રાજુલા તાલુકાના આઠ ગામોને એક કલાક પણ વીજળી મળતી નથી !

amreli
amreli

રાજય સરકારની ૨૪ કલાકની ડંફાશોનું સુરસુરિયું: ખેડૂતોનું આવેદન

ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પોરબંદરથી શ‚ થયેલી ગુજરાત ગૌરવયાત્રામાં ગુજરાતની વિકાસયાત્રાના ગાણા ગાતા કહ્યું હતું કે, સરકાર ૨૪ કલાક વિજળી પુરી પાડે છે તેનું અમને ગૌરવ છે. પણ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ છે. રાજુલા તાલુકાના ધારેશ્ર્વર, વાવેરા, દીપડીયા, વડલી, આરોડિયા, માંડરડી, ઝાંઝરડા આ આઠ ગામના ખેતીવાડી વિજ કનેકશન ધરાવતા ખેડૂતોએ આજે રાજુલા પીજીવીસીએલ કચેરીએ આવી એક આવેદનપત્ર પાઠવી એવી ચોંકાવનારી રજૂઆત કરી છે કે આ આઠ ગામોને સરકારના ધારાધોરણ મુજબ વિજળી મળતી નથી. છેલ્લા પંદરેક દિવસથી પીજીવીસીએલની અણ આવડત કે આડોડાઈના ભોગ બનીએ છીએ. છેલ્લા પંદર દિવસમાં અમારા ગામમાં એકપણ કલાક માટે વીજ પુરવઠો મળ્યો નથી.

આ ગામોના ફિડરોમાં લાઈનમેન નથી તેમજ ફિડરોના લાઈનમેન પણ નથી વડલી ગામના ખેડૂત કેશુભાઈ ધાખડાના ખેતરમાં છેલ્લા ચાર દિવસથી જીવંત વિજ વાયર તુટીને નીચે પડી ગયો છે. સ્થાનિક સત્તાવાળાઓને આ અંગે લેખિતમાં જાણ પણ કરી હોવા છતાં આ વિજ વાયર હજુ સુધી રીપેર કરાયો નથી. વિજ પુરવઠા અંગે જયારે પણ જે તે ગામના ખેડૂતો ફોન કરે ત્યારે ફોન કોઈ ઉપાડતું જ નથી. આ ગામોમાં વન્ય પ્રાણીઓ છાશવારે આવી ચડે છે. એટલે અમને ખેતીવાડી માટે દિવસ દરમ્યાન જ વિજ પુરવઠો પુરો પાડવાની માંગણી છે.