Abtak Media Google News

વાસાવડ પાસેથી બન્ને શખ્સોને ઝડપી લઈ રૂ.4.18 લાખનો મુદામાલ કબ્જે કર્યો એલ.સી.બી. પી.આઈ. એ.આર. ગોહિલ સહિતની ટીમને મળી સફળતા

ગોંડલ માર્કેટીંગ યાર્ડ અને વીછીંયામાં વાહનમાંથી ઉઠાંતરી કરનાર બેલડીને વાસાવડ પાસેથી ઝડપી લઈ એલસીબીએ ગણતરી દિવસોમાં બન્ને ગુનાનો ભેદ ઉકેલી અને બાઈક, મોબાઈલ અને રોકડા રૂા.3.98 લાખ મળી રૂા.4.18 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના પર્વમાં આર્થિક ગુનાઓ વધતા હોવાથી અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે રાજકોટ એલસીબીના પી.આઈ. એ.આર.ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં તાજેતરમાં સ્વરાજ મજદા માંથી રોકડા રૂપિયાની તળફંચી થયાની ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થતા જેના આધારે એલસીબીના સ્ટાફ દ્વારા બાતમી અને ટેકનીકલ સોર્સના આધારે મુળ વીછીંયાનો અને હાલ બોટાદના સાળંગપુર રોડ પર રહેતો રોહીત રહીમ ખલીયાણી અને બોટાદમાં અંબાજી ચોકમાં રહેતા સાજીદ યુનુસ પરીયાણી નામના બન્ને શખ્સો જીજે1બીએન 2305 નંબરના બાઈક લઈને શંકાસ્પદ હાલતમાં વાસાવડ રોડ પરથી શ્રીનાથગઢ ગામ તરફ આવી રહ્યાની કોન્સ્ટેબલ રહીમ દલ અને ભાવેશભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. એસ.જે.રાણા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. ત્યારે બાઈક પર નીકળેલા બન્ને શખ્સોની અટકાયત કરી તલાસી લેતા તેના કબ્જામાંથી રોકડા 3.98 લાખ મળી આવ્યા હતા.

ઝડપાયેલા બન્ને શખ્સોની પ્રાથમીક પુછપરછમાં ગોંડલ યાર્ડમાં વાહનમાંથી 4.18 લાખ અને વિછીંયામાં વાહનમાંથી  45 ંહજાર રોકડની ઉઠાંતરી કર્યાની કબુલાત આપી હતી. ઝડપાયેલા સાજીદ પરીયાણી નામનો શખ્સ અગાઉ બારદાનનો વેપાર કરતો હોય જેથી અવાર નવાર માર્કેટીંગ યાર્ડમાં આવતો હોવાથી વેપારી તથા ખેડૂતોની ગતિવિધી પર નજર રાખી રોકડની ચોરી કરતો હોવાનુ તેમજ અગાઉ ઉમરાળા તાલુકાના ધોળા ગામે ઈકો કારમાંથી 22 હજારની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ બનાવની એ.એસ.આઈ. મહેશભાઈ જાની, કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, રવિદેવ બારડ, અનીલભાઈ ગુજરાતી, અમિતસિંહ જાડેજા અને શકિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.