Abtak Media Google News

 સરકાર કોઇપણ હોય શિક્ષકો પાસે શિક્ષણ સિવાયનું કામ ન લેવું જોઇએ : વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી

શિક્ષક સન્માન સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ બાલવાડી શ્રેષ્ઠ શિક્ષકો અને બાવન જેટલાં નિવૃત્ત ગુરૂજનોનુ કરાયુ સન્માન : આજીવન શિક્ષક-પૂર્વ રાષ્ટ્રપતિશ્રીને અપાઇ આદરાંજલિ

Teachers Day Nagar Prathamik Samiti 5

શ્રેષ્ઠ શિક્ષકો અને સુવિધાઓ હોવા છતાં સમિતિ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા અંગે ચિંતન કરવાની જરૂર જણાવી

શહેરમાં સમિતિ સંચાલીત અંગ્રેજી માધ્યમની ૦૫ નવી શાળાઓ શરૂ કરવાની જાહેરાત

Teachers Day Nagar Prathamik Samiti 4ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, દેશના દુ:ખદર્દોના નિવારણની દવા શિક્ષણ અને શિક્ષકો છે. તેમણે સૌજન્યપૂર્વકએવી લાગણી વ્યક્ત કરી હતી કે સરકાર કોઇપણ હોય પરંતુ શિક્ષકો પાસે શિક્ષણ સિવાયનું ઇતર કામ ન લેવું જોઇએ. વિધાનસભા અધ્યક્ષે શ્રેષ્ઠ શિક્ષકો, મકાનો અને સુવિધાઓ હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા અંગે સહુ ગંભીરતા પૂર્વક ચિંતન કરે એવો અનુરોધ કર્યો હતો.

Teachers Day Nagar Prathamik Samiti 6

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા આયોજિત શિક્ષક સન્માન સમારોહ-૨૦૧૮ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી તેમજ મહાનુભાવોએ આજીવન શિક્ષક, પ્રખર દાર્શનીક અને તત્વચિંતક પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્ણનજીને આદરાંજલિ આપી હતી. આ પ્રસંગે સમિતિ સંચાલિત શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ બાલવાડી, શ્રેષ્ઠ શિક્ષકો તેમજ ૫૨ જેટલાં નિવૃત્ત ગુરૂજનોનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યુ હતું. ગોપનાથ મહાદેવ, તળાજાના મહંત અને પ્રખર રાષ્ટ્રવાદી વકતા આત્માનંદજી મહારાજે દેશભક્ત અને જવાબદાર પેઢીના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકાનું માર્ગદર્શન આપ્યુ હતું. શાસનાધિકારી શ્રી ચુડાસમાએ સહુને આવકારતા સમિતિના સંચાલન હેઠળ ૦૫ નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

Teachers Day Nagar Prathamik Samiti 8

વિધાનસભા અધ્યક્ષે શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેના પોતાના કાર્યકાળને યાદ કરતાં જણાવ્યુ હતું કે સમિતિનો કાર્યાનુભવ, જ્ઞાન, જાણકારી વિધાનસભા અધ્યક્ષપદની જવાબદારી સંભાળવામાં પણ ખૂબ ઉપયોગી નિવડે છે. તેમણે શિક્ષકો ખૂબ અને વિવિધતા પૂર્ણ વાચનની ટેવ પાડે અને વિદ્યાર્થીઓને વિશ્વના પ્રવાહોથી વાકેફ રાખે એવો અનુરોધ કરવાની સાથે, પ્રત્યેક વિદ્યાર્થીની તમારા પોતાના સંતાન જેટલી જ કાળજી લો એવી લાગણીપૂર્ણ ભલામણ કરી હતી.

Teachers Day Nagar Prathamik Samiti 2

દેશના શિક્ષકોમાં શ્રેષ્ઠ ભારતનું ઘડતર કરવાની તાકાત છે એવી ભાવવંદના કરતાં સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યુ હતું કે શિક્ષક સદાકાળ અને સર્વત્ર વંદનીય છે. શિક્ષકોની સેવા નિષ્ઠાને બિરદાવતાં મેયર ડો.જિગીષાબહેન શેઠે જણાવ્યુ હતું કે શિક્ષક સદાકાળ અને સર્વત્ર વંદનીય છે. શિક્ષકો સમાજની અને રાષ્ટ્રની અપેક્ષાઓ પરિપૂર્ણ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં શિક્ષણ સમિતિ અધ્યક્ષા મીનાબા પરમારે જણાવ્યું કે, શિક્ષકનું પદ ગરિમા અને મહિમામય છે.

Teachers Day Nagar Prathamik Samiti 3

આ પ્રસંગે નાયબ મેયર ડો.જીવરાજ ચૌહાણ, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઇ દ્ક્ષિત, શ્રી કેયુર રોકડીયા સહિત પૂર્વ અધ્યક્ષશ્રીઓ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષભાઇ પટેલ સહિત પાલિકાના પદાધિકારીઓ અને નગર સેવકો, નાયબ મ્યુનીસીપલ કમિશનરશ્રી પંકજભાઇ, શિક્ષણ સમિતિના સદસ્યો, શિક્ષક સંઘોના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષક સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.