સંકટગ્રસ્ત એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગને માર્ચ સુધી એન.પી.એ. જાહેર નહીં કરાય: મુખ્યમંત્રી

એક્સપોર્ટ માટે લોન આપનાર બેંકને વધુ ઇન્સ્યોરન્સ કવર કરવામાં આવશે: વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર હરહંમેશ ખેડુતો, વ્યાપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોના ઉત્થાન માટે પરિસ્થિતિને અનુરૂપ યથાયોગ્ય નિર્ણયો લઇને દેશના વિકાસને ઉત્તેજન મળે તે માટે હકારાત્મક અભિગમ સાથે નિતિગત નિર્ણયોની સમીક્ષા કરી દેશનો આર્થિક અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરી રહી છે. કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનજી દ્વારા તાજેતરમાં આર્થિક સુધારાઓની ઘોષણા કરવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં ગુજરાત સહિત દેશભરમાં હાઉસીંગ, મેન્યુફેક્ચરીંગ, એક્સપોર્ટ, વિદેશી મુડીરોકાણ, કેપીટલ માર્કેટ, લધુઉદ્યોગો (એમ.એસ. એમ.ઇ.)ના વિકાસને વેગ મળશે તથા નાગરિકોની ખરીદશક્તિ વધશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના આર્થિક ક્ષેત્ર માટે સતત સાતત્યપૂર્ણ અસરકારક નિર્ણયોને લીધે ભારતીય અર્થતંત્રમાં લાંબાગાળાની નવી તેજીનો સંચાર થયો છે. સમગ્ર દેશના આ તમામ ક્ષેત્રોને પ્રોત્સાહન બળ પુરુ પાડતા આ ઐતિહાસિક નીતિગત સુધારાઓ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીને અભિનંદન પાઠવ્યા હતા.

રૂપાણીએ વૈશ્વિક વાણિજ્ય વિશે છણાવટ કરતા જણાવ્યુ હતુ કે, વર્તમાન સમયે વૈશ્વિક કક્ષાએ ચીન-અમેરિકા વચ્ચે વણસેલા વ્યાપાર સંબંધો તથા બ્રેકઝીટ પર અનિશ્ચિતતાને કારણે સમગ્ર વિશ્વમાં મંદીની અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ હોવા છતા ભારતે વાસ્તવિક જીડીપીની સાથે પોતાની આર્થિક સ્થિરતા મજબૂત કરી છે. દેશનું સામાન્ય સકલ ઘરેલુ ઉત્પાદન ૨૦૧૩-૧૪માં ૧.૯ ટ્રિલિયન અમેરિકી ડોલર હતું જે ૨૦૧૮-૧૯માં વધીને ૨.૭ ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી વધ્યું છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જણાવ્યા અનુસાર ભારતીય અર્થવ્યવસ્થાને ૨૦૨૪-૨૫ સુધી પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.

રૂપાણીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી એફોર્ડેબલ આવાસ યોજના અંતર્ગત ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ખરીદવામાં આવેલ ૪૫ લાખ રૂપિયા સુધીના ઘરને લોનના વ્યાજમાં ૧.૫ લાખ સુધી છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અટકેલા એફોર્ડેબલ અને મધ્યમ વર્ગના હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા એક સ્પેશિયલ વિન્ડોથી મદદ કરવામાં આવશે, તેના માટે અલગ ફંડની વ્યવસ્થા થશે, જેમાં સરકાર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપશે.

૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪ના વર્ષોમાં મોંઘવારી આશરે ૧૦ના આંકડાની નજીક હતી, જે વર્ષ ૨૦૧૮-૧૯ની સમાપ્તિ પર પાછલા ૫ વર્ષોની ઉપભોક્તા મોંઘવારી સરેરાશ તેના અડધા કરતા પણ ઓછી છે. ૨૦૧૭-૧૮માં ઉપભોકતા મુલ્ય સૂચકાકં પર આધારિત શિર્ષ મોંઘવારી ૩.૬ ટકા હતી. ૨૦૧૮-૧૯માં ૩.૪ ટકા ઓછી થઇ એપ્રિલ-જુલાઇ ૨૦૧૯માં ક્ધઝ્યુમર ઇન્ડેક્ષ મોંઘવારી ૩.૧ ટકા થઇ. તાજેતરમાં જ કેન્દ્રની ભાજપા સરકારે કેપીટલ ગેઇન ટેક્સથી સરચાર્જ હટાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

રૂપાણીએ જણાવ્યુ હતુ કે, નિકાસ (એક્સપોર્ટ)ને પ્રોત્સાહન આપવા માટે એક્સપોર્ટ કરવામાં આવતા સામાન ઉપર ટેક્સમાં છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ ઉપરાંત નિર્યાત ઋણ વીમા યોજનાનો વિસ્તાર થશે, નિર્યાત માટે લોન આપનાર બેંકને વધુ ઇન્સ્યોરન્સ કવર કરવામાં આવશે તેમજ પ્રાથમિકતાવાળા ક્ષેત્ર અંતર્ગત નિર્યાત લોન માટે ૩૬,૦૦૦ કરોડ થી ૬૮,૦૦૦ કરોડ રૂપિયા વધુ આપવામાં આવશે. જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંપૂર્ણ રીતે ઓટોમેટીક અને ઇલેક્ટ્રોનિક કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલ નિર્ણયોને કારણે એક્સપોર્ટ ઉદ્યોગને વેગ મળશે.

રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આગામી ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી સંકટગ્રસ્ત કોઈપણ એમ.એસ. એમ.ઈ ઉદ્યોગને એન.પી.એ. ઘોષિત કરવામાં આવશે નહીં. સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં દેશભરમાં ૪૦૦ જિલ્લામાં બેંકો એન.બી.એફ.સી. અને છૂટક લોન લેનારની આમને-સામને ખુલ્લી બેઠકો થશે, જેમાં એન.બી.એફ.સી.ને બેન્કો થકી રોકડ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેને છૂટક લોન લેનારાઓને વિતરિત કરવામાં આવશે તેમજ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી સીતારામનજીએ જણાવ્યા મુજબ દેશભરમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બેંકો દ્વારા લોનમેળાના આયોજન દ્વારા વધુને વધુ લોકોને ઋણ પુરુ પાડી તેમના વિકાસમાં મદદરૂપ થવાના પ્રયત્નો કરવામાં આવશે.