Abtak Media Google News

ગૌરીશંકર પંડયા નાટકોમાં હુબહુ સ્ત્રીપાત્ર ભજવતા જેને કારણે કોઈએ દિકરી આપી નહીં… આજીવન કુંવારા રહ્યા

સુવર્ણ મહોત્સવની દેશ વિદેશના અગ્રીમ અખબારોએ અગ્રલેખો દ્વારા નોંધ લીધી હતી

ગોંડલના દૂરંદેશી અને પ્રજાવત્સલ્ય રાજવી સર ભગવતસિંહજીનાં રાજય શાસનને ૫૦ વર્ષ પૂર્ણ થતા ગોંડલની સમસ્ત પ્રજાએ ઉમંગભેર અને યાદગાર ગણીશકાય તેવો સુવર્ણ મહોત્સવ ઉજવ્યો હતો જેની વાત અગાઉનાં પ્રકરણમાં કરી ચૂકયા સુવર્ણ મહોત્સવની નોંધ દેશવિદેશમાં લેવાઈ હતી આ પ્રસંગે હાજર રહેલા સર ચાર્લ્સ વોટસને પોતાના પ્રવચનમાં મહારાજા ભગવતસિહજીને પાકટ અનુભવવાળા એક પીઢ રાજદ્વારી પુરૂષ ગણાવ્યા હતા. ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સુવર્ણ મહોત્સવને દેશી હિંદનાં ઈતિહાસમાં ચિર સ્મરણીય જણાવ્યો હતો.

દેશવિદેશના અખબારોએ પણ આ પ્રસંગની સુપેરે નોંધ લીધી હતી. લંડનથી પ્રસિધ્ધ થતા દૈનિક અખબાર ‘ધ ટાઈમ્સ’ સુવર્ણ મહોત્સવનો સચિત્ર લેખ પ્રસિધ્ધ થયો હતો. ધ ટાઈમ્સ અખબારે અલગ અલગ મથાળા સાથે મહારાજાને દેશભક્ત અને પ્રખર કેળવણીકાર ગણાવ્યા હતા સુવર્ણ મહોત્સવ અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડીયાએ અગ્રલેખ લખી જણાવ્યું કે ઈ.સ. ૧૬૭૪માં શિવાજીના રાજયારોહણ વેળા ૧૫૦ રતલ એટલે કે ૬૦૦૦ તોલાભાર સોનું વહેચવામાં આવ્યું હતુ ત્યારબાદનો આ પ્રથમ પ્રસંગ છે. હિંદના રાજકર્તાઓમાં સુવર્ણ મહોત્સવની ઘટનાઓ હોઈ શકે, પરંતુ પૂર્ણ સત્તા સાથે પચાસ વર્ષનો રાજયઅમલ અપવાદરૂપ છે. પ્રગતિવાળો રાજય વહિવટ યોગ્ય ક્દરને લાયક છે.

શ્રી રંગમ-મદ્રાસથી ‘ઈન્ડીયન સ્ટેટસ ગેઝેટ’ પત્રનો ઓગષ્ટ ૧૯૩૪નો અંક ગોંડલ ગોલ્ડન જયુબિલી સ્પેશિયલ તરીકે પ્રસિધ્ધ કરાયો હતો. જેમાં ગોંડલની ચાલીસ જેટલી તસ્વીરો પ્રસિધ્ધ કરાઈ હતી.

Img 20201224 Wa0011

‘ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડિયા’એ પાંચ મેના ૧૯૩૫નાં અંકમાં ગોંડલની નગર રચનાની પ્રશંસા કરી નોંધ્યું કે મહારાજાએગામડે ગામડે લાખોનાં ખર્ચે સ્થાપેલા વિદ્યામંદિરોમાં ભાવિ પ્રજાજનો સંસ્કૃતિ અને શિક્ષણનાં પાઠ લઈ રહી છે. વેપારી આલમ નમૂનેદાર અને અનુકરણીય વ્યવહારની સુગમતાઓ તથા જાનમાલની સલામતી અંગે સમૃધ્ધ છે.ખેડુતો બીજા રાજયનાં ખેડુતોથી સમૃધ્ધીમાં અનેક ગણા ચડીયાતા છે. પ્રજાજનો કરવેરાથી સદંતર મૂકત છે. મહારાજાની સાદગી અંગત મોજશોખ પાછળ ખર્ચનો અભાર અને કરકસરયુકત રાજય વહિવટથી રાજયની તિજોરી તરબતર છે.પ્રજા પ્રત્યેનો મહારાજાનો પ્રેમ તેમના શબ્દોમાં કળી શકાય છે.

