દેશનું ‘સ્વાસ્થ્ય’ હવે સ્વસ્થ: કોરોનાકાળમાં પણ વિદેશી ભંડોળ છલોછલ, કેટલો થયો વધારો ?

વરસાદના પાણી કરતા પણ અનેક ગણા નાના એવા કોરોના વાયરસે વિશ્વભરના દેશોને બાનમાં લઈ હાહાકાર મચાવી દીધો છે. વૈશ્વિક મહામારીની દરેક ક્ષેત્ર પર અસર પહોંચી છે. જેમાંથી સૌથી વધુ કોઈ ક્ષેત્ર અસરગ્રસ્ત થયું હોય તો તે છે અર્થતંત્ર. લોકડાઉન અને આકર પ્રતિબંધોને કારણે આર્થિક પ્રવૃત્તિ સીમિત થતા મોટો ફટકો પડયો હતો. જેમાંથી કોઈ પણ દેશ બાકાત નથી. પરંતુ હવે ભારત આ સ્થિતિમાંથી ઉગરી જતા અર્થતંત્ર ફરી વેગવંતુ બન્યું છે.

કોરોનામાંથી ઉગરતા દેશનું ‘સ્વાસ્થ્ય’ હવે સ્વસ્થ…. 2019-20ની સરખામણીએ 2020-21માં વિદેશી રોકાણમાં બે ગણો ઉછાળો

ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ખેતપેદાશો તેમજ જ્વેલરી સહિતના ક્ષેત્રે નિકાસમાં જબ્બર ઉછાળો નોંધાતા ભારતનું વિદેશી ભંડોળ છલોછલ થઈ ગયું છે. કોરોના કાળમાં પણ ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ રૂપિયા 7.44 લાખ કરોડ વધ્યુ છે.જે દર્શાવે છે કે ભારત કોરોનાને કારણે છવાયેલી વૈશ્વિક મહામારીમાંથી બહાર નીકળી હવે કઈ રીતે આગળ ધપી રહ્યું છે.

અન્ય દેશોની સરખામણીએ ભારતની આર્થિક સ્થિતિ વધુ ઝડપભેર સુધરી રહી છે. પાડોશી દેશ પાકિસ્તાનને તો કરોનાને કારણે બેવડો માર પડયો હોય તેમ “ભીખુ” જેવી સ્થિતિ થઈ ગઈ છે. પાકમાં ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે તો સામે બાજુ ભારતમાં આયાત નિકાસની તુલા વધુ મજબૂત બનતા વિદેશી ભંડોળો છલકાઈ ઉઠ્યા છે. આજ   પરિબળો અર્થતંત્રની ગાડીને વધુ પુરપાટ ઝડપે દોડાવશે અને ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર ડબલ ડિજિટમાં પહોંચી 10.5 ટકાની સપાટીએ રહે તેવી તીવ્ર સંભાવના છે.

તાજેતરમાં રિઝર્વ બેંકે પ્રસ્તુત કરેલા ડેટા મુજબ મૂલ્યાંકન લાભ, મુખ્ય ચલણો અને સોનાના ભાવમાં વધારો થવાથી નિકાસ ઉછળતા વિદેશી ભંડોળ વધ્યું છે. વર્ષ 2020-21 દરમિયાન 11.9 અબજ ડોલર રહી છે જે વર્ષ 2019-20માં 5.4 અબજ ડોલર રહી હતી. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ચુકવણીના આધારના સંતુલન પર (મૂલ્યાંકન અસરોને બાદ કરતાં) વિદેશી વિનિમય ભંડારમાં 87.3 અબજ ડોલરનો વધારો થયો છે, જે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 59.5 અબજ ડોલરનું હતું. આરબીઆઈએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં દેશમાં વિદેશી રોકાણ લગભગ બે ગણા બધા છે. વર્ષ 2020-21માં 80.1 અબજ ડોલર રહ્યું  જે નાણાકીય વર્ષ 2019-20માં 44.4 અબજ ડોલર હતું.