બાલમાનસ પર ચિત્રની ગહેરી અસર: ભૂલકાંઓને ચિત્રો દ્વારા શીખવી શકાય છે ઘણા પાઠ

નવી શિક્ષણ નીતી-2020 આવી રહી છે. મહત્વના ફેરફારોમાં શરૂના પાંચ વર્ષમાં અર્લીચાઇલ્ડ એજ્યુકેશનનાં ત્રણ વર્ષ અને ધો.1-2 બે વર્ષ મળી પ્રારંભ ફાઉન્ડેશન કોર્ષ આવી રહ્યો છે. નાનપણથી જ બાળકોનો પાયો પાકો કરવાની વાત છે. પહેલા પાંચ વર્ષ પૂર્ણ થયે ધો.1માં આવતો બાળક એ પહેલા નર્સરી એલ.કે.જી.ને એચ.કે.જી. જેવા રૂપકડા નામથી ચાલતા કોર્ષ કે પ્લે હાઉસમાં જતો જે સરકારી દાયરામાં ન હોવાથી બધા પોતાની રીતે ચલાવતા શેરી-ગલીઓમાં પણ આવા બાળહાટડા ખુલી ગયા છે.

8 વર્ષ સુધીના બાળકોને રંગ, આકારો, રમકડા, વાર્તા, બાળગીતો, સંગીત, રમત-ગમત, બહુ જ ગમે છે. આ માધ્યમો દ્વારા શિક્ષણ અપાય તો તેનો વિકાસ ઝડપી થાય છે

ટીચીંગ લર્નીંગ મટીરીયલ અને એક્ટિવીટીબેઝ લર્નીંગ જ આનંદમય શિક્ષણનો પાયો છે બાળકોમાં રહેલી છુપી કલા ઓળખે તે જ સાચો શિક્ષક

હવે નવી શિક્ષણ નિતીમાં આ વસ્તુ સરકારી દાયરામાં આવતા ધો.2 સુધીમાં તો બાળક વાંચન-ગણન અને લેખનમાં પાવરફૂલ થશે. ભાવી નાગરિકોને પાયાથી જ મજબૂતી મળશે. નાનકડું બાળક હવે 3 વર્ષે જ ભણવા લાગશે જો કે આ અગાઉની તેમની વયમાં ફરી આવા પ્લે હાઉસ શરૂ ન થાય તે માટે સમાજે જાગૃત થવું પડશે. 0 થી 3 વર્ષ બાળક માતા પાસે જ કુટુંબમાં ઉછરે તે ખૂબ જ જરૂરી છે, વાલીઓ એમાં પણ પ્લે હાઉસમાં મુકવા માંડશે તો તેનો વિકાસ રૂંધાશે.

5 વર્ષ સુધીના બાળકોને ચિત્ર દ્વારા તમે ઘણું શિખવી શકો છો. 10 વર્ષ સુધીના બાળકોને રમવું બહુ જ ગમે છે ત્યારે શિક્ષક રમતાં-રમતાં શિક્ષણ આપે તે જરૂરી છે. આ વયના બાળકોને રંગો, આકારો, રમકડાં, વાર્તા, બાળગીતો, સંગીત, રમત-ગમત, બહુ જ ગમતા હોય છે. આ માધ્યમો દ્વારા જ તેને શિક્ષણ સાથે સાંકળીને જો શિક્ષણ અપાય તો તેનો વિકાસ ખૂબ જ ઝડપી થાય છે. મોટા ભાગે નાના ધોરણમાં લેડી ટીચર હોવાથી તે બાળકોને વધુ સમજી શકે છે. અર્લીચાઇલ્ડ એજ્યુકેશનમાં તેની લાગણી, માંગણી વિગેરેનું જતન શિક્ષક કરવું જ પડે છે. ઘર છોડીને પ્રથમવાર શાળાએ આવનાર બાળકને પ્રેમ, હુંફ, લાગણી મળે તો તે નિશાળમાં બેસશે. અન્યથા રડવા લાગશે કે ઘરે જવાની જીદ્ પકડશે.

ફાઉન્ડેશનમાં શૈક્ષણિક રમકડાનું વિશેષ મહત્વ છે, સાથે પ્રવૃતિ દ્વારા શિક્ષણ અપાય તો આનંદમય શિક્ષણ કે જોય ફૂલલર્નીંગનો હેતુસરે છે. વર્ગખંડના બાળકોના રસ, રૂચી, વલણો, આધારિત સરળશૈલીની શિક્ષણની પધ્ધતિ શિક્ષકે અમલમાં મૂકવી પડે છે. આ વય કક્ષાના બાળકોને દ્રશ્યશ્રાવ્ય સાધનોના ઉપયોગથી તમે ઘણું શીખવી શકો છો. તેમના માટેના પુસ્તકો પણ રંગબેરંગી હોવા જોઇએ. દરેક બાળકની ક્ષમતા અલગ-અલગ હોય શકે છે. એકી સાથે વર્ગખંડના તમામ બાળકો શીખી જાય એ શક્ય જ નથી.

