ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડની યાદ અપાવતું દેશનું બીજા નંબરનું ‘ઇકો ફ્રેન્ડલી’ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ

  • 28 હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળા સ્ટેડિયમ કેન્ટી લીવર સીસ્ટમથી બનાવેલું છે જેથી મેચ જોવામાં કોઇ આડશ પ્રેક્ષકો નડતી નથી: અહીં ટેસ્ટ, વનડે તથા ટી-20 જેવા ત્રણેય ફોરમેટની મેચ રમાઇ ચુકી છે
  • 2013માં આ સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી: છેલ્લે અહીં કોરોના પહેલા 2020માં રમાઇ હતી: શરૂઆતમાં સ્ટેડિયમનો ઉપયોગ રણજી ટ્રોફી મેચો માટે કરવામાં આવતો
  • અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમનું મીડિયા બોક્સ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની એક સરખી ડિઝાઇન છે: 30 એકરમાં પથરાયેલા આ સ્ટેડિયમ 75 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે: અદ્યતન ડ્રેનેજ સિસ્ટમ હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા નડતી નથી
  • સંકુલમાં બે રમતોના મેદાનમાં એક મુખ્ય 90 યાર્ડનું આઉટ ફિલ્ડને બીજું 70 યાર્ડનું આઉટ ફિલ્ડ ધરાવતું મેદાન છે: ડ્રેસિંગ રૂમ વિશાળ અને વૈભવી છે: આઇ.પી.એલ. 2016માં ગુજરાત લાયન્સનું હોમ ગ્રાઉન્ડ હતું

રંગીલા રાજકોટનો ચોમેર દિશાએ વિકાસ થઇ રહ્યો છે એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલો, સ્ટેડિયમો, ઇનડોર સ્ટેડિયમોનો પણ સમાવેશ થાય છે. રેસકોર્ષ ખાતે માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમ વર્ષોથી કાર્યરત છે. ફ્લડ લાઇટની સુવિધાવાળા આ સ્ટેડિયમમાં ઘણા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો, રણજી ટ્રોફી રમાયા ચુક્યા છે. 2004ની આસપાસ જામનગર રોડ ઉપર ખંઢેરી પાસે 30 એકર જમીન સંપાદીત કરીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયને પોતાનું સ્ટેડિયમ બાંધવાનો નિર્ણય કર્યો હતો. 30 એકરની વિશાળ જમીન ઉપર 2006માં બાંધકામ શરૂ થયું. 75 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ 2008માં પૂર્ણ થતાં જ ફસ્ટ ક્લાસ મેચના આયોજન શરૂ થયા હતા.

પ્રારંભે અહીં રણજી ટ્રોફીના મેચો રમાડવામાં આવતા હતા. આ સ્ટેડિયમની પ્રેક્ષકોની ક્ષમતા 28 હજાર છે. ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરે છે. વર્ષોથી ક્રિકેટ ક્ષેત્રે કાર્યરત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયનના નિરંજનભાઇ શાહના અથાગ પ્રયત્નોથી આ સુંદર સ્ટેડિયમ નિર્માણ થયેલ છે. અહિં સ્પોર્ટ્સ કોમ્પલેક્સના એક ભાગમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, વોલીબોલ જેવી અન્ય રમતો માટે પણ શ્રેષ્ઠ સગવડ છે. અહિં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેચોનું આયોજન કરે છે.

આ અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમનું મીડીયા બોક્સ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની ડિઝાઇન એક સરખી છે. દર્શકો પર સતત નજર તથા આવન-જાવન સરળ બનાવવા ઘણા પ્રવેશ દ્વારો છે. સ્ટેડિયમની આજુબાજુ, સ્ટેન્ડ અને બહારની દિવાલ વચ્ચે પણ મોટી જગ્યા હોવાથી પ્રેક્ષકોને જવા-આવવા મુશ્કેલી પડતી નથી. સ્ટેડિયમમાં બે રમતોના મેદાનો છે તેમજ કેન્ટીપીલર સીસ્ટમથી બનાવેલ હોવાથી ગમે તે ખુણેથી મેચમાં કોઇ આડશ કે થાંભલા પ્રેક્ષકોને નડતા નથી. અંદરનું મુખ્ય ગ્રાઉન્ડ 90 યાર્ડ આઉટ ફિલ્ડ અને નાનું બહારનું 70 યાર્ડનું આઉટ ફિલ્ડ ધરાવતા ગ્રાઉન્ડ છે. જેમાં નેટ્સ પ્રેક્ટીશ કે જિલ્લાસ્તરના મેચો યોજાય છે. અદ્યતન બેઠક સુવિધા સાથે મોટો ડ્રેસીંગ રૂમ વૈભવી છે. વેસ્ટ અને પેવેલિયન સ્ટેન્ડમાં 60થી વધુ હોસ્પિટાલીટી બોક્સ છે. બીસીસીઆઇએ પણ દેશના છ નવા ટેસ્ટ કેન્દ્રો પસંદ કર્યા ત્યારે રાજકોટના સ્ટેડિયમનો પણ પસંદ કરેલ હતું.

