Abtak Media Google News
વિજેતાને અપાશે હીરાજડિત સોનાની ટ્રોફી

ફિલ્મ મેગેઝિન સિને બસ્ટરના સર્વેસર્વા રોની રોડ્રિક્સે સિને બસ્ટર એવોર્ડની જાહેરાત કરતા કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને માન-સન્માન અપાવનારા પચાસેક કલાકાર-કસબીઓને ટ્રોફી આપી સન્માનવામાં આવશે. ઉપરાંત આ વરસે રિલીઝ થયેલી ફિલ્મોને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપનારને ટ્રોફી આપવામાં આવશે. શ્રેષ્ઠ કલાકાર-કસબીની પસંદગી ઇન્ડસ્ટ્રીના મહાનુભાવોની એક જ્યુરી દ્વારા કરવામાં આવશે.

મુંબઈની ફાઇવ સ્ટાર હોટેલમાં આયોજિત કાર્યક્રમમાં દિલીપ સેન, સુનિલ પાલ, રાજીવ ચૌધરી, આનંદ-મિલિંદ, મેહુલ કુમાર, રાજશ્રી પ્રોડક્શનના ગુપ્તાજી સહિત બોલિવુડ અને ટેલિવુડના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પર્લ ગ્રુપ ઑફ કંપનીઝના સ્થાપક અને ચેરમેન રોની રોડ્રિક્સ સિને બસ્ટર મેગેઝિન પ્રાઇવેટ લિમિટેડના એડિટર-ઇન-ચીફ અને પબ્લિશર પણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રોફીનું અનાવરણ 6 જૂન, 2022ના સિને બસ્ટરની છઠ્ઠી એનિવર્સરીએ એક રંગારંગ કાર્યક્રમમાં કરવામાં આવશે. ટ્રોફી અંગે જણાવતા રોનીએ કહ્યું કે, મનોરંજનની દુનિયામાં પહેલીવાર વિજેતાને હોલમાર્ક સોનાની વીવીએસ હીરા જડેલી ટ્રોફી એનાયત કરાશે. જે લોકોએ ઇન્ડસ્ટ્રીને આટલી ઉંચાઈએ પહોંચાડી છે તેમને હાલ કોઈ યાદ કરતું નથી. સિને બસ્ટર આ કલાકાર-કસબીઓના યોગદાનને ટ્રોફી એનાયત કરી તેમના કાર્યને બિરદાવશે. અવોર્ડની શરૂઆત અમે બોલિવુડ અને ટોલિવુડથી કરી રહ્યા છીએ. હિન્દી અને સાઉથની ફિલ્મોના કલાકાર-કસબીઓને સન્માનવામાં આવશે.

એવોર્ડ ફંક્શન 18 સપ્ટેમ્બરે યુનાઇટેડ આરબ અમિરાતના રસ-અલ-ખૈમાહ ખાતે યોજાશે. અવોર્ડ ફંક્શન માટે મુંબઈથી ત્રણસોથી વધુ મહેમાનોને ખાસ દુબઈ લઈ જવાશે. તમામ મહેમાનોની આવવા-જવાની સાથે રસ-અલ-ખૈમાહમાં રહેવાની સાથે અવોર્ડ ફંક્શનના આયોજનની જવાબદારી દિપેશ ટુર્સના દિપેશ સોમૈયાએ કરી છે. એવોર્ડ માત્ર બોલિવુડ અને ટોલિવુડ પૂરતો જ સીમિત છે કે અને પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આવરી લેવાશે? પ્રશ્નના જવાબમાં સિને બસ્ટરના સર્વેસર્વા રોની રોડ્રિક્સે ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું કે, અમે શરૂઆત હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરી છે પણ આવતા વરસે અમે ગુજરાતી અને બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ સમાવેશ કરશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.