Abtak Media Google News

6 મનપા અને 55 નગરપાલિકાની એક સાથે ચૂંટણી 15 થી 21 ફેબ્રુઆરી સુધીમાં યોજાય તેવી શકયતા: ચૂંટણીને કારણે બજેટસત્ર પાછું ઠેલાય તેવી સંભાવના

ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીના બ્યુગલ કમુરતા ઉતર્યા બાદ ફૂંકાશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓને લઇ રાજકીય પક્ષો મેદાને ઉતર્યા છે. ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ તૈયારીઓ વચ્ચે ચૂંટણીપંચનાં એલાન તરફ સૌની મીટ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ આગામી 20મી જાન્યુઆરીની આસપાસ ચૂંટણી નું એલાન થઈ શકે છે.

6 મહાનગર પાલિકાની ચૂંટણી 15 થી 21 ફેબ્રુઆરી સુધીમાં યોજાય અને 21મી ફેબ્રુઆરીએ મતદાન થાય તેવી પુરી શકયતા સેવાઈ રહી છે. આ 6 મહનગર પાલિકાની અને 55 નગર પાલિકાની એકસાથે જ ચૂંટણી યોજાય તેવી ધારણા છે.પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી બાદ બીજા તબક્કામાં પંચાયતોની ચૂંટણી 25 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે યોજાશે તેમ શકયતા છે. ચૂંટણી બાદ તમામની મતગણતરી 2જી માર્ચે યોજાય તેવી શકયતા પણ સેવાઇ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નવી મતદાર યાદી તૌયાર થશે. જે જાન્યુઆરીનાં અંતમાં પ્રસિદ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે હાલ નાણાકીય વર્ષ 2020-21 પણ પૂરું થવાના આરે છે ત્યારે સ્થાનિક તંત્ર બજેટની તૈયારીઓમાં પણ જુટાયું છે. તો બીજી તરફ ચૂંટણી પણ યોજાવાની છે. આ વચ્ચે સ્થાનિક ચૂંટણીને કારણે બજેટસત્ર પાછું ઠેલાય તેવી શકયતા છે. ફેબ્રુઆરી ના બદલે માર્ચનાં પ્રથમ સપ્તાહમાં બજેટસત્ર યોજાય તેવી ધારણા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે બજેટ સત્ર પણ પાછુ ઠેલવાય તેવી શક્યતા છે ત્યારે વેક્સીન અને ચૂંટણી બન્ને વાત તંત્ર માટે પડકારરૂપ સાબિત થશે?

એક તરફ વેકસીનની કામગીરી અને બીજી તરફ ચૂંટણી, તંત્ર માટે પડકાર

કોરોનાની મહામારી દરમિયાન ચૂંટણી યોજવી જ તંત્ર માટે મોટો પડકાર છે. તેવામાં આગામી જાન્યુઆરી માસમાં વેકસીન આવી જાય તેવી પ્રબળ સંભાવના સેવાઇ રહી છે. આ વેકસીનના વિતરણમાં તંત્ર ઊંધામાથે થવાનું છે તે પણ નક્કી છે. તેવામાં આ અરસામાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. આ બન્ને કામગીરી એકસાથે કરવી તંત્ર માટે મોટો પડકાર બની જવાની છે. જેથી તંત્ર અત્યારથી જ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.