કોરોનાએ છીનવી લીધેલી ચિત્રકલાને પરિવારે આપ્યું ‘અમરત્ત્વ’ !!

  • ચિત્રકાર સ્વ જલ્પેશ ઓઝાનું રાજકોટમાં ચિત્ર પ્રદર્શન યોજવાનું સ્વપ્ન પરિવાર અને મિત્રોએ સાકાર કર્યું
  • આજથી બે દિવસ આર્ટ ગેલેરી ખાતે ચિત્રોનું ભવ્ય પ્રદર્શન

મૂળ ભાવનગરનાં અને રાજકોટમાં સ્થિત ચિત્રકાર જલ્પેશ ઓઝા ખૂબ જ સારા ચિત્રકાર અને ફોટોગ્રાફર હતા. તેમની નેચર ફોટોગ્રાફી દેશ-વિદેશમાં સોશિયલ મીડિયા થકી ખૂબ જ જાણિતી થઇ હતી. પિતા કિરીટભાઇ ઓઝા (કેકે)નો ચિત્ર વારસો પુત્રમાં આવ્યોને જલ્પેશે પણ શોખને વ્યવસાય બનાવ્યો હતો.

કોરોના કાળમાં પિતા કેકે (નિવૃત્ત એ.જી. ઓફિસ કર્મચારી) તા.25/04/21ના રોજ દુ:ખદ અવસાન થયા બાદ માત્ર દશ દિવસમાં પુત્ર જલ્પેશે પણ કોરોના મહામારીમાં 5/05/21ના રોજ વિદાય લીધી હતી.

આજે વર્ષ પૂર્ણ થયે જલ્પેશના રાજકોટમાં શો યોજવાના સપનાને પરિવારે અને મિત્રોએ પૂર્ણ કરીને કલાપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પી હતી. તેમણે અમદાવાદ-રાજકોટમાં ગૃપ શો અને અમદાવાદમાં શોલો ચિત્રોનો શો યોજ્યો હતો. આજથી રાજકોટમાં તેમના ચિત્રોનું પ્રદર્શન આર્ટ ગેલેરી ખાતે પ્રારંભ થયો છે, જેમાં જલ્પેશના 50થી વધુ ચિત્રો કલારસીકોને જોવા મળશે. માતા રેણુકાબેન બેન હેમાલીબેન ઓઝા અને મિત્ર ધારા અંજારીયા સાથે પ્રદર્શન શુભારંભે શહેરનાં જાણિતા ચિત્રકારો નવનીત રાઠોડ, સુરેશ રાવલ, સંજય કોરીયા (કાર્ટુનિસ્ટ), આઇ.ડી.વ્યાસ અને અમીતા બાવરીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

પ્રદર્શનમાં સ્કેચ, પોટ્રેટ, વોટર અને ઓઇલ કલર જેવી વિવિધ જલ્પેશ ઓઝાની કલા પ્રદર્શનમાં જોવા મળે છે. તેમને નેચરલ ફોટોગ્રાફીનો શોખ વધુ હતો. પ્રદર્શનમાં ફ્રિ સ્કેચ અને રીલીજીયસ સંદર્ભે વિવિધ ભગવાનના પણ ચિત્રો જોવા મળે છે.