Abtak Media Google News

મૌર્ય યુગનાં પ્રખર વિદ્વાન અને કુશળ અર્થશાસ્ત્રી ચાણક્યના અર્થશાસ્ત્રમાં ચલણી સિક્કાનો ઉલ્લેખ છે. એટલે કે બી.સી.ઇ- 283 ના સમયથી ભારત વર્ષમાં ચલણી સિક્કાનો વિવિધ ફોરમેટમાં વપરાશ થયો છે. હવે આઝાદ ભારતને 75 વર્ષ થઇ રહ્યા છે. ત્યાર પહેલાથી એટલે કે 1934 ની સાલથી તો ભારતમાં રૂપિયાનું ચલણ રહ્યું છે, ભલે ફોરમેટ બદલાયા છે. આજે પણ ચલણ તો રૂપિયાનું જ છે પણ વાત આવી છે ફોરમેટ બદલાવવાની.

સદાકાળ સત્ય છે કે જ્યામ સુધી ઇકોનોમી છે ત્યાં સુધી કરન્સી રહેશે. પણ હવે ભારતમાં રોકડા વગરનાં નાણાકિય વ્યવહાર એટલે કે કેશલેસ ઇકોનોમીનો ક્ધસેપ્ટ આવી રહ્યો છે. ઇન્ટરનેટ બેંકિંગ, કાર્ડ પેમેન્ટ,  PayTM, અને બાકી હોય તો બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સી, આ બધાને કેશલેસ ઇકોનોમીના ઉદાહરણ કહી શકાય. ભારત જ નહીં સ્વીડન, યુનાઇટેડ કિંગડમ, પોલેન્ડ, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા તથા ચીન જેવા દેશોમાં કેશલેસ ઇકોનોમીના વ્યવહારો વધતા જાય છે. શું ભારતને કેશલેસ ઇકોનોમી બનાવી શકાય?

પરંપરાગત રીતે ભારત રોકડાનાં વ્યવહાર કરવાની માનસિકતા ધરાવતો દેશ છે. જાન્યુઆરી- 2021 નાં આંકડા પ્રમાણે ભારતની વસ્તી 139 કરોડની છે. જે એક વર્ષમાં 1.30 કરોડ જેટલી વધી છે. આજે પણ ભારતની 64.8 ટકા જેટલી વસ્તી ગામડાં કે નાના શહેરોમાં વસે છે. કદાચ આજ કારણ છે કે  ભારતની આશરે 55 ટકા જેટલી વસ્તી સુધી ઇન્ટરનેટની સુવિધાનો લાભ હજુ સુધી પહોંચ્યો જ નથી. જ્યાં વીજળી જ ન હોય ત્યાં ઇન્ટરનેટ ન હોય તે સમજી શકાય એવી વાત છે. ઇન્ટરનેટ તો ઠીક હજુ દેશની 20 ટકા વસ્તી બેંકિંગની સુવિધાથી પણ વંચિત છે. આ 40 કરોડ લોકો પાસે રોકડ વ્યવહાર સિવાયનો બીજો કોઇ વિકલ્પ જ નથી.

વૈશ્વિક બજારની સાથે તુલના કરીએ તો 2020 માં સ્વીડનની કુલ વસ્તી એક કરોડની હતી અને એક વર્ષમાં 67000 નો વધારો જોવા મળ્યો છે.  મતલબ કે આ દેશની કુલ વસ્તી અને વસ્તીનો વધારો મુંબઇ કરતા પણ ઓછો છે. હાલમામ સ્વડિનમાં 80 ટકા વ્યવહારો કેશલેસ થાય છે.  ત્યાં શોપીંગ મોલને કેશ સ્વીકારવાની ના પાડવાનો અધિકાર આપવામાં આવ્યો છે તેથી જો મોલ ધારક ધારે તો ગ્રાહકને કેશલેસ પેમેન્ટ જ કરવું પડે. અહીં સૌથી મોટી સફળતા એ જોવા મળી છે કે નાગરિકોની માનસિકતા જલ્દીથી બદલી શકાઇ હતી. સરકારે ઓલાઇન ટ્રાન્ઝક્શન  માટેનું ઍપ લોન્ચ કર્યાને ચાર જ વર્ષમાં 50 ટકા લોકો ઓનલાઇન ટ્રાન્ઝક્શન કરતાં થઇ ગયા હતા. જનતા  કેશલેસ ટ્રાન્ઝક્શન તરફ વળતા સરકારી વિભાગ પાસે  E-KYC વધતા સરકારની ટેક્ષની આવકમાં 30 ટકા જેટલો વધારો પણ જોવા મળ્યો હતો.