લંડનથી પ્રસિધ્ધ થતા ‘ધી ડેઈલી ટેલીગ્રાફ’ અખબારમાં સુવર્ણ મહોત્સવની વિશેષ નોંધ લેવાઈ હતી. વિશ્ર્વ પ્રસિધ્ધ સમાચાર સંસ્થા રોઈટરે પણ નોંધ લીધી હતી. આમ સુવર્ણ મહોત્સવ ઈતિહાસનું એક યાદગાર પૃષ્ઠ બની રહ્યો હતો.

અનેક રજવાડાઓમાં મનોરંજનની મહેફીલો યોજાતી, રાજદરબારોમાં પણ નૃત્યગાન થતા અલબત ભગવતસિંહજીને નાચગાન પસંદ ના હતા. પરંતુ લોકોને પુરતું મનોરંજન મળી રહે તે માટે ‘ભગવત રંગ મંડપ’નું નિર્માણ કરાયું હતુ. આ એક સુવિધાથી સજજ નાટયશાળા હતી અને પરદો રાખી અહીં ફિલ્મો પણ પ્રદર્શીત થતી હતી.

Img 20201224 Wa0009

એ જમાનામાં મનોરંજન ક્ષેત્રે માત્ર નાટયકલા કે ભવાઈ જેવી કલા પ્રચલીત હતી. ભગવત રંગ મંડપમાં નાટયકલા રજૂ થતી હતી.

ગ્રેટ શો મેન રાજકપૂરનાં પિતા પાપા પૃથ્વીરાજ કપુર પૃથ્વી થિયેટરનાં બેનર હેઠળ તેમના ગ્રુપ સાથે ગુજરાતમાં આવ્યા હતા.ત્યારે ગોંડલ ભગવત રંગમંડપમાં તેમનો નાટય શો થયો હતો. ભગવત રંગ મંડપ સમયની ગતીમાં આગળ ધપતું પાછળથી સેન્ટ્રલ ટોકીઝ બન્યું ઝહાટકીયા પરિવાર દ્વારા ખરીદાયેલું આ સિનેમા ગોંડલનું પ્રથમ એરકંડીશન સિનેમા હતુ રાજયનાં સંભારણા સમુ તાશબા સિનેમાંપણ હતુ જે પાછળથી વિકટરી સિનેમાથી ઓળખાતું હતુ.

મહારાજાના સમયમાં નાટકોની સ્થાનીક મંડળીઓ અને નામાંકિત મંડળીઓ લોકકલા પીરસતી હતી મોરબીની આર્ય સુબોધ મંડળી ખાસ્સી પ્રચલીત હતી. ગુજરાત સરકાર જે રીતે ગુજરાતી ફિલ્મોનાં નિર્માણ માટે સબસીડી આપે છે. તેમ રાજાઓ નાટયકલાને પ્રોત્સાહીત કરતા હતા. મોવિયાના અભણ કલાકારોની નાટય મંડળી ચાલતી હતી. જેની સ્ક્રીપ્સ્ટ અને સંવાદો કલાકારો કંઠસ્થ કરતા અરજણ ભાલોડીને મંડળીના દિગ્દર્શક હતા મંડળીના કલાકારો દિવસે ખેતી કરતા અને રાત્રે નાટકોનાં રિહર્લ્સર કરતા મોરબીમાં ભવાઈ કલાને ખુબ મહત્વ અપાતું હતુ.

