Abtak Media Google News

ઈઝરાયેલની એક કંપનીએ બનાવેલા જાસૂસી માટેના સોફ્ટવેર પેગાસસ દ્વારા ભારતના 2 કેન્દ્રીય પ્રધાનો, 40થી વધારે પત્રકારો, વિપક્ષના 3 નેતાઓ અને એક ન્યાયાધીશ સહિત 300 લોકોની જાસૂસી કરવામાં આવી હોવાનો રિપોર્ટ જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકીય હડ્કંપ સર્જાયો હોય તેમ પક્ષ-વિપક્ષ આમને સામને પ્રહાર કરી રહયા છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેગાસસ મામલાને ખોટો વિવાદ ગણાવી વિપક્ષની આકરી આલોચના કરી છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, વિદેશી તાકતોનો હાથો બની કોંગ્રેસ ભારતની પ્રતિષ્ઠાને નુકશાન કરી રહી છે.

સીએમ રૂપાણીએ આકરા પ્રહાર કરતાં જણાવ્યુ કે સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ પેગાસસ સ્પાયવેરનો મુદ્દો ઉછાળવાનું કૃત્ય વિપક્ષની દેશવિરોધી માનસિકતા છતી કરે છે. કોંગ્રેસે ઘણા દાયકાઑ સુધી સત્તા ભોગવી છે, આથી હવે જેમ પાણી વગર માછલી તરફડે તેમ સત્તા વગર તરફડી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ખરડી સત્તામાં ફરી આવવા વલખા મારી રહી છે. પણ કોંગ્રેસની મેલી મુરાદ બર આવવાની નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંસદમાં નવનિયુક્ત મંત્રીઓનો પરિચય આપવાનો શિરસ્તો નિભાવી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસે દખલ પહોંચાડીને સંસદીય પ્રણાલીનો ભંગ કર્યો છે.

કોંગ્રેસ સત્તા વિમુખ થયા પછી વિપક્ષ તરીકેની રચનાત્મક ભૂમિકા ભજવવાને બદલે  વિકાસની રાજનીતિનો ઠાલો વિરોધ કરી રહી છે: મુખ્યમંત્રી

ફોન ટેપીંગના મુદે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે કોંગ્રેસ સત્તા વિમુખ થયા પછી વિપક્ષ તરીકેની રચનાત્મક ભૂમિકા ભજવવાને બદલે વડાપ્રધાન મોદીના વિકાસની રાજનીતિનો ઠાલો વિરોધ કરી રહી છે.એજન્સીએ વિરોધ ઉઠાવ્યો છે તેણે પેગાસસ સોફ્ટવેર ભારતમાં યુઝ થયો હોય કે સોફ્ટવેરના ડેટાનો વપરાશ થયો હોય તેવા પુરાવા આપ્યા નથી. દેશમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયો નથી તેવી સ્પષ્ટ વાત ભારત સરકારે કરી છે. અને આશ્ચર્યની વાત એ છે કે ૪૫ દેશ કથિત રીતે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ભારત, કે જેણે પેગાસસનો ઉપયોગ કરવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેને જ નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને બાકીના દેશો આમાં ક્યાંય ચિત્રમાં જ નથી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં કહ્યું કે,  ભારતના વિકાસને અમુક ચોક્કસ તાકાતો દ્વારા ખતરા તરીકે જોવામાં આવે છે. સંસદના ચોમાસુ સત્ર પૂર્વે ઊઠેલો આ વિવાદ ફ્કત એક યોગાનુયોગ નથી પણ આત્મનિર્ભર બની રહેલા ભારત દેશ વિરુદ્ધ બદલાની ભાવના છે. સાથેજ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૧૩માં એક આર.ટી.આઇના જવાબમાં યુ.પી.એ સરકારે દર મહિને 9 હજાર ટેલીફોન અને 500 ઇ-મેઇલ એકાઉન્ટ પર નજર રખાતી હોવાનો સ્વીકાર્યું હતું. તાજેતરમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારનું ફોન ટેપીંગ પ્રકરણ પણ સામે આવ્યું હતું. ભારતની છબીને ખરડવા સાવ નકલી અને મનઘંડત જાસૂસી પ્રકરણ વિપક્ષે ઉભું કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.