નાના બાળકોને કોઇપણ ચિત્ર બતાવો તો તે વિશે તે નાના વાક્યો બોલે છે. આવી એક્ટીવીટી નિયમિત કરાવવાથી તેની મૌખિક અભિવ્યક્તિ ખીલી છે. ઘણીવાર તો બાળકને લખતા-વાંચતા કશું જ ન આવડતું હોય છતાં તે ઘણા બધા વાક્યો ફક્ત ચિત્ર જોઇને બોલે છે, આમા બાળક જોવે છે, વિચારે છે ને પછી ગોઠવીને વાક્યો બોલતો થાય છે. આમ જોઇએ તો બાળક તેના આસપાસના પર્યાવરણમાંથી ઘણું શીખીને આવે છે. તમે પ્રવૃતિ કરાવો ત્યારે તે પણ તમને પ્રશ્ન પણ કરે છે. બાળક રમતાં-રમતાં ઘણું શીખે છે.

બાળકોને જૂથ પધ્ધતિમાં કાર્ય કરાવવાથી તે ઝડપથી ગ્રહણ કરી લે છે. ફ્લેશકાર્ડ, મણકા ઘોડી, ટપકાં જોડી ચિત્રો બનાવવા, રંગપૂરણી, કાગળ કટીંગ, મૂર્ત વસ્તુની ગણતરી કે અલગ-અલગ કરીને જુદા પાડવા જેવી વિવિધ રમતોથી ગુજરાતી, ગણિત, પર્યાવરણ શિક્ષક કે મા-બાપ શિખવી શકે છે. વિવિધ તહેવારો વખતે તેની વાત સાથે તેના દ્વારા જ ઉજવણી કરવાથી તે શિક્ષણ લાંબો સમય ટકી રહે છે. પતંગ, હોડી, ફળો, પ્રાણીઓ, સંતો દેશ નેતા વિગેરેના ચાર્ટ દ્વારા બાળક જાતે શીખતો  થઇ જાય છે. બાળકને જુદા-જુદા અવાજોથી પરિચિત કરવોને પ્રાણીઓના અવાજો સંભળાવો બાદમાં તે પણ એવા અવાજ દ્રઢિકરણથી સતત સાંભળતા કે બોલતા શીખી જાય છે. ગાયના ચિત્ર ઉપરથી તે ગાયની ઘણી વાત શીખે છે, બોલે છે.

હવે ધોરણ પાંચ સુધી માતૃભાષામાં શિક્ષણ થવાનું છે. જે ખૂબ જ સારી બાબત છે. અત્યાર સુધી પ્રારંભથી અંગ્રેજી માધ્યમમાં ભણતો બાળક દુકાનનું ગુજરાતી બોર્ડ પણ વાંચી શકતો ન હતો. માં-બાપ ગુજરાતી બોલેને છોકરો ખાલી અંગ્રેજી એવું પણ પરિવારોમાં જોવા મળતું. સરવાળા, ગુણાકાર, બાદબાકી કે ભાગાકાર મૂર્ત વસ્તુના માધ્યમથી બહુ જ સરસ શિખડાવી શકાય છે. કાઢવા અને ઉમેરવા કે ઓછા કરવા તે વસ્તુના માધ્યમથી શીખવી શકાય છે. ફાઉન્ડેશનમાં શ્રવણ, કથન, લેખનનું મહત્વ છે તો વાંચન, ગણન, લેખનનું મહત્વ છે. બાળક સાંભળે, સમજે-વિચારેને લખે તે આદાન-પ્રદાનક્રિયા વર્ગખંડની હોવી જોઇએ. પુનરાવર્તન સતત મહાવરો અને દ્રઢિકરણ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હોવું જરૂરી છે. આ વય જૂથના બાળકો રમતમાં ઘણું બધુ ભૂલી જતાં હોવાથી સતત મહાવરો આપવો જરૂરી છે.

અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન અને ધો.1-2ના ગાળામાં બાળકમાં સમજનું મહત્વ અને તે દરેક પ્રવૃતિમાં ભાગ લે તેવું અસરકારક વર્ગખંડનું વાતાવરણ હોવું જોઇએ.  શિક્ષકની સજ્જતા જ બાળકનો પ્રેરણા આપે છે ને તે સ્વઅધ્યયન કરતો થાય છે. તેનામાં રહેલી વિવિધ કલાને શિક્ષક જાણીને સતત પ્રોત્સાહન આપે તે જરૂરી છે. વિવિધ આકારોના માધ્યમથી ચિત્રો કે રમતો દ્વારા શિખવી શકાય છે.

સારૂ અને ખરાબ આ બે વસ્તુ બાળકોને શિખવવી જરૂરી છે. જીવનમૂલ્યનાં પાઠ વિવિધ પ્રસંગો, વાર્તા, ગીતો દ્વારા કરાવીને તેને સતત શૈક્ષણિક પ્રક્રિયા સાથે જોડી રાખે તે જ સાચો શિક્ષક, બાળ મનોવિજ્ઞાનનો શિક્ષક અભ્યાસી હોવો જોઇએ. વર્ગખંડના દરેક બાળક વિશે તે તમામ બાબત જાણતો હોવો જોઇએ. બાળકો પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ કેળવે એ માટે વિવિધ પ્રવૃતિઓ વર્ગખંડમાં યોજવી જોઇએ. બાળક જોઇને 80 ટકાથી વધુ શીખે છે. તેથી આવા બાળકોને પર્યાવરણનો સતત મહાવરો કરાવવો.