Img 20201224 Wa0010 1

નાટકોમાં સ્ત્રીપાત્ર ભજવવા સ્ત્રીઓ મળવી કઠીન હતી ત્યારે કેટલીક નાટય મંડળીઓમાં સ્ત્રી પાત્ર પુરૂષો ભજવતા હતા. એ જમાનામાં ગૌરીશંકર વિઠ્ઠલજી પંડયા આબેહુબ સ્ત્રીપાત્ર ભજવતા હતા. તેમની હાલ-ચાલ અને લહેકા તથા માથાનાં લાંબાવાળ સ્ત્રી પાત્ર માટે બંધ બેસતા હતા. સ્ત્રી પાત્રમાં ગૌરી શંકર એવા તો ખિલી ઉઠતા કે લોકો તેમને સ્ત્રી સમજીને શરતો લગાડી બેસતા હતા. અદલ સ્ત્રી પાત્રની અભિનય કલાને કારણે ગૌરીશંકરને કોઈએ દિકરી આપી નહી ને તે આજીવન કુંવારા રહ્યા હતા. ભગવત રંગમંડપમાં એ સમયે ભાવનગરની નાટય મંડળીએ પ્રસ્તુત કરેલું નાટય ‘વિરપસલી’ એટલી હદે હિટ ગયેલું કે દર્શકોની લાગણીને માન આપી સ્પેશ્યલ ટ્રેનો દોડાવવી પડતી નાટય કંપની એ સમયે દેણામાં ડુબેલી હતી પણ નાટકનાં શો હાઉસફુલ જતા કંપની દેણા મૂકત બની હતી. એ જમાનો મુંગી ફિલ્મોનો હતો ફિલ્મ ને બોલપટ તરીકે ઓળખાતી હતી. પરંતુ નાટય યુગ રંગભૂમીની વધુ બોલબાલા હતી. ગાયોના લાભાર્થે પણ નાટય મંડળીઓ કલા પીરસતી હતી ભવાઈનાં આયોજન પણ થતા હતા. મહારાજા ભગવતસિંહજીને નાટકો કે ફિલ્મો પ્રત્યે અનુરાગ ન હતો. સ્ટેજ ફિયર દર કરવા કલાકારોને તેઓ સલાહ આપતા કે ઓડિયન્સમાં બેઠેલા લોકોને તમારે ‘માણા એટલા પાણા’ જ સમજવા, અર્થાત સામે માણસ નથી પથ્થર છે. તેનાથી ડરવું નહિ.

આજના મલ્ટીપ્લેક્ષ સિનેમા યુગમાં લોકો મોંઘીદાટ ટીકીટો લઈ મનોરંજન માણે છે. એ સમયમાં પણ લોકોને મનોરંજન રૂચીનો વિષય હતો નાટય મંડળીઓ ધમધોકાર ચાલતી હતી. પાત્ર ભજવનારાઓ નિર્ભયતાથી ડાયલોગ ડીલીવરી કરી શકત હતા નાટકો, ભવાઈ, બત્રીસ પુતળીનાં ખેલ,શેરી નાટકો, નટ બજાણીયાના ખેલ બહુરૂપીના વેશ, કાષ્ટકલા થકી રામાયણ વગેરે મનોરંજનનું અસિત્વ ધરાવતા હતા. બેન્ડ સ્ટેન્ડની સુરાવલીઓ પણ લોકોને મનોરંજન પીરસતી હતી.

મહારાજા ભગવતસિંહજી એ પ્રજાલક્ષી અનેક કાર્યો સાથે લોકોની મનોરંજન રૂચીને પણ ધ્યાને રાખી હતી. આજે પણ ભગવતરંગ મંડપ તેની ગવાહી પૂરે છે.પરંતુ આજે એ વિરાસત ખંડેર સ્વરૂપ ઉભી છે. સેન્ટ્રલ સીનેમા બનેલા ભગવત રંગમંડપમાં સિનેમા બંધ થતા ગેલેરીમાં હાલ રસનો ચિચોડો ચાલે છે. ત્યારે અંદર નો હોલ અને સ્ટેજ ભંગાર સ્થિતિમાં પણ તેની ભવ્યતાનેટકાવી ઉભા છે.

(ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.