- હથિયારો સાથે ધસી આવેલી મહિલા સહિત ત્રણ શખ્સોએ બેફામ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો
તમારે જવાબ આપવો છે કે આજે તમારો હિસાબ કરી દઈએ કહી ભગવતીપરામાં રહેતા યુવાન અને તેના પરિજનોને મહિલા સહીત ત્રણ શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બી ડિવિઝન પોલીસના ચોપડે નોંધાયો છે. આરોપીના કારનો કાચ કોઈકે ફોડી નાખ્યા બાદ આરોપીઓએ ડ્રાયવિંગ સ્કૂલ સંચાલકના પરિવારને ધમકી આપી હતી.
મામલામાં ભગવતીપરા મેઈન રોડ પર આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા અને કેસરી હિન્દ પુલ પાસે લક્ષ્મી ડ્રાયવિંગ સ્કૂલ ચલાવતા 28 વર્ષીય યુવાન ચીરાગભાઈ દલાભાઇ વાઘેલાએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી ઘરની બાજુની સોસાયટી અંબીકાપાર્ક શેરી નં.-01 મા ઇમ્તિયાઝભાઈ ઇબ્રાહીમભાઈ મુકાસરા તેના પરિવાર સાથે રહે છે. ગત તા.-14/06/2025 નાં રાત્રીનાં બાર વાગ્યાનાં અરસામાં લાઇટ ન હોય જેથી હું તથા પરિવારનાં સભ્યો અમારા ઘરની આગળ બેઠા હતા. દરમ્યાન આશરે રાત્રીનાં સવા બારેક વાગ્યે ઇમ્તિયાઝ, તેની પત્ની, ભાઈ જાહિદ અને એક અજાણી સ્ત્રી ધસી આવ્યા હતા અને કહેલ કે, મારી ગાડી મારા ઘર પાસે પડી હતી, તેનો કાચ તમારા જ સમાજના કોઇ વ્યક્તીએ તોડી નાખેલ છે. જેથી અમને આ બાબતની ખબર નથી, જો તમને આ કાચ કોણે તોડયો છે તેની માહીતી હોય તો અમને કહોજો, અમારા સમાજનો હશે તો અમે તેને લઇ આવીશું તેમ કહ્યું હતું. તે વખતે જાહીદે અમને ધમકાવતા કહેલ કે, તારો બાપ તમારા સમાજનો આગેવાન છે, હું કંઈ જાણું નહી, ગમે ત્યાંથી એને હાજર કરો નહી તો તમને લોકોને અહિં રહેવા દઈશું નહિ કહી જોર જોરથી બંને ભાઇઓ ગાળો આપવા લાગ્યા હતા તેમજ અમારા સમાજ વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી સવાર સુધીમાં જો કાચ ફોડનાર હાજર ન થયો તો તમારા બધાના મકાન ખાલી કરાવી નાખીશ તેમ ધમકી આપી હતી અને અમને અમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. બાદમાં સ્થાનિકો એકત્રિત થઇ જતાં ઇમ્તિયાઝ અને તેનો પરિવાર નાસી ગયો હતો.
બાદમાં ઇમ્તિયાઝ, જાહીદ અને તેના પરિવારના સભ્યો અમારા ઘરેથી નીકળી તેમના ઘરે જતા હતા તે સમયે અમારા ઘરથી થોડે દુર આગળની શેરીમાં રહેતા મોનીકાબેન રાહુલભાઇ ચૌહાણ શેરીમાં રહેલ રખડતા કુતરાનાં ડરથી ભાગીને પોતાના ઘરે જતા હતા. તે સમયે ઇમ્તિયાઝને એવું લાગેલ કે, મોનિકાબેન કંઇક જાણે છે તેથી ભાગી રહી છે. જેથી તેની સાથે પણ ઝગડો કરી તું કંઇક જાણે છે, કોણે મારી ગાડીના કાચ તોડયા છે તે કહી દે નહી તો જોવા જેવી થશે કહી ગાળો દીધેલ હતી. જેથી અમે પોલીસને ફોન કરેલ હતો.
બાદ થોડી જ મીનીટોમા આ તમામ પોતાના ઘરેથી હથિયારો લઇ પરત અમારા ઘરે આવેલ હતા. હથિયારો સાથે આવેલા હુમકાખોરોને જોઈ અમારા ઘર પાસે એકત્ર થયેલ અમારા સમાજના લોકો ગભરાઈ ગયેલ અને ડરના માર્યે ત્યાંથી ભાગવા લાગેલ હતા. તે વખતે પણ ઇમ્તિયાઝ અને તેનો ભાઈ જાહીદ હાથમાં પાઇપ લઈને કહેતા હતા કે, તમારે જવાબ આપવો છે કે આજે તમારો હિશાબ કરી દઈએ. દરમિયાન પોલીસની પીસીઆર આવી જતાં સામાવાળા તમામ ભાગવા લાગ્યા હતા પણ ઇમ્તિયાઝને પોલીસે પકડી લીધા હતા. મામલામાં બી ડિવિઝન પોલીસે ઇમ્તિયાઝ ઈબ્રાહીમ મુકાસરા, તેની પત્ની, ભાઈ જાહિદ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.