Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરૂવારે સિન્ડીકેટની બેઠક કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના સિનીયર સિન્ડીકેટ સભ્ય એવા ડો.ગીરીશ ભીમાણીએ પ્રસ્તાવ મુક્યો હતો કે, સૌરાષ્ટ્રની ભૂમી પર આકાશીય વિજ્ઞાન અંગે નવા-નવા રિસર્ચો થાય, સંશોધનો થાય તે માટે એસ્ટ્રોનોમિ ફિઝીક્સ ડિપાર્ટમેન્ટ શરૂ કરવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો જે સંદર્ભે આવતીકાલે વૈશ્ર્વિક પ્રસિધ્ધી ધરાવતા ખગોળીય વૈજ્ઞાનિક જે.જે.રાવલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવવાના હોય તેમની સાથે યુનિવર્સિટીના તમામ સાયન્સ ભવનના હેડ, પ્રોફેસરો, ડીન અને અધરધેન ડીનની મીટીંગ યોજાવા જઈ રહી છે. જેમાં યુનિવર્સિટીમાં આકાશીય વિજ્ઞાન અર્થે અભ્યાસ શરૂ કરવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ એસ્ટ્રોનોમિ ફિઝીક્સ ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીમાં ધમધમતું થશે.

સિન્ડીકેટની મીટીંગમાં આ સીવાય પણ અનેક નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને યુનિવર્સિટીના સ્ટોક હોલ્ડરોને કોઈ કામ માટે યુનિવર્સિટી સુધી ધક્કો ન ખાવો પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોલેજોનું સ્તર સુધરે મતલબ કે કોલેજોનું ઈન્ફાસ્ટ્રકચર એકેડેમીક કામો તેમજ જુદા જુદા વિષયો પર રિસર્ચ થાય તે દિશામાં એક ખાસ કમીટી બનાવી એકેડેમીક કાઉન્સીલની બેઠક બોલાવવાનું નક્કી કરાયું છે. જેમાં યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોનો સર્વાંગી વિકાસ થાય અને કોલેજોમાં રિસર્ચનું સ્તર વધે તે મુદ્દે ચર્ચા-વિચારણાઓ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીની એડમીનીસ્ટ્રેટીવ સીસ્ટમ કોમ્પ્યુટરરાઈઝ બને તેમજ તમામ ડિપાર્ટમેન્ટવાઈઝ એડમીનીસ્ટ્રેટીવ સીસ્ટમને કોમ્પ્યુટરાઈઝ કરવાની વાત કરવામાં આવી હતી.

યુનિવર્સિટીના એડમીનીસ્ટ્રેટીવ સ્ટાફ-ઓફિસરની વર્ષમાં બે વખત ટ્રેનિંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, હવેથી દર વર્ષે તમામ એડમીનીસ્ટ્રેટીવ સ્ટાફ અને તમામ ઓફિસરની વર્ષમાં 2 વખત ટ્રેનીંગ યોજવામાં આવશે.

જેમાં સ્ટાફને કઈ રીતે કામ કરવું, કોઈ નવા ઓફિસર્સ આવે તો વહીવટી કામો કઈ રીતે આગળ ધપાવવા જેવી આ તમામ બાબતોની ટ્રેનીંગ આપવામાં આવશે અને યુનિવર્સિટી દ્વારા અગાઉ પણ અવાર-નવાર આઈક્યુએસસી ડિપાર્ટમેન્ટ આવા વર્કશોપ યોજતું હોય છે. હવે ખુદ યુનિવર્સિટીએન ક્કી કર્યું છે કે, દર વર્ષે બે વાર આવા વર્કશોપ યોજી એડમીનીસ્ટ્રેટીવ સ્ટાફને ટ્રેનીંગ આપવામાં આવશે.

સિન્ડીકેટ ટુ એસી તરીકે શુકલ-પરમારની વરણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટમાં જેમ સરકાર દ્વારા ચાર સભ્યોની નિયુક્ત કરવામાં આવી તેમ એકેડેમીક કાઉન્સીલમાં પણ સિન્ડીકેટમાંથી બે સભ્યોને લેવાના હોય છે. આ વખતે થોડી ઉલટી ગંગા ચાલી હોય તેમ એસી ટુ સિન્ડીકેટ નહીં પણ સિન્ડીકેટ ટુ એસીના સભ્યોની પહેલા પસંદગી કરવામાં આવી. જેમાં ગુરૂવારે સિન્ડીકેટ ટુ એસી તરીકે ડો.નેહલ શુકલ અને ડો.વિમલ પરમારની નિમણૂંક કરવામાં આવી છે.

યુનિવર્સિટીમાં યુવા નેતાઓની એન્ટ્રી, વડીલો વિચારના વમણોમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટાભાગના સિનીયરો છે ત્યારે હવે યુનિવર્સિટીમાં યુવા નેતાઓની એન્ટ્રી થઈ રહી છે. ગઈકાલની સિન્ડીકેટમાં ઓમ કોલેજના સ્થળ ફેરફારની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. ત્યારે હવે આ ઓમ કોલેજ સહિત  ઘણી એવી કોલેજો છે કે જેના સ્થળ ફેરફારની અરજીઓ પેન્ડીંગ રાખવામાં આવી છે. જો કે, આ કોલેજ કોઈ યુવા ભાજપ નેતાની હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે અને કોઈપણ કોલેજની નવી મંજૂરી કે સ્થળ ફેરફારની વાત આવે ત્યારે યુનિવર્સિટીના જુના જોગીઓને પેટમાં દુ:ખાવો થતો હોય છે.

ગઈકાલની સિન્ડીકેટમાં પણ ઓમ કોલેજના સ્થળ ફેરફારની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. હવે જ્યારે યુનિવર્સિટીમાં યુવા નેતાઓ એન્ટ્રી કરી રહ્યાં છે ત્યારે વડીલો વિચારના વમણમાં હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.