Abtak Media Google News

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગરિમાપૂર્ણ પરંપરાને ટકાવી રાખવા આજની યુવાપેઢી તેમના સંપૂર્ણ સમર્પણભાવથી પ્રયત્નશિલ છે. આવા જ યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા અને રાષ્ટ્રીય કક્ષાએ મંચ પુરુ પાડવા માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા “સપ્ત સંગીતિ 2021” વર્ચ્યૂઅલ્ મ્યુઝિકલ કોન્સર્ટ સીરિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સિરીઝના આગામી છઠ્ઠા પ્રિમિયર શોમાં તારીખ 22 ઓગષ્ટ, રવિવારના રોજ રાત્રે 09:00 કલાકે ખ્યાતનામ સિતારવાદક ડો. લોકેશ વાહનેની બન્ને પુત્રીઓ સંસ્કૃતિ અને પ્રકૃતિ વાહનેના સિતારવાદન અને સંતુરવાદનનો પ્રિમિયર શો, સપ્ત સંગીતિના ફેસબુક, યુટયુબ અને ઇન્સ્ટાગ્રામ પર નિ:શુલ્ક અને કોઇપણ પ્રકારના રજીસ્ટ્રેશન વગર માણવા મળશે.

વાહને પરિવાર સંગીત સાથે પરંપરાગત રીતે જોડાયેલો છે. ડો. લોકેશ વાહનેએ ઈટાવા ઘરાનાના વિશ્વ વિખ્યાત સિતાર વાદક ઉસ્તાદ શાહિદ પરવેઝજીના શિષ્ય તરીકે તાલીમ લીધી હતી. ડો. વાહનેની સિતારવાદનની પરંપરાને તેમની પુત્રી સંસ્કૃતિએ સિતારવાદનમાં અને પ્રકૃતિએ સંતુરવાદનમાં ખુબ નાની વયમાં જ અપનાવી અને નામના પ્રાપ્ત કરી છે. સંસ્કૃતિએ પ્રથમવાર ફક્ત 8 વર્ષની ઉંમરમાં જ મંચ ઉપર સિતારવાદન રજુ કર્યુ હતું.

સંસ્કૃતિએ તેની પ્રારંભિક સિતારવાદનની તાલીમ તેના પિતા ડો. લોકોશ વાહને પાસેથી લીધી હતી. સંસ્કૃતિના વાદ્યકારીમાં રાગ, ગાયકી અંગ અને તંત્રકારી અંગની શુદ્ધતાનો દુર્લભ સંયોગ જોવા મળે છે. સંસ્કૃતિએ પ્રસાર ભારતી દ્વારા 2017માં ઓલ ઇન્ડિયા રેડિયો સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણીએ આઈ.ટી.સી. સંગીત સંશોધન એકેડેમી (2018) દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય વાદ્ય સંગીતમાં ખૂબ જ પ્રતિષ્ઠિત શ્રી રવિ કોપ્પિકર મેમોરિયલ એવોર્ડ પણ મેળવ્યો છે.

પ્રકૃતિ વાહનેએ તેના પિતા ડો.લોકેશ વાહને પાસેથી સંગીતની તાલીમ લેવાનું શરૂ કરી અને આઠ વર્ષની જ નાની ઉંમરે સંગીતક્ષેત્રે કલાકારા તરીકે પદાર્પણ કરી એક સારી વાદ્યકારા તરીકે પ્રસ્થાપિત થઈ છે. સંતુરવાદનમાં પ્રકૃતિની ગાયકી અંગ અને તંત્રકારીમાં રાગની શુદ્ધતા સાથેની સંયુક્ત પદ્ધતિ અજોડ છે.  તેણીએ 2018માં હિન્દુસ્તાની ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝીકની શ્રેણીમાં બ્લુ સ્ટાર એવોર્ડનું સન્માન મેળવ્યું છે. બંન્ને બહેનોએ અનુક્રમે વર્ષ 2018 અને 2019માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. સંસ્કૃતિ અને પ્રકૃતિએ દેશના વિવિધ ભાગોમાં એકલ પ્રદર્શન કરી ઘણી નામના મેળવી છે.

આગામી રવિવારે સંસ્કૃતિ અને પ્રકૃતિના સિતારવાદન અને સંતુરવાદનમાં યુવા તબલાવાદક  નિશાંત શર્મા તબલા સંગત કરશે. નિશાંત શર્મા એ બનારસ ઘરાનાના પં.  વાસુદેવ મિશ્રા સિહોર પાસેથી પ્રારંભિક તાલીમ લીધી હતી. ત્યારબાદ પં. રામનાથ સિંહ ખૈરાગ્રહ પાસેથી વિશેષ તબલાવાદનની તાલીમ લીધી છે. છેલ્લા 2 વર્ષથી પં. શંકર ઘોષ પાસે આગળની તાલીમ મેળવી રહ્યા છે. નિશાંત શર્માએ દેશના વિવિધ ભાગોમાં આયોજીત અનેક પ્રતિષ્ઠિત સમારોહમાં તબલા એકલવાદન પણ કર્યુ છે.  તેમને ઉસ્તાદ ઈકબાલ અહેમદ ખાન, પં. કેવલ્ય કુમાર, પં. જયદિપ ઘોષ, પં. મુકુલ શિવપુરા જેવા અનેક નામાંકિત કલાકારો સાથે તબલાસંગત કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે.

આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરીઝ ઉપરાંત અગાઉના વર્ષના સપ્ત સંગીતિના કાર્યક્રમોને માણવા માટે સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુ-ટયુબ ચેનલના માધ્યમથી જોડાય શકાશે. યુ-ટયુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી ભાવી કાર્યક્રમો અંગે નોટીફીકેશનથી જાણવા મળી શકશે. આ વર્ષે કાર્યક્રમનું સ્વરુપ વર્ચ્યૂઅલ હોવાથી દેશ અને દુનિયાના બહોળી સંખ્યામાં કલાપ્રેમીઓ આ કોન્સર્ટસને મનભરીને ઓનલાઇન માધ્યમોથી માણી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.