Abtak Media Google News

લોકો તેમના પાલતુ પ્રાણીને લઈ ખૂબ સંવેદનશીલ હોય છે. ઘણી વખત જોવા મળ્યું છે કે લોકો પ્રાણીઓને તેમના પરિવારના સભ્ય તરીકે પ્રેમ કરે છે. ગુજરાતી કહેવત મુજબ કે, અતિ ની ગતિ ના હોય. એવો જ એક કિસ્સો આપણે હરિયાણામાં જોવા મળ્યો છે.

હરિયાણાના ગુરુગ્રામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કૂતરા માલિકે તેના પાડોશી અને તેના પરિવારને ફક્ત એટલા માટે માર્યો હતો કે, તેણે કૂતરાને તેના નામથી નહીં પરંતુ કૂતરો કહી ને બોલાવ્યો હતો.
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, આ ઘટના ગુરુગ્રામના સાયબરસિટી વિસ્તારમાં આવેલા જ્યોતિ પાર્કમાં બની હતી. કૂતરાના હિંસક સ્વભાવથી કંટાળીને આ વિસ્તારના રહેવાસી સુધીરે તેના પાડોશીને કૂતરાને બાંધી રાખવાનું કહ્યું હતું. કૂતરાનો માલિક તેના પાડોશી દ્વારા આપવામાં આવેલા સૂચન અને કૂતરાને નામથી ના બોલાવ્યો તે બાબતે ગુસ્સે થઈ લડાઈ કરી.

જેને પગલે બંને પરિવારો વચ્ચે હિંસક લડત થઈ હતી. બીજા એક રહેવાસીએ આ ઘટનાની નોંધ કરી હતી, જેમાં કૂતરાના માલિકે સુધીર અને તેના પરિવાર પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. સુધીરના પરિવારના ઓછામાં ઓછા 6 સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મીડિયા સાથે વાત કરતાં સુધીરે જણાવ્યું હતું કે, ‘તેણે તેના પાડોશીને કહ્યું હતું કે તે કૂતરાને સાંકળથી બાંધીને રાખે, કારણ કે તે તેના બાળકોને કરડવા માટે દોડે છે.’ સુધીરે ગુરુગ્રામના એક પોલીસ સ્ટેશનમાં તેના પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. આ પહેલો કિસ્સો નથી કે, પાળતુ પ્રાણી ઉપર ગુરુગ્રામમાં લોહિયાળ સંઘર્ષ થયો હોય. ભૂતકાળમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે, જ્યાં પાળતુ પ્રાણીઓ અંગેના વિવાદને કારણે પડોશીઓ વચ્ચે હિંસક ઝઘડો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.