દિવ્યાંગની દિવ્યતાએ અનેકના ઘર ઉજાગર કર્યા

જન્મથી અંધ આશિષભાઈ માંકડે જીવનને ચેલેન્જ આપી, પોતાની સફળ કારકિર્દી ઊભી કરી

સ્વીકૃતિ હંમેશા જીવનમાં અવસર લઈને જ આવે છે: આશિષભાઈ માંકડ

સ્વીકારો- પછી કાર્ય કરો, વર્તમાન ક્ષણ જે પણ છે તે સ્વીકારો, જાણે તમે તેને પસંદ કર્યો હોય. હંમેશા તેની સામે નહીં તેની સાથે કામ કરો… આ ચમત્કારિક રૂપે તમારા આખા જીવનનું પરિવર્તન કરશે. તેવી જ રીતે તમારી પડકારોને તકમાં રૂપાંતરિત કરો, પરિસ્થિતિને સ્વીકારો અને તેના ઉપર સંઘર્ષ કરો.. જીવનના આ અમૂલ્ય વાક્યો જે દરેક મનુષ્યના જીવનને સફળતાપૂર્વક હંમેશા જીવંત રાખે એવા વિચારો સાથે જૂનાગઢના આશિષભાઈ માંકડ પોતાની જીવન ની સફર પર ચાલી રહ્યા છે.

જન્મથીજ અંધ આશિષભાઈ માંકડએ જીવનને ચેલેન્જ આપી પોતાની સફળ કારકિર્દી ઊભી કરી છે. સ્વીકૃતિ હંમેશા જીવનમાં નવી તક લઈ ને આવે છે જૂનાગઢ ના ખ્યાતનામ સી.ઍ. આશીસભાઈ માંકડ એ અબતક સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક પ્રશ્ન અને પડકાર તરીકે લેવું તો જ તેનું નિવારણ આવી શકે છે. તેમના જીવનના હર એક કદમ પર પડકારો આવ્યા હતા, પણ તેમણે એ પડકારોને ભારે  ચેલેન્જની જેમ ન લેતાં, નાના ઇશ્યુની જેમ ગણ્યા છે અને નાનપણમા સવથિ વધુ પ્રશ્નો ઉભા થાય છે પણ નાનપણ જ્યારે બધુ રૂટિન સેટ થઈ જાય પછી વાંધો આવતો નથી.

ને આ પડકાર સામે લડવાની તાકત તેમને તેમના માતા પિતા દ્વારા મળી હતી. સૌથી વધારે તેમને આ લેવલ સુધી પહોંચાડવા માટે  તેમના માતાપિતાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આશિષ ભાઈ નું કહેવું છે કે, “ઘરના વાતાવરણ ઉપરથી જ નક્કિ થાય છે કે બાળક આશાવાદી બને છે કે નિરાશાવાદી, અને એટલે જ મારામાં નિરાશાવાદી ન પ્રવેશે એવું વાતાવરણ મારા માતા-પિતાએ ઊભું કર્યું હતું. સાથે જ તેમના શિક્ષકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમના દરેક ટ્યુશનના અને કોલેજના શિક્ષકે તેમના પર પૂરતું ધ્યાન આપ્યું હતું, અને તેમના દરેક પ્રશ્નો સાંભળીને તેનું નિવારણ આપ્યું હતું. તેમનું કહેવું છે કે આ બધા પ્રયત્નો તો જ સફળ થાય જો તેમના રાઇટર ભૂલ ના કરે તો કારણ કે જો રાઇટર દ્વારા લખાણમાં ભૂલ થાય તો શિક્ષકોનું અને માબાપના બધા જ પ્રયત્નો અસફળ થાય. પણ વખાણવા જેવી વાત તો એ છે કે રાઇટર દ્વારા કોઈ વાર ભૂલ કરવામાં આવી નથી અને કદાચ તેમને આ મુકામ સુધી પહોંચાડવામાં રાઇટર નો પણ ફાળો મહત્વનો છે.

