Abtak Media Google News

મામાનું ઘર કેટલે, ઇન્ટરનેટ ઓન થાય એટલે

આજથી ચાર-પાંચ દાયકા પહેલા ઉનાળું અને દિવાળી વેકેશનનો જલ્વો જુદો હતો: સંયુક્ત પરિવારમાં ‘મામા’નું ઘર ફરવા જવા માટે ફિક્સ હતું: જુના વેકેશન જેવી મજા આજે ઇલેક્ટ્રોનિક ગેજેટે છીનવી લીધી છે

વિભક્ત કુટુંબો, એક સંતાન જેવી ઘણી બાબતોએ જીવનશૈલી બદલી તેમાં જુની પરંપરા પણ બદલાય ગઇ: પારિવારીક આનંદ સાથે ધોમધખતા તાપની રઝળપાટ લુપ્ત થઇ ગઇ

આજથી લગભગ ચાર-પાંચ દાયકા પહેલા જેવી પરીક્ષા પુરી થાય અને વેકેશન પડે એટલે ‘મામા’ના ઘરે ભાણીયા પહોંચી જતા હતા. આખુ વેકેશન આનંદોત્સવમાં પસાર થતુંને નાના-નાનીનો પ્રેમ અને મામા-મામીની લાગણીમાં ક્યાં સમય પસાર થઇ જતો તેની ખબર જ ન પડતી. કોઇકનાં સથવારે કે પપ્પા-મમ્મી મૂકવા કે તેડવા આવતા. ઘરે પરત આવી ત્યારે મામાએ લઇ દિધેલ રમકડાં, વસ્ત્રો આખી શેરીને બતાવતા હતા. મામાના છોકરાને તેની આસપાસ રહેતા પાડોશીના છોકરાની ટોળી સવારથી સાંજ મોજ મઝા કરતા બને રાત્રે ખાટલે પડી કાળા ડિબાંગ આકાશના તારા ગણતા હતા. આવા વેકેશનની મઝા આજના બાળકોના નશીબમાં જ નથી. ધૂળ-માટીમાં રમવાના પણ ઘણા ફાયદાઓ હોય છે.

મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે જેવા ગીતો પણ આપણી ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. દરરોજ ભાવતા ભોજનને ધીંગામસ્તીનો નિત્યક્રમ બનતો હતો. હાથ, પગ, ગોઠણ પડવા-વાગવાથી છોલાઇ જતાં તો ધૂળ કે ચા ચોપડી દેતા હતા. દરરોજ વિવિધ ભાવતા ભોજન ભરપેટ મામી જમાડતા હતા. આજની જેમ ટીવી-મોબાઇલ ન હોવાથી બાળજીવનનો પુરો આનંદ ટ્રેસમુક્ત વાતાવરણમાં માણતા હતા. એ વખતે પત્ર લેખનમાં પણ વેકેશન અને મામાની વાત આવતી હતી. માતાના ભાઇ સાથે એ જમાનામાં એટેચમેન્ટ ઘણું વધારે હોવાથી ભાણીયાની વાત મામાનો આખો પરિવાર માનતો હોવાથી ભાણાભાઇની તમામ માંગણી સંતોષાતી હતી. આજના સમર ટ્રેનિંગમાં શિખવા ન મળે તેટલું એ જમાનામાં શીખવા મળી જતું હતું. વેકેશન બાળકોનું હોય છે, પણ તેમાં મરજી કોની? આ પ્રશ્ર્ન જ ઘણું કહી જાય છે.

વેકેશન પડવાની શરૂઆતમાં વાળ કટીંગ, નવા વસ્ત્રો સાથે થેલી ભરાઇ જતી હતી અને બસમાં સીધા પહોંચી જતા ત્યારે બસ સ્ટેન્ડે મામા તેડવા આવી જતાં હતા. ઉનાળામાં ગોલા-ગુલ્ફીને આઇસ્ક્રીમની મજા સાથે શીરો, ખીર, સુખડી, લાડવા, થેપલા, શ્રીખંડ-પૂરી જેવા વિવિધ 32 જાતના ભોજન મામી આગ્રહ કરીને જમાડતા ત્યારે આજના ફાઇવ સ્ટાર હોટલ જેવી તૃપ્તિનો અહેસાસ થતો હતો. મામાની શેરીના આંગણાના પશુ-પંખી પણ ઓળખવા લાગે તેટલું લાંબુ રોકાણએ જમાનામાં બાળકો કરતાં હતા. દિવાળી કે ઉનાળું વેકેશન બન્નેમાં ‘મામા’નું ઘર દરેક બાળકનું પ્રિય સ્થળ હતું.

