Abtak Media Google News

કારે બાઇકને હડફેટે લેતા ત્રિપલ અકસ્માત સર્જાયો: રસ્તા પરના ખાડામાં ખાબકતા યુવકે જીવ ગુમાવ્યો: એક ઘાયલ

એકના એક પુત્રના મોતના સમાચાર સાંભળી પિતાની પણ તબીયત લથડી: પરિવારમાં આક્રંદ

કોર્પોરેશન સામે ન્યાય મેળવવા મૃતક યુવાનનો પરિવાર કોર્ટના દ્વાર ખટખટાવશે: અગાઉ પણ મનપાની બેદરકારીના કારણે ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ.એ જીવ ગુમાવ્યો‘તો

શહેરમાં કોર્પોરેશનની ગુનાહિત બેદરકારીના કારણે વધુ એકનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલક મનપાએ ખોદેલા ખાડામાં ખાબકતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે બાઇકને હડફેટે લેતાં બાઇક ચાલક અન્ય બાઇક સાથે અથડાઇને કોર્પોરેશનને ખોદેલા ખાડામાં ખાબક્યો હતો. જેમાં યુવાનનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘવાતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

એકના એક પુત્રના મોતના સમાચાર સાંભળી પિતાની તબિયત પણ લથડી હતી. મનપાના ખાડામાં ખાબકતા યુવાનના મોતના પગલે મૃતકનો પરિવાર કોર્પોરેશન સામે ન્યાય મેળવવા માટે કોર્ટના દરવાજા ખટખટાવશે. ભૂતકાળમાં પણ પારેવડી ચોક પાસે આવી જ કોર્પોરેશનની બેદરકારીના કારણે ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. મનસુખભાઇ સુરાણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Screenshot 2 41

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડી પાસે બ્રિજની નીચે આવેલા ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને અઠવાડીયા પહેલા જ રૈયા સર્કલ પાસે ચશ્માની દુકાનમાં નોકરીએ ચડેલા હર્ષ અશ્ર્વિનભાઇ ઠક્કર નામનો 25 વર્ષીય યુવાન પોતાની જી.જે.-03-કે.આર.-2655 નંબરનું બાઇક લઇ 150 ફૂટ રીંગ રોડ ઉપરથી જતો હતો ત્યારે રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે બ્રિજની શરૂઆતમાં જ એક કાર ચાલકે બાઇકને ઠોકર મારતા હર્ષ ઠક્કર અન્ય બાઇક સાથે અથડાઇને મનપાએ ખોદેલા ખાડામાં ખાબક્યો હતો. જેમાં લોખંડી સળીયા હર્ષ ઠક્કરને માથામાં વાગતા તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ અકસ્માતમાં રૈયા ધાર પાસે સેફાયર કોમ્પ્લેક્સમાં રહેતો વેદાંગ અશ્ર્વિનભાઇ જાની નામનો 24 વર્ષનો યુવાન ઘવાતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતક હર્ષ ઠક્કરના પરિવારને જાણ થતાં તેના પિતા અશ્ર્વિનભાઇ ઠક્કરની પણ તબિયત લથડી હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી. ઘટના અંગે મૃતકના પરિવારજનોએ કોર્પોરેશન સામે ફોજદારી ગુનો નોંધાવા માટે કોર્ટના દ્વાર ખટખટાવશે. તેવું જણાવ્યું હતું.

ભૂતકાળમાં પણ પારેવડી ચોક પાસે કોર્પોરેશન દ્વારા આવી જ રીતે ખાડા ખોદવામાં આવ્યા હતાં. જ્યાં કોઇપણ જાતની તકેદારી રાખી ન હોવાથી ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. મનસુખભાઇ સુરાણી ખાડામાં પડી જતાં ગંભીર રીતે ઘવાયા બાદ તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે ફરી એકવાર કોર્પોરેશનની ગુનાહિત બેદરકારીએ વધુ એક આશાસ્પદ યુવાનનો ભોગ લીધો છે.

કોર્પોરેશનની બેદરકારી ખૂલતા મ્યુનિ.કમિશનરે આપ્યા તપાસના આદેશ

રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ખાડામાં ખાબકતાં આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું હતું. જેના પગલે કોર્પોરેશનની ગુનાહિત બેદરકારીના પગલે લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની બેદરકારી ખૂલતાની સાથે જ મનપા કમિશનર અમિત અરોરા એક્શન મોડમાં આવી ગયા છે. મનપા કમિશનર અમિત અરોરાએ ઇજનેરો પાસે પ્રોટોકોલ પ્રમાણે રસ્તા પરના ખાડાની આસપાસ કેટલી તકેદારી રાખવી જરૂરી બનતી હોય છે તે અંગે રિપોર્ટ માંગ્યો છે.

ટ્રાફીકથી ધમધમતા એવા રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે ખોદેલા ખાડાની આસપાસ કોઇપણ પ્રકારનું બેરીકેટ કે રેલીંગ રાખવામાં આવી ન હતી. જેના કારણે યુવક ખાડા ખાબકતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેના પગલે તુરંત જ મનપા કમિશનર અમિત અરોરાએ ઇજનેરો પાસે રિપોર્ટ માંગીને તપાસના આદેશ આપ્યા છે.

કોર્પોરેશન દ્વારા ખાડો ખોદ્યા બાદ કેટલી તકેદારી રાખવી?

શહેરમાં જાહેર રસ્તાઓ પર ચાલતા સમારકામના કારણે મહાનગરપાલિકા દ્વારા અનેક વખત રસ્તાઓ પર ખાડા ખોદવામાં આવતા હોય છે. પરંતુ આ ખાડાની આસપાસ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને સાવચેત કરવા માટે અનેક તકેદારીઓ રાખવી પડે છે. જેમાં પ્રોટોકોલ મુજબ કોઇપણ જાહેર રસ્તાઓ પર ખાડો ખોદ્યા બાદ તેની આસપાસ બેરીકેટ મારવું પડતું હોય છે. તેની સિવાય ડાયવર્ઝનની સાઇન સાથેનું બોર્ડ પણ મારવાનું રહે છે.

‘આગળ ખાડો ખોદેલ છે’ તેવી સાઇનવાળું પણ બોર્ડ મારવાનું રહે છે. ખાડો જો ઊંડો હોય તો તેની આસપાસ પતરાવાળું આડશ લગાવવામાં આવે છે. જ્યારે સતત ટ્રાફીકથી ધમધમતા રોડ પર ખાડો ખોદવામાં આવે તો સાવચેતી માટે ત્યાંથી પસાર થતા લોકોનું ધ્યાન રાખવા એક કર્મચારીની નિમણૂંક પણ કરવાની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.