Abtak Media Google News

બેંકો અને પોષ્ટ ઓફિસે 10 લાખથી વધુના નાણાકીય વ્યવહારની વિગત પંચને આપવી પડશે

વિધાનસભાની આગામી ચૂંટણીમાં એક લાખ કે   તેથી વધુના નાણાકીય વ્યવહારો પર ચૂંટણી પંચ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. જયારે 10 લાખથી વધુના નાણાકીય  વ્યવહારોની વિગત બેંકો અને પોષ્ટ ઓફીસો દ્વારા ચૂંટણી પંચને આપવાની રહેશે

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા   બેન્ક અધિકારીઓ તેમજ પોસ્ટ ઓફિસના અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતી વિવિધ આર્થિક લેવડ – દેવડ પર ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી.જિલ્લા ચૂંટણી અધિકારી  અરૂણ મહેશ બાબુએ બેન્ક તેમજ પોસ્ટ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા વખતે ઉમેદવારોને ખર્ચનું ખાતું ખોલાવવામાં સરળતા રહે તે માટે વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ગોઠવવું. તમામ ઉમેદવારોને ખાતું ખોલાવવામાં કે નાણાકીય વ્યવહારો કરવામાં કોઈ અગવડ ના પડે તે જોવા ખાસ સૂચના આપી હતી.

તેમણે બેન્ક તેમજ પોસ્ટ અધિકારીઓને જણાવ્યું હતું કે, એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર સઘન ધ્યાન રાખવા તેમજ રૂપિયા 10 લાખથી વધુના નાણાકીય વ્યવહારોની વિગતો ચૂંટણી પંચને આપવાની રહેશે. જો કોઈ શંકાસ્પદ વ્યવહાર ધ્યાનમાં આવે કે, અચાનક કોઈ ખાતામાંથી નાણાકીય વ્યવહારો વધી જાય તેના પર ધ્યાન રાખવા તેમજ ઉમેદવારોના સગા, સંબંધીઓના ખાતામાંથી થતાં નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં રાખવા સૂચના આપી હતી.બેન્કના વાહનો દ્વારા થતી નાણાંની હેરફેર વખતે સ્ટાફના ઓળખ પત્ર, આધાર, પુરાવા સાથે રાખવા તેમજ બેન્કના નાણાંની હેરફેર પણ ઓફિસ સમય દરમિયાન જ કરવા સૂચના આપી હતી. પોસ્ટ ઓફિસમાંથી પણ વ્યક્તિગત કે જોઈ સમૂહ દ્વારા એકસાથે અચાનક વધુ પડતા નાણાકીય વ્યવહારો થવા લાગે તો તેના પર ધ્યાન આપવા અને તેની વિગતો ચૂંટણી પંચને આપવા સૂચના આપી હતી. આ બેઠકમાં ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી   દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર  એ. કે. સિંઘ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.જે. ખાચર, લીડ બેન્કના મેનેજર સંજય મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.