વૈશ્વિક સ્તરે યુનાઇટેડ કિંગડમ (યુ.કે) માં કેશલેસ કલ્ચર વધારે  સફળ છે.  અહીં સૌથી વધારે પેમેન્ટ ક્રેડિટ કાર્ડ તથા નેટ બેંકિંગ દ્વારા કરવામાં આવે છે. યુ.કે માં હવે પબ્લિક ટ્રન્સ્પોર્ટમાં કેશ પેમેન્ટની પરવાનગી નથી. દેશનાં 50 ટકા જેટલા સ્ટોર્સમાં કેશલેસ પેમેન્ટ વ્યવસ્થા ચાલે છે. એ.ટી.એમ ની સંખ્યા ઘટતી જાય છે. આખા યુરોપમાં માસ્ટર કાર્ડ દ્વારા પેમેન્ટમાં 97 ટકાનો વધારો જોવા મળ્યો છે. યાદ રહે કે યુ.કે ની વસ્તી 6.82 કરોડની છે જે ગુજરાતની વસ્તી જેટલી ગણી શકાય. અહીં છેલ્લા 10 વર્ષથી સરેરાશ વાર્ષિક વસ્તી વધારો  પાંચ લાખ જેટલો રહ્યો હોવાથી નવા જોડાનારા નાગરિકોની સંખ્યા બહુ ઓછી રહે છૈ.

આ ઉપરાંત પોલેન્ડ કદાચ પહેલું એવું વેસ્ટર્ન રાષ્ટ્ર હશે જ્યાં કેશલેસ ઇકોનોમીનો અમલ કરાવવામાં સરકારની ઇનોવેટિવ ભુમિકાનો મોટો ફાળો રહ્યો હશૈ. આમતો ત્રણ દાયકાથી પોલેન્ડમાં કેશલેસ ક્ધટ્રી કેમ્પેઇન ચાલે છે. દેશની કુલ વસ્તી 3.78 કરોડની છે એક વર્ષમાં દેશની વસ્તીમાં માંડ 40000 નો વધારો જોવા મળ્યો છે. જેથી સરકાર સામે નવા ગ્રાહકો જોડવાની ચેલેન્જ ઓછી છે.

ઉપરનાં ઉદાહરણો જોઇએ તો પ્રાથમિક તારણ એવું નીકળે કે ઓછી વસ્તીવાળા, વસ્તી વધારાનો દર ઓછો હોય એવા તથા વિકસીત, દેશોમાં કેશલેસ ઇકોનોમી સફળ થઇ શકે છે. તો શું ભારતમાં તે સફળ ન થઇ શકે? આ તારણને આપણે જો ચીન સાથે સરખાવીશું તો તેને બદલવું પડશે. કારણ કે ચીનમાં પણ હવે કેશલેસ ઇકોનોમી સફળ થઇ રહી છે. કદાચ કેશલેસ ટ્રાન્ઝક્શનમાં ચીન ટોપ-5 દેશોની યાદીમાં આવતું હશે. સ્વાભાવિક રીતે જ વસ્તી વધારે હોવાથી આંકડો પણ મોટો હોય. પરંતુ ચીનમાં નેટબેંકિંગ કે કાર્ડ કરતા ક્યુ.આર કોડ તથા વી-ચેટ કે અલી-પે દ્વારા મોટા પાયે પેમેન્ટ થાય છે. કદાચ આ ટ્રેન્ડ જોયા બાદ જ હવે PayTM, મોબીક્વિક, ફ્લિપકાર્ટ જેવા કેટલાયે ઓનલાઇન પેમેન્ટ મોડ ભારતમાં ઉતરી આવ્યા છે.