2016ની આઇપીએલમાં આ સ્ટેડિયમ ગુજરાત લાયન્સનું હોમ ગ્રાઉન્ડ હતું અને તેણે અહીં પાંચ આઇપીએલની મેચો રમી હતી. આ ગ્રાઉન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમ, સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ સાથે અન્ય પ્રથમ કક્ષાના મેચો યોજાય છે. આ ગ્રાઉન્ડમાં પ્રથમ ટેસ્ટ 2016ના નવેમ્બરમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. છેલ્લી ટેસ્ટ 2018માં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ હતી. પ્રથમ વનડે 2013માં જાન્યુઆરીમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે અને છેલ્લો વનડે કોરોના કાળ પહેલા 17 જાન્યુઆરી 2020માં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો. પ્રથમ ટી-20 ઓક્ટોબર 2013માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અને છેલ્લે નવેમ્બર 2019માં ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો. જો કે કાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 રમાવાનો છે. ક્રિકેટપ્રેમીઓ માટે અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે. બંને ટીમોને જીતવાથી ફાયદો મળશે. જેમાં સાઉથ આફ્રિકા જીતે તો શ્રેણી અંકે કરશે અને ભારત જીતશે તો બંને ટીમો બબ્બે ટી-20 મેચ જીતીને બરાબરી કરશે. સ્ટેડિયમની વ્યવસ્થા આયોજન ઉડીને આંખે વળગે તેવું છે. સુંદર બેઠક વ્યવસ્થા, પ્લેયર એરીયા સાથે બાઉન્ડ્રી લાઇનથી પ્રેક્ષકોના સીટીંગ વચ્ચે પણ ઘણી જગ્યાઓ જોવા મળે છે. આ ગ્રાઉન્ડમાં ટેસ્ટમાં જોરૂટ, મોઇનઅલી, બેન સ્ટોક્સ, મુરલી વિજય, ચેતેશ્ર્વર પુજારા, એલિસ્ટર કૂક, પૃથ્વી શો, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. વનડે મેચમાં આ સ્ટેડિયમમાં ક્વિન્ટન ડી કોકે સદી ફટકારેલ છે. ટી-20ના મેચમાં એકમાત્ર કોલિન મુનરોએ 2017માં સદી ફટકારી હતી. કાલના મેચમાં સુરક્ષાની દ્રષ્ટિએ લોખંડી કિલ્લા જેવી વ્યવસ્થા રાખેલ છે. દરેક મેચમાં મેડિકલ ટીમ અને ફાયર ફાઇટરો પણ ખડેપગે વ્યવસ્થામાં હોય છે. સ્ટેડિયમમાં પાર્કિંગની સુંદર વ્યવસ્થા રાખવામાં આવે છે. અદ્યતન ક્રિકેટ કોમેન્ટેટર બોક્સ સાથે પ્લેયર એરીયા સંપૂર્ણ સુવિધાથી સજ્જ કરાયો છે.

