- રાજ્યના પ્રત્યેક જીલ્લામાં મેડિકલ કૉલેજનું સ્વપ્ન હવે પૂર્ણતાના આરે :- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
- ગુજરાત મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં 450 જેટલા યુ.જી. તેમજ 1011 જેટલા પી.જી. બેઠકોની આગામી સમયમાં એકસાથે ઐતિહાસિક મંજૂરી મળનાર છે – આરોગ્યમંત્રી
- હાલ રાજ્યની મેડિકલ કૉલેજોમાં M.D.ની 2044 અને M.S. ની 932 સીટો ઉપલબ્ધ
- છેલ્લા બે વર્ષમાં M.D. ની 446 અને M.S. ની 211 સીટો વધી
- વર્ષ 1995 માં રાજ્યમાં કુલ 8 મેડિકલ કૉલેજમાં U.G.ની 925 બેઠકોની સામે આજે વર્ષ 2024માં કુલ 41 મેડિકલ કૉલેજમાં 7250 બેઠકો ઉપલબ્ધ
- વર્ષ 1995માં રાજ્યની કુલ 7 મેડિકલ કૉલેજમાં P.G. અનુસ્નાતકની 688 બેઠકોની સામે આજે રાજ્યની 27 મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ/આરોગ્યકેન્દ્રોમાં કુલ 3719 બેઠકો ઉપલબ્ધ
ગુજરાત વિધાનસભામાં રાજ્યની મેડિકલ કૉલેજમાં M.D.(ડૉક્ટર ઓફ મેડિસીન) અને M.S.(માસ્ટર ઓફ સર્જરી) ની કુલ સીટો અને છેલ્લા બે વર્ષમાં થયેલ વધારા સંદર્ભેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજ્યની મેડિકલ કૉલેજોમાં M.D.ની 2044 અને M.S.ની 932 સીટો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં M.D.ની 446 અને M.S. ની 211 સીટો વધી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક જીલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરવાનો સંકલ્પ કર્યો છે જેને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર પૂર્ણ કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત થવાનું સ્વપ્ન પૂર્ણતાના આરે હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતું.
મેડિકલ કૉલેજમાં પી.જી. અનુસ્નાતક બેઠકોની વધું વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે,રાજ્યમાં NMC(નેશનલ મેડિકલ કમિશન) ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત P.G.(પોસ્ટ ગ્રેજ્યુએશન) ડિગ્રી (MD-૩ વર્ષ) ની 2044, પી.જી. ડીગ્રી (MS-૩ વર્ષ)ની 932, પી.જી. સુપર સ્પેશ્યાલીટી (DM/M.Ch. ૩ વર્ષ) ની 124અને પી.જી ડીપ્લોમાં (2 વર્ષ)ની 39 મળીને કુલ -3139સીટો ઉપલબ્ધ છે.
DNB (ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ) સ્પેશ્યાલિટી (૩ વર્ષ)ની 148 , DNB સુપર સ્પેશ્યાલિટી (3 વર્ષ)ની 76 અને DNB ડિપ્લોમાં (2 વર્ષ)ની 58 બેઠકો મળીને કુલ -282 તેમજ CPS (કૉલેજ ઓફ ફિઝીશીયન એન્ડ સર્જન ઇન મુંબઇ) ડિપ્લોમા (2 વર્ષ)ની કુલ-298 બેઠકો ઉપલબ્ધ છે.
આમ કુલ મળીને રાજ્યમાં કુલ-3719 જેટલી અનુસ્નાતક અભ્યાસ માટેની બેઠકો ઉપલબ્ધ છે.
મંત્રીએ આ ક્ષણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં અંદાજીત કુલ 450 જેટલી યુ.જી. બેઠકો અને 1011 જેટલી પી.જી. બેઠકો માટે વિવિધ સંસ્થાઓએ NMCમાં અપ્લાય કર્યું છે જેના માટે રાજ્ય સરકારે એસેન્સીયાલીટી સર્ટીફીકેટ આપ્યું છે.
એટલે ગુજરાત રાજ્યના મેડિકલ ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે બેઠકોનો વધારો આવનારા નજીકના સમયમાં જોવા મળશે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતુ.
રાજયમાં હાલ કુલ 41 મેડીકલ કૉલેજો ઉપલબ્ધ છે. જેમાં 6 સરકારી, 13 ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત, 3 કોર્પોરેશન સંચાલિત, 1 એઇમ્સ અને 18 સ્વ-નિર્ભર કૉલેજો છે.