવવા લાયક પણ હવે વેકસીનેશનનો ગ્રાફ ડાઉન થઈ રહ્યો છે.  હજુ પણ અસમંજસની સ્થિતિ છે. મોટા પ્રમાણમાં વેકસીનેશન કર્યા બાદ પણ કોરોનાની બીજી લહેર આવી હતી. આટલા મોટા પ્રમાણમાં વેકસીનેશન કર્યા બાદ શુ ત્રીજી લ્હેર આવશે જ નહીં તેવું ચોક્કસપણે કહી શકાય નહીં.

આપણે હજુ પણ કોરોનાને ઓળખી ન શક્યા!!

કોરોનાકાળને લાંબો સમય થઇ ગયો છે. છતાં હજુ આપણે કોરોનાને ઓળખવામાં નિષ્ફળ ગયા છીએ. શરૂઆતમાં કોરોના હવામાં પ્રસરતો નથી તેવું જાહેર થયું હતું. પણ બાદમાં કોરોના હવામાં પણ પ્રસરે છે તેવું જાહેર થયું હતું. ત્યાર બાદ એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના પાણીના પ્રસરે છે. ઉપરાંત કોરોના આપણી અંદર જ છે એવું પણ જાહેર થયું હતું. આમ કોરોનાને આપણે ઓળખી જ શક્યા નથી. એક સમયે કોરોનાને જાણે આપણે ઓળખી ગયા હોય તેમ એવો ડોળ ઉભો કરીને જાણે જંગ જીતી ગયા હોય તેવી રીતે થાળી વગાડીને ઉજવણી કરવામાં આવી હતી.

વેકસીનેશન વધુ થયુ ત્યાં પણ કોરોનાના સૌથી વધુ કેસો આવ્યા!!

દેશમાં વેકસીનેશનને લઈને અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા છે. ગુજરાતમાં વેકસીનેશન 48.9 ટકા અને કેરેલામાં 47.8 ટકા વેકસીનેશન કરવામાં આવ્યું છે. છતાં આ બન્ને રાજ્યમાં કોરોનાના કેસો વધુ પ્રમાણમાં આવ્યા હતા. ખાસ કરીને કેરેલમાં વધુ વેકસીનેશન થયું હતું. છતાં ત્યાં કોરોનાએ તાંડવ મચાવ્યુ હતું. બીજી તરફ અમુક રાજ્ય એવા છે જ્યાં વેકસીનેશન ઓછા પ્રમાણમાં થયું હતું. ઉપરાંત ત્યાં ગીચતા અને ગંદકીનું પ્રમાણ પણ વધુ હોવા છતાં ત્યાં કોરોનાના કેસો વધુ વેકસીન મુકાઈ હોય તેવા રાજ્યો કરતા ઓછા હતા.

100 કરોડ ડોઝની ઉજવણી કરો છો, પણ કોરોનામાં સ્વજનો ગુમાવ્યા તેની ઘરે જઈને જુઓ

દેશમાં વેકસીનેશનનો આંકડો 100 કરોડને પાર થતા ગઇકાલે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રો અને  હોસ્પિટલો સહિતના સ્થળોએ નેતાઓ અને અધિકારીઓએ ઉજવણી કરવાનો દૌર ચલાવ્યો હતો. પણ આ સિદ્ધિ કોરોનાના મૃત્યુઆંકથી મોટી નથી. આ ઉજવણી કરનાર નેતાઓ કે અધિકારીઓ કોરોનામાં જેને સ્વજન ગુમાવ્યા છે તેના ઘરે જઈને ત્યાનો માહોલ જોયો હોત તો કદાચ આ ઉજવણીમાં સામેલ થવાનું તેમનું મન ન થાત.

હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા, કોરોના ગયો હોય તો છૂટ આપી દયો

સરકાર હાલ હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા તે રીતે નિર્ણયો લઈ રહી છે. વેકસીનેશન ખૂબ મોટા પ્રમાણમાં થયું અને તેના કારણે કોરોનાના કેસો પણ નહિવત જેવા થઈ ગયા છે. આવું જો સરકાર માનતી હોય તો સંપૂર્ણ છૂટછાટ જાહેર કરી દેવી જોઈએ. બીજું કે એક તરફ સામાન્ય લોકો માટે હજુ અનેક બંધનો છે. જ્યારે સરકાર તેના કાર્યક્રમોમાં કે તેના લાગતા વળગતા કાર્યક્રમોમાં બંધનો તોળી નાખે છે. જો બંધનો રાખવામાં આવ્યા છે તો તે બધા માટે રાખવામાં આવે. ન કે માત્ર સામાન્ય લોકો માટે જ રાખવામાં આવે.

વેકસીનેશનમાં ચીન આપણાથી ઘણું આગળ!!!

ભારતે વેકસીનના 100 કરોડ ડોઝ પૂર્ણ કર્યા છે. જે બેશક એક સિદ્ધિ જરૂર છે. પણ વાત જ્યારે તુલનાની આવે તો વેકસીનેશનમાં વિશ્વના અનેક દેશોથી આપણે પાછળ છીએ. હવે તુલનાની વાત આવે એટલે લોકોના મનમાં એ પ્રશ્ન જરૂર ઉદ્દભવશે કે આપણી વસ્તી વધુ છે એટલે આપણે વેકસીનેશનમાં અનેક બાધાઓ આવે. તો આ પ્રશ્નનો જવાબ ચીનના વેકસીનેશનના આંકડા ઉપરથી મળી જાય.

ભારતમાં 75 ટકા લોકોને ફર્સ્ટ ડોઝ અપાયો છે. જ્યારે માત્ર 31 ટકા લોકોને બન્ને ડોઝ અપાયા છે. આપણાથી વધુ વસ્તી ધરાવતા ચીન દેશમાં વેકસીનનો ફર્સ્ટ ડોઝ 76.2 ટકા લોકોને અપાયો છે. જ્યારે બન્ને ડોઝ 70.8 ટકા લોકોને અપાયા છે. આમ ચીન વેકસીનેશનમાં આપણાથી ઘણું જ આગળ છે.

બીજા દેશોની સ્થિતિ જોઈએ તો યુએઈમાં 95 ટકા લોકોએ ફર્સ્ટ ડોઝ લીધો છે. 85.4 ટકા લોકોએ બન્ને ડોઝ લીધા છે. યુકેમાં 72 ટકા લોકોએ ફર્સ્ટ ડોઝ લીધો છે. જ્યારે 63.5 ટકા લોકોએ બન્ને ડોઝ લીધા છે. યુએસમાં 65 ટકા લોકોએ ફર્સ્ટ ડોઝ લીધો છે અને 56.3 ટકા લોકોએ બન્ને ડોઝ લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.