- રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવવા સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
- રાજ્યની હોસ્પિટલમાં ડૉકટર્સની ઘટ્ટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે – આરોગ્યમંત્રી
- રાજ્યમાં વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે
- પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ
તાપી જિલ્લામાં વર્ગ-1 માં 54.68 ટકા અને વર્ગ-2 માં 85.50 ટકા તેમજ વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 ટકા જગ્યાઓ ભરાયેલી
ગુજરાત વિધાનસભામાં તાપી અને વલસાડ જિલ્લાના આરોગ્યકેન્દ્રોમાં મંજૂર મહેકમની સામે ભરાયેલ અને ખાલી મહેકમ સંદર્ભેના પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, તાપી જિલ્લામાં વર્ગ-1 માં કુલ 54.68 ટકા અને વર્ગ-2 માં 85.50 ટકા અને વર્ગ 3 અને 4 માં 76.04 ટકા તેવી જ રીતે વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 ટકા અને વર્ગ-3 અને 4 માં 49.36 ટકા મહેકમ ભરાયેલ છે.
તાપી જિલ્લાની સ્થિતિ :
તાપી જિલ્લામાં ખાલી મહેકમ ભરવા હાથ ધરાયેલ પ્રયાસો સંદર્ભે મંત્રીએ ઉમેર્યુ કે, છેલ્લા ૨ વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-૧૬, પી.જી. બોન્ડેડ-૧૩ અને ૧૧ માસ કરાર આધારિત-૨૯ મળી કુલ ૫૮ને નિમણુંક અપાઇ છે.
તાપીના ૩૮ પ્રા.આ.કે. માં ૬૮ માંથી ૬૨ M.O ની જગ્યાઓ ભરેલ છે. તાપી જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તજજ્ઞ વર્ગ-૧ માં ૧૨ માંથી ૪ ભરેલી છે. ખાલી જગ્યાઓ પર નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે.
તદ્ઉપરાંત સી.એમ.સેતુ અંતર્ગત પણ તજજ્ઞ તબીબોની સેવા લેવામાં આવે છે. એમ.ઓ. વર્ગ -૨ ની તમામ ૨૪ જગ્યાઓ ભરેલ છે.
તાપીની જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-૧ની ૪૫ માંથી ૩૧ તેમજ વર્ગ-૨ માં ૩૦ માંથી ૨૬ જગ્યાઓ ભરાયેલ છે.
વલસાડ જિલ્લાની સ્થિતિ:
વલસાડ જીલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-૯, પી.જી. બોન્ડેડ-૧૦ અને ૧૧ માસ કરાર આધારિત-૧૫ મળી કુલ ૩૪ને નિમણુંક આપવામાં આવી છે. વલસાડમાં પ્રા.આ.કે. માં એમ.ઓ. વર્ગ-૨ની ૯૩ માંથી ૯૧ જગ્યાઓ ભરેલ છે.
વલસાડ સા.આ.કે.માં તજજ્ઞ ૩૨માંથી ૧૧ ભરેલી છે. નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે. એમ.ઓ. વર્ગ-૨ની તમામ ૪૦ ભરેલ છે. વલસાડમાં જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-૧ ની ૩૭ માંથી ૨૩ અને વર્ગ-૨ ની ૨૩ માંથી ૨૧ જગ્યાઓ ભરાયેલ છે.
રાજ્યમાં ખાલી જગ્યા ભરવાનું આયોજન
વર્ગ-૧
તજજ્ઞ વર્ગ-૧ની જુદા-જુદા ૧૨ સંવર્ગની કુલ ૧૧૪૬ જગ્યાઓ માટે G.P.S.C.માં માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે.
જે પૈકી પીડીયાટ્રીશિયન અને ડેન્ટલ સર્જન સિવાયના તમામ સંવર્ગમાં પ્રાથમિક કસોટીની પ્રક્રિયા પુર્ણ થઇ છે. ઇન્ટરવ્યુ બાદ પસંદગી પ્રક્રિયા પુર્ણ થતા ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ખાલી જગ્યાઓ પર નિમણુંક આપવામાં આવશે.
સરકારી મેડિકલ કોલેજો ખાતેથી પી.જી. થયેલ ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવે છે. જે માટે હાલમાં ૪૩૫ તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુમાં છે.
આરોગ્ય કમિશનર કચેરી દ્વારા દરરોજ વોક-ઇન ઇન્ટરવ્યુ લઇને ૧૧ માસના કરાર આધારિત નિમણુંક આપવામાં આવે છે.
સી.પી.એસ. થયેલ અંદાજે ૯૮ ઉમેદવારોની અરજીઓ મળેલ છે. જેમને એક વર્ષ માટે નિમણુંક આપવાની પ્રક્રિયા ચાલુમાં છે.
વર્ગ-૨
વર્ગ-૨ની ૧૯૨૧-જગ્યા ભરવા માટે ભરવા GPSC દ્રારા તા. ૨૧/૧૧/૨૦૨૪ તથા તા. ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં અંદાજે ૧૩,૦૦૦ કરતા વધુ અરજીઓ મળેલ છે અને તા. ૩૦/૦૩/૨૦૨૫ના રોજ પરીક્ષા પણ લેવામાં આવશે
વર્ગ-૩
વર્ગ-૩માં સ્ટાફનર્સની ૧૯૦૩ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરિક્ષા લેવામાં આવી છે.
પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની અન્ય ખાલી જગ્યાઓ ભરવા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે.
૧૦ વર્ષિય ભરતી કેલેન્ડર મુજબ રાજયમાં અર્બન હેલ્થ અંતર્ગત ૧૪૭૯ જગ્યાઓ ભરવા આયોજન કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૫ માં ૮ કોલેજમાં યુ.જી. ની ૯૨૫ બેઠકો હતી. હાલ ૪૧ કોલેજોમાં ૭૨૫૦ બેઠકો છે. જેના લીધે વર્ગ-૨ ડોક્ટરો ઉપલબ્ધ થવાથી મોટા ભાગની વર્ગ-૨ જગ્યાઓ બંને જીલ્લામાં ભરેલી છે.
તેવી જ રીતે વર્ષ ૧૯૯૫માં પી.જી. માં ૬૮૮ બેઠકોની સામે હાલ ૩૭૧૯ બેઠકો છે અને ૧૦૧૧ બેઠકો વધારવા માટે એસેન્સિયાલીટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ છે. આથી આવનારા સમયમાં વર્ગ-૧ ની ઘટ પણ પુરી થઇ શકશે.