પૂત્ર ‘કપાતર’ બનતા માતા-પિતાની કસ્ટડી તાત્કાલિક પરત ખેંચી લેવાઈ !!

મોટા પુત્રે માતા માટે ‘વિલન’ શબ્દ ઉચ્ચારતા હાઇકોર્ટની અંતરાત્મા હચમચી ઉઠી: નાના પુત્રને કસ્ટડી સોંપાઈ

બે પુત્રો વચ્ચે તેમના વયોવૃદ્ધ માતાપિતાની કસ્ટડીની લડાઈમાં ગુજરાત હાઈકોર્ટે બુધવારે નાના પુત્રને કસ્ટડી આપવાનો નિર્ણય કર્યો છે. તેમની 86 વર્ષીય માતા કે જે એમ્બ્યુલન્સમાં કોર્ટમાં આવી હતી અને વ્હીલચેરમાં જજની ચેમ્બરમાં લઈ જવામાં આવી હતી, તેણે વર્ણવ્યું કે કેવી રીતે તેણી અને તેના પતિ સાથે મોટા પુત્ર દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.

જસ્ટિસ વી. એમ. પંચોલી અને જસ્ટિસ એસ. એન. ભટ્ટની બેંચે દંપતીની કસ્ટડી નાના પુત્રને તાત્કાલિક ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો. કોર્ટના નિર્ણયથી મોટો દીકરો ગુસ્સે ભરાયો હતો અને તેની માતા માટે મુખ્ય “વિલન” શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ શબ્દ સાંભળી હાઇકોર્ટની અંતરાત્મા પણ હચમચી ઉઠી હતી.

કોર્ટે કહ્યું કે પુત્રએ તેની માતા વિશે આવા શબ્દો ઉચ્ચારીને કોર્ટની અંતરાત્માને હચમચાવી નાખી છે. આનાથી વૃદ્ધ મહિલાના મોટા પુત્ર દ્વારા કરવામાં આવતા દુવ્ર્યવહાર અંગેના દાવાઓને પણ સમર્થન મળ્યું.

નાના પુત્રએ જ હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેને અને તેની બે બહેનોને માતા-પિતાને મળવા દેવામાં આવતા નથી. કોર્ટે કહ્યું કે તે મોટા પુત્રને માતાપિતાની કસ્ટડી તેના નાના ભાઈને સોંપવા માટે થોડો સમય આપી શકતી હતી પરંતુ મોટા પુત્ર દ્વારા કરાઈ રહેલા ’દુર્વ્યવહારની હદ’ને ધ્યાનમાં લેતા કોર્ટ આ નિર્ણય લેવામાં વિલંબ કરવા માંગતી નથી.

માતાપિતાની કસ્ટડી મેળવવા માટે નાના પુત્રએ કુટુંબની મિલકતમાં તેનો હિસ્સો છોડી દેવાનું વચન આપ્યું હતું. જ્યારે ઉગ્ર દલીલો થઈ, ત્યારે મોટા પુત્રએ પણ કોર્ટને કહ્યું કે જો તેના માતા-પિતાને તેની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે તો તે મિલકતમાં તેના હિસ્સાનો દાવો કરશે નહીં.

કોર્ટે બંને ભાઈઓને એક સપ્તાહની અંદર કૌટુંબિક મિલકતોમાં તેમના હિસ્સાનો દાવો નહીં કરવાની બાંહેધરી રજૂ કરવાનો આદેશ આપ્યો છે. નાનો પુત્ર વડોદરામાં રહેતો હોવાથી પિતા પથારીવશ હોવાથી તેમની સારવાર અને વાહનવ્યવહાર માટે આઇસીયું-ઓન-વ્હીલ્સ સહિતની તમામ વ્યવસ્થા કરવા હાઇકોર્ટે તેને નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પિતાની દેખરેખ માટે અટેન્ડન્ટની વ્યવસ્થા કરવા પણ કહ્યું હતું. નાના પુત્રે તમામ વ્યવસ્થા કરવા અને ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું.

નાના પુત્રએ એડવોકેટ બ્રિજેશ રાજ મારફત હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેનો મોટો ભાઈ તેને અને તેની બહેનોને તેમના માતા-પિતા સાથે વાત કરવા દેતો નથી.  માતા-પિતાને મળવા અને પાછા લાવવાના તેમના અગાઉના પ્રયાસોને પરિણામે તેમના મોટા ભાઈ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી.