દૂધ ઉત્પાદન ક્ષેત્રે સારી કામગીરી કરનાર ત્રણ મંડળીઓનુ જિલ્લા સંઘે કર્યુ સન્માન

જિલ્લા સહકારી સંઘની ૬૨ની વાર્ષિક સભા સંપન્ન

રાજકોટ જીલ્લા સહકારી સંઘની ૬૨મી વાર્ષિક સામાન્ય સભા તા. ર૮ ના રોજ સરકારના નિયમોનુસાર ઝૂમ એપ દ્વારા ઓનલાઇન જિલ્લા સંઘની ઓફીસે સહકાર ત્રિવેણી, ૨૯/૩૮, કરણપરા, રાજકોટ ખાતે સંઘના ચેરમેન પ્રવીણભાઇ રૈયાણીના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. સૌ પ્રથમ કુ. જીલબેન વ્યાસ દ્વારા પ્રાર્થના ગીતના ગાયનથી સભા શરુ કરવામાં આવી હતી. બાદમાં રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેંચાણ  સંઘના ચેરમેન મગનભાઇ ધોણીયા દ્વારા પાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.

સાધારણ સભાના ઠરાવોનું વાંચન તથા સભાનું સંચાલન જીલ્લા સંઘના માનદમંત્રી અરવિંદભાઇ તાગડીયાએ સભાળ્યું હતું.

સભામાં ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ દ્વારા સને ૨૦૧૯-૨૦ ના વર્ષે સારુ ઉત્કૃષ્ટ કામ કરનાર દુધ ઉત્પાદક મંડળીઓની હરિફાઇ યોજવામાં આવેલ જેમાં પ્રથમ ક્રમે જબલપુર મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી તા. ટંકારા, દ્વિતીય ક્રમે જીયાણા દુધ ઉત્પાદક  સહકારી મંડળી, તા. રાજકોટ તથા તૃતીય ક્રમે દેવકીગાલોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, તા. જેતપુર (કાઠી) નંબર આવેલ, તેઓને રાજય સંઘ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. રાજકોટ જીલ્લા સહકારી સંઘ  તરફથી અનુક્રમે ‚. પ૦૦૦ , ૪૦૦૦ , તથા ૩૦૦૦ રોકડા પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

જિલ્લા સંઘની મહિલા સમીતીના સહક્ધવીનર રીનાબેન  ભોજાણીની જિલ્લા ભાજપના ઉપપ્રમુખપદે પસંદગી થતા તેમનું ઉપસ્થિત સહકારી આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સભામાં રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, રાજકોટ જીલ્લા સહકારી પ્રકાશન અને મુદ્દ ના ચેરમેન રવજીભાઇ હિરપરા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન માકેટીંગ એડવાઇઝર કેયુરભાઇ બુચે કર્યુ, અંતમાં આભારા વિધી ગુરુદત્તાત્રેય શરાફી સહકારી મંડળીના ચેરમેન તથા જિલ્લા સંઘના ડિરેકટર ટપુભાઇ લીબાસીયાએ કરી હતી.