સ્ટેડિયમમાં રજવાડાથી અત્યાર સુધીના જાણિતા ક્રિકેટરની અલભ્ય તસ્વીરો પણ મુકવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ઓફિસ પણ આજ સ્ટેડિયમમાં છે. હોલ ઓફ ફ્રેમમાં આઝાદી પહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનું નામ વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ ઇલેવન હતું. અહીં ક્રિકેટરોના રેર ઓફ ધી રેર ફોટોગ્રાફ્સને મઢીને મુકવામાં આવ્યા છે. આ એક ઇકો ફ્રેન્ડલી સ્ટેડિયમ તરીકે દેશમાં બીજા અને રાજ્યમાં પ્રથમ ક્રમ ધરાવે છે. ભારત ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની ધોનીએ અલભ્ય તસ્વીરોની ગેલેરી જોઇને પ્રભાવિત થઇને ટી-શર્ટ પર ઓટોગ્રાફ આપીને ભેટ આપેલ હતું. સ્ટેડિયમની ઉત્કૃષ્ટ ડિઝાઇન અને મિડીયા બોક્સ રાજકોટની શાન છે. સ્ટેડિયમનું ઉદ્ઘાટન 6 જાન્યુઆરી 2013 કરાયું હતું, આ અગાઉ પણ 2006ના પ્રથમ મહિનામાં કપિલ દેવ, અજય જાડેજા જેવા ક્રિકેટરો પણ મુલાકાતે આવ્યા હતા. સ્ટેડિયમ જમીન સપાટીથી 6 ફૂટ ઉપર બાંધવામાં આવેલ છે. તેથી દર્શકોને મેચના દ્રશ્યો અનેરો રોમાંચ અને આનંદ આપે છે, અસાધારણ દ્રશ્ય જોવા મળે છે. સીમા રેખા અને સ્ટેન્ડથી લગભગ 15 મીટર દૂર બેઠક વ્યવસ્થા હોવાથી ગ્રીલા ફેન્સીંગની કોઇ જરૂરીયાત રહેતી નથી. સ્ટેડિયમમાં અતિ આધુનિક સુસજ્જ જીમ છે. અલગ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ માટે 21 નેટ પ્રેક્ટીસ વિકેટ છે. સ્ટેડિયમમાં ચાર મુખ્ય પ્રવેશ દ્વાર છે, જેમાં સાઉથ પેવેલિયન, વેસ્ટ સ્ટેન્ડ, ઇસ્ટ સ્ટેન્ડ અને એક મીડીયા બોક્સ માટે છે. શ્રેષ્ઠ ડ્રેનેજ સિસ્ટમ હોવાથી ગમે તેવા વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા નડતી નથી. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન જ્યોર્જ બ્રેયલીએ આ સ્ટેડિયમને તેના જીવનના સૌથી શ્રેષ્ઠ મેદાનની ગણના કરી હતી.

પ્રેક્ષકો મેચનો શ્રેષ્ઠ આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે: જયદેવ શાહ (પ્રમુખ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.)

કાલે રમાનાર ટી-20 મેચ અંગે ‘અબતક’ સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે જણાવેલ છે કે પ્રેક્ષકોનો આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમે પણ દરેક પ્રેક્ષક આનંદ, ઉત્સાહ સાથે મેચનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવેલ છે. મેચની સુરક્ષા સહિત પ્રેક્ષકોને તકલીફ ન પડે તેવું શ્રેષ્ઠ આયોજન કરેલ છે.

કોરોનાના બે વર્ષ બાદ આ મેચ માટે દર્શકોમાં અનેરો  ઉત્સાહ જોવા મળે છે: હિમાંશુ શાહ  (સેક્રેટરી સૌરા. ક્રિકેટ એસો.)

છેલ્લે રમાયેલ ટી-20 બાદ કોરોનાના બે વર્ષના લાંબા ગાળા બાદ કાલે ટી-20 મેચ રમાય રહ્યો છે. જેમાં મેચ જોવા વાળાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શકો શ્રેષ્ઠ આયોજન-વ્યવસ્થામાં મેચ માણી શકશે. કેન્ટી લિવર સીસ્ટમથી સ્ટેડિયમ નિર્માણ થયેલ હોવાથી દર્શકોને ગમે તે ખુણેથી મેચ જોવામાં કોઇ આડશ કે તકલીફ પડતી નથી. 28 હજારની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં દર્શકો માટે શ્રેષ્ઠ આયોજન અમે કરેલ છે તેમ સૌરા.ક્રિકેટ એસો.ના સેક્રેટરી હિમાંશુ શાહે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું.

ટેસ્ટ, વનડે અને ટી-20માં આ ક્રિકેટરોએ લગાવી સેન્ચુરી

  • ખંઢેરી સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વનડ રમાય હતી. આ ગ્રાઉન્ડ પર ટેસ્ટ, વનડે અને ટી-20માં આ ક્રિકેટરોએ સેન્ચુરી નોંધાવી છે.
  • ટેસ્ટમાં સદી : જો રૂટ, મોઇનઅલી, બેનસ્ટોક અને એલિસ્ટર કૂક (ઇંગ્લેન્ડ) તથા ભારતના મુરલી વિજય, પૃથ્વી શો, ચેતેશ્ર્વર પુજારા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સદી નોંધાવી છે.
  •  વનડેમાં દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક એકમાત્ર ક્રિકેટરે સદી નોંધાવી છે.
  • ટી-20 મેચ નવેમ્બર, 2017માં ન્યુઝિલેન્ડના કોલીન મુનરોએ માત્ર 58 દડામાં 109 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.