યાદ રહે કે ભારતમાં 1996 ની સાલમાં સૌ પ્રથમ આઇ.સી.આઈ.સી. આઇ એ નેટબેંકીંગની સુવિધા શરૂ કરી હતી. અઢી દાયકા બાદ આપણો જે પ્રોગ્રેસ છે તે કદાચ બાકી રહેળા ગ્રાહકોના આંકડા જોઇને ધીમો લાગે પરંતુ જેવા નવા જોડાનારા ગ્રાહકોના આંકડા જોતા કાંઇક અલગ જ ચિત્ર ઉભુ કરે છે. 139 કરોડની વસ્તીવાળા ભારતમાં જાન્યુઆરી-21 માં 62.40 રોડ લોકો ઇન્ટરનેટની સુવિધા સાથે જોડાયેલા હતા. તથા એક વષમાં નવા 8.2 ટકા એટલે કે 4.70 કરોડ નવા ગ્રાહકો ઇન્ટરેનેટ સાથે કનેક્ટ થયા છે.  સ્વીડનની જેટલી વસ્તી છે એના કરતા વધારે તો ભારતમાં દર વર્ષે ઉમેરાય છે. પોલેન્ડની જેટલી વસ્તી છે એટલા લોકો ભારતમાં દર વર્ષે નેટબેંકિંગ અપનાવે છે.

વળી કોવિડ-19 નાં સમયમાં ભારતમાં કેશલેસ ટ્રાન્ઝકશનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકનાં આંકડા પ્રમાણે મોબાઇલ ટ્રાન્ઝક્શન 96 ટકા જેટલા વધારા સાથે 8.32 અબજ રૂપિયા થયું છે. તાજેતરનો એક સર્વે એજન્સીનો રિપોર્ટ જણાવે છે કે આગામી પાંચ વર્ષમાં 23.4 ટકાના દરે કેશલેસ પેમેન્ટમાં વધારો થશે. કુલ ઓનલાઇન ટ્રાન્ઝક્શન 15.3 અબજ રૂપિયાથી વધીને 52.8 અબજ રૂપિયા થશે.

મતલબ કે ભારત કેશલેસ થઇ શકે પરંતુ તેના માટે સરકારનું દ્રઢ મનોબળ, આયોજન, તથા પ્રોત્સાહક યોજનાઓ હવી જરૂરી છે. જેના માટે સૌ પ્રથમ તો સરકારે ડેટા બેઝ ચોરીનાં કિસ્સા ઘટાડવા પડશે, સાયબર ક્રાઇમનું નેટવર્ક વધારે અભેદ બનાવવું પડશે. આ ઉપરાંત અન્ય દેશોઐ જેવા પ્રોત્સાહન આપ્યા હશે તેવા કે તેના જેવા ભારતમાં પ્રચલિત થાય એવા રૂપમાં ઓફર કરવા પડશે.  સાઉથ કોરિયાઐ ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા  માટે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરનારાઓને વર્ષનાં અંતે 30 ટકા સુધીની ટેક્ષમાં રાહત આપવાની ઓફર આપી ત્યારે દેશમાં ડિજીટલ પેમેન્ટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

યુરોપમાં સરકારે ડિજીટલ પેમેન્ટનો ખર્ચ ઘટાડવા ઉપરાંત કેશ હેન્ડલીંગ ઉપર ચાર્જ લગાવ્યો તેની જોરદાર અસર જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાઐ  ડિજીટલ પેમેન્ટ કોસ્ટમાં ઘટાડો કરતાં તથા નાના વેપારીઓ માટે ડિજીટલ કારોબાર ઉપરનો નો ચાર્જ મર્યાદિત કરતાં કેશ ટ્ર્રાન્ઝક્શનમાં 11 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો.  યાદ રાખવું કે રોગ ભલે એક જ હોય પણ તેની અસર દર્દી પ્રમાણે જુદીજુદી હોઇ શકે છે. ડોક્ટરે દર્દી જોઇને દવા કરવી જોઇએ..! ઉપરમાંથી કઇ દવા ભારતમાં ચાલશૈ તે સરકારે નક્કી કરવાનું છે.. સફળતા અવશ્ય કદમોમાં હશૈ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.