તેમના સાથે વાતચીતમાં એ પણ જાણવા મળ્યું કે ખાલી ભણવાનો જ નહીં પરંતુ તેમને અંધ હોવા છતાં પણ સ્વિમિંગનો, વાંચવાનો અને સંગીત નો શોખ પણ છે, અને જ્યારે વાંચવાની વાત આવે ત્યારે તે સૌથી વધારે ઓડિયો બુક સાંભળે છે, કારણકે કહેવાય છે ને કે, ’બુક્સ આર મેન્સ બેસ્ટ ફ્રેન્ડ’, તેથી જ તે ખુબ સારું વાંચન કરીને તેનું અનુકરણ પોતાના જીવનમાં ઉતારે છે.

સામાન્ય માણસો દ્વારા જે  કાર્ય થઈ શકતું નથી તેવું કાર્ય અંધજન દ્વારા કરવામાં આવ્યું છે. સાથે જ તેમની આ સિદ્ધિની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લેવામાં આવી છે. અને માત્ર મીડિયા દ્વારા જ નહીં પરંતુ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ પણ આશિષભાઈ ની આ સિદ્ધિની નોંધ લીધી છે. સાથે જ જૂનાગઢમાં તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરે છે અને તેમના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફનો પણ સારો પ્રતિસાદ આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે, “જ્યારે આખી ટીમ કામ કરે ત્યારે જ સફળતા મળે છે, જો બધા જુદા જુદા વાજિંત્ર વગાડે તો ઘોંઘાટ થવાનો જ છે.” એટલે જ તેમના સ્ટાફને પણ તેમના પર ખૂબ ગર્વ છે અને તેઓ તેમના સ્ટાફ સાથે હળી મળીને રહે છે.

જૂનાગઢના અંધજન સંઘ સાથે આશિષભાઈ ૨૦ વર્ષથી જોડાયેલા છે, જેમાં તેઓ પહેલા સેક્રેટરી પદે હતા અને અત્યારે તેઓ એક ટ્રેનર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. આ આશ્રમમાં ૩૦ વૃદ્ધો અને બારમા ધોરણ સુધી ના છોકરા-છોકરીઓ છે, તેમને જીવનમાં મદદરૂપ થાય તેવી ટ્રેનિંગ આપવામાં આવે છે જેમકે:  બ્રૈલ ભાષા, રીડિંગ, ઉદ્યોગો અને રીહેબીલીટેશન ની તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થા છોકરાઓ અને છોકરીઓ ને આર્થિક રીતે પગભર થવામાં પણ મદદરૂપ થાય છે.

તેમની સિ.એ. સુધીની સફર રોમાંચક રહી હતી, તેઓ જ્યારે અગિયારમા ધોરણમાં હતા ત્યારે તેમણે તેમના ભવિષ્ય વિશે કંઈ જ વિચાર્યું નહોતું, પણ જ્યારે તેઓ અંધજન મંડળ અમદાવાદ ખાતે ગયા હતા ત્યારે તેમને એક ભાઈએ સલાહ આપી કે તેઓ અકાઉન્ટમાં સારા છે તો તે સીએમાં ભવિષ્ય બનાવી શકે છે, ને પછી તેમણે મહેનત કરવાનું શરૂ કર્યું અને જ્યાં સુધી તે એક મુકામ સુધી ના પહોંચે ત્યાં સુધી મહેનત ચાલુ રાખી.

તેમના પિતા તેમને ભણાવતા અને તેમની મુશ્કેલીઓ દૂર કરતા તો તેમના સિ.એ. સુધીના સફરમાં તેમના પિતા નું મોટું યોગદાન હતું. સાથે જ તેમણે પહેલી જ ટ્રાય માં સિ.ઍ થયા હતા અને છેલ્લે સમાજને તેઓ એક જ સંદેશો આપવા માગે છે કે તમારા ચેલેન્જ ને તમે ઑપર્ચ્યૂનિટિ માં બદલો અને જે કાંઈ પણ બને તેને સ્વીકાર કરો અને તેના પર પુરતી મહેનત કરો તો જ તમે તમારા જીવનમાં સફળ થશો.