21 ફેબ્રુઆરીથી રાજયના તમામ ન્યાય મંદિરનાં દ્વાર ખૂલશે

રાજકોટ જિલ્લાની ધોરાજી, જામકંડોરણા, જસદણ, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી અને વિંછીયાની કોર્ટો સોમવારથી ધમધમશે

અબતક,રાજકોટ

કોરોનાની ત્રીજી લહેરમાં કેસ વધતા હાઈકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતોમાં પ્રત્યક્ષના બદલે વર્ચ્યુઅલ કામગીરી કરવામાં આવતી હતી બાદ કોરોનાનું સંક્રમણ ઘટતા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડી તા.21 ફેબ્રુઆરીને સોમવારથી રાજયની તમામ અદાલતોમાં ફીઝીકલ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.

જયારે રાજકોટ જિલ્લાના ધોરાજી, જસદણ, જામકંડોરણા, કોટડાસાંગાણી, પડધરી, લોધીકા અને વિંછીયાની અદાલતો તા.14ને સોમવારથી પ્રત્યક્ષ કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે. અને હાઈકોર્ટની એસ.ઓ.પી.નું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

ત્રીજી લહેરમાં કોરોનાના કેસ વધતા હાઈકોર્ટ દ્વારા માત્ર વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાય નતી

ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટોમાં 21મી ફેબ્રુઆરીથી ફિઝિકલ હિયરિંગ શરૂ થઈ જશે. આ સાથે 14મી ફેબ્રુઆરીથી જ્યાં કોરોના સંક્રમણ ઓછું છે તેવા તાલુકાની અદાલતોમાં એસઓપીના પાલન સાથે પ્રત્યક્ષ સુનાવણી થઈ શકશે. રાજકોટ જિલ્લાના ધોરાજી, જામકંડોરણા, જસદણ, કોટડા સાંગણી, લોધિકા, પડધરી, વિંછીયાની કોર્ટોમાં 14મી ફેબ્રુઆરીથી ફિઝિકલ કાર્યવાહીને મંજૂરી અપાઈ છે.

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે જ ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણીનો નિયમ અમલી કરાયો હતો. આ પછી રાજ્યની તમામ કોર્ટોમાં ફિઝિકલ હિયરિંગ પર પ્રતિબંધ મુકાયો હતો. વકીલો માટે પણ પ્રવેશબંધી કરાઈ હતી. જોકે ત્યારબાદ એવા તાલુકા જ્યાં 100 કરતા ઓછા એક્ટિવ કેસ છે તે તાલુકાની કોર્ટોમાં એસઓપીના ચુસ્ત પાલન સાથે ફિઝિકલ કાર્યવાહી શરૂ થઈ હતી. આજે હાઇકોર્ટ આવા તાલુકાઓની નવી યાદી જાહેર કરી છે જ્યાં ઓછું સંક્રમણ છે. આ યાદી વાળી કોર્ટોમાં 14મી ફેબ્રુઆરીથી ફિઝિકલ હિયરિંગ શરૂ થશે. જોકે, એસઓપીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જાહેરાત કરી છે કે, હાઇકોર્ટમાં 21મી ફેબ્રુઆરીથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરાશે.

આ સિવાય રાજ્યની તમામ જિલ્લા – તાલુકા કોર્ટો જ્યાં ઓનલાઇન સુનાવણીનો નિયમ હાલ અમલી છે ત્યાં પણ તા.21 થી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઈ જશે. જોકે હાઇકોર્ટની કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.