સૌ.યુનિમાં દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિર્ણય કરી તમામ વિદ્યાર્થીઓને હવે નિ:શુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં ગઇકાલે આચાર્યોની એક બેઠક મળી હતી. જેમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. કુલપતિએ બેઠકમાં જણાવ્યું હતું કે, હવેથી દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. એટલે કે કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો તેની પરીક્ષા 6 માસની અંદર જ લેવામાં આવશે અને તેને આખું વર્ષ રાહ જોવી પડશે નહી. જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિર્ણય કરી તમામ વિદ્યાર્થીઓને  હવે નિ:શુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અગાઉ 150 રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી.

ઉલ્લેખનીય છે કે, આ સાથે સાથે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટરવાઇઝ વિદ્યાર્થીઓની ફી સાથે સાથે પરીક્ષા ફોર્મ ફી પણ લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને ફાયદો એ થશે કે અગાઉ એક્ઝામની તારીખ 15 દિવસ પહેલા જાહેર થતા કેટલાક વિદ્યાર્થીઓ મોડું થતા પરીક્ષા ફોર્મમાં લેટ ફી ભરવાની રહેતી હતી. જે હવેથી લેટ ફીનો કોઇ સવાલ ઉદભવશે નહીં. કોલેજ દ્વારા જ વિદ્યાર્થીઓના ફોર્મ સમયસર ભરવાના રહેશે.

હવેથી આગામી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરી કુલપતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવા નિર્ણય કર્યો છે. બીજી તરફ હવેથી આગામી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં એટલે કે સવારે સેમેસ્ટર 1, બપોરે સેમેસ્ટર 3 અને સાંજે સેમેસ્ટર 5ની પરીક્ષા લેવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે સાથે ત્રીજો મહત્ત્વપૂર્ણ નિર્ણય એ જાહેર કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ કોઇ વિષયમાં નાપાસ થયા હોય તો તેમને એક વર્ષ સુધી રાહ જોવી ન પડે અને તેનું આખું વર્ષ ન બગડે તે માટે નિર્ણય કરી દરેક પરીક્ષા વર્ષમાં બે વખત લેવા નિર્ણય કરવામાં આવ્યો છે.