દેશનું અર્થતંત્ર પુરપાટ દોડશે!!.. વિકાસ દર ડબલ ડિજિટમાં રહેવાનો અંદાજ: આઈએમએફ

ભારતીય અર્થતંત્ર ૧૧.૫ ટકા દરથી વિકાસ પામશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો

કોરોના મહામારીમાંથી કળ વળતા દેશનું અર્થતંત્ર પુરપાટ દોડશે. વર્ષ ૨૦૨૧માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ૧૧ ટકાનો રહેશે તેવી આશા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર ૧લી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. હવે બજેટ રજૂ થવાને માંડ ૫ દિવસનો સમય બાકી છે. એ અગાઉ ભારતીય અર્થતંત્રને લઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી સારા સમાચાર મળ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ભારતીય અર્થતંત્ર ૧૧.૫ ટકા દરથી વિકાસ પામશે એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ કહ્યું છે કે વર્ષ ૨૦૨૧માં ભારત ડબલ ડિજિટમાં ગ્રોથ કરનારો વિશ્વનો પ્રથમ દેશ હશે. કોવિડ-૧૯ મહામારી વચ્ચે ભારત આ ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. ભારતીય અર્થતંત્રમાં રિકવરી ખૂબ ઝડપથી જોવા મળી રહી છે. કોરોનાને લીધે ભારતીય અર્થતંત્રમાં વર્ષ ૨૦૨૦માં ૮ ટકા દરથી ઘટાડાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભારત અર્થતંત્રની વૃદ્ધિની બાબતમાં ચીનને પાછળ રાખી દેશે

વર્તમાન કેલેન્ડર વર્ષમાં અર્થતંત્રની વૃદ્ધિની બાબતમાં ભારત તેના પડોશી દેશ ચીનને પાછળ રાખી દેશે. વર્ષ ૨૦૨૧માં ભારતીય અર્થતંત્ર ૧૧.૫ ટકા ઝડપથી વૃદ્ધિ પામશે. જ્યારે ચીનની આર્થિક વૃદ્ધિ ૮.૧ ટકા રહેવાનો અંદાજ છે. ત્યાર બાદ સ્પેન અને ફ્રાંસ અનુક્રમે ૫.૯ ટકા અને ૫.૫ ટકા દરથી વૃદ્ધિ નોંધાવશે.

ભારત વિશ્વના વિકાસશીલ દેશોમાં મોખરાના સ્થાન પર રહેશે

વર્ષ ૨૦૨૨માં ભારતીય અર્થતંત્રમાં ૬.૮ ટકા અને ચીનના અર્થતંત્રમાં ૫.૬ ટકા દરથી વૃદ્ધિનો અંદાજ છે. તાજેતરના આઉટલૂક સાથે ભારત વિશ્વના વિકાસશીલ દેશોમાં મોખરાના સ્થાન પર રહેશે.

Loading...