એ જમાનાના ગીતોમાં આજે ફેરફાર થઇ ગયો અને ‘મામાનું’માં પપ્પાના ભાઇ-ભાભી એટલે કાકા-કાકી સાથે દાદા-દાદીના સથવારે વરસના 10 મહિના જ રહેતા બાકી વેકેશનના બે તબક્કાના બે મહિના તો ઓનલી એન્ડ ઓનલી ‘મામાનું ઘર’ જ હતું. આજની ઇન્ફરમેશન ટેકનોલોજી અને ભૌતિક સુવિધાએ વેકેશનનો અસલી આનંદ છીનવી લેતા હવે એ ધિંગા-મસ્તીનો આનંદોત્સવ ભૂતકાળ બની ગયો છે. નિર્દોષ તોફાનો જીવનમાં ઘણું શીખવી જતાં હતા. અમુક સમયે વધુ તોફાનો થવાથી મામાનો મેથીપાક પણ ખાવા મળતો હતો. નાના-નાનીનો અપારપ્રેમ શેરી લોહી ચડાવી દેતું હતું.

શેરી-ગલ્લીમાં દોડવું, સાત તાળી, થપ્પો કે નારગોલ જેવી વિવિધ રમતો રમતા ત્યારે ભાઇચારા સાથે ખેલદીલીના ગુણો વિકસી જતા હતા. લાઇટના થાંભલે ગપાટા મારતા અને આંબલીના ઝાડે ટોચ પર ચડીને કુળો કોલ અને ખાટા કાતરા ખાવાનો જલ્વો જ કંઇક ઔર હતો. દરેકના જીવનમાં શ્રેષ્ઠ સંભારણું તેના બાળપણના દિવસો જ હોય છે. એ વેકેશનમાં ઓછી વસ્તુઓ વચ્ચે ભરપૂર આનંદ માણવાની વાત નિરાળી હતી. એ જમાનાના બાળકો ભલે નાના હતા પણ હિંમત અને સપનાઓ બહું મોટા હતા. આપણી સમાજ વ્યવસ્થાના સંયુક્ત કુટુંબો જ સાચુ જીવન ગણાતા હતા, બને તેમાં ઉજવાતા સારા-નરસા પ્રસંગો જીવન જીવવાની કલા શીખવતા હતા.

21મી સદીના આજના વેકેશનમાં તો સમર ટ્રેનિંગ ક્લાસીસના રાફડા ફાટી નીકળી પડ્યા છે. પૈસા કમાવવા માટેના આવા ક્લાસીઝ સાધન બની ગયા છે. બાળકોને તેમાં જવાથી કશું આવડી જાય એ તો એની પરીક્ષા લઇ પછી ખબર પડે. વેકેશનમાં કંઇ ન હતું છતાં બધું હતું ને આજે બધુ છે છતાં કંઇ નથી. આજે તમામ ભૌતિક સુવિધાથી સજ્જ જીવનશૈલીમાં બાળકોનું બાળપણ સાવ કોરૂ ધાકડ જેવું છે, શિખવાના સમયમાં નવરાશની જરૂર પડે જે પહેલા હતી ને આજે ઇલેક્ટ્રોનીક ગેઝેટે છીનવી લીધી છે. આજની મોર્ડન લાઇફમાં આપણાં સંતાનો પોતાનું બચપણ ભૂલી ગયા છે. નદીએ નહાતા-નહાતા ક્યારે તરતા શીખી જતાં કે આપણને પણ ખબર ન હતી. વેકેશનમાં બાળકોની ટોળી આંગણાના પશુ-પંખીને પણ સામેલ કરતાં હોવાથી કુદરતી વાતાવરણે ઉમંગ-ઉત્સાહ સાથે પર્યાવરણના પાઠો શીખી જતાં હતા. પગમાં ચપ્પલ ન હોય તો પણ ચાર-પાંચ કિ.મી. ચાલી જતાં હતા. એક સાયકલમાં ચાર-પાંચ છોકરા ટીંગાઇ જતાને પડતા-આખડતા હતા, છતાં આંખમાંથી આંસુ પડતા ન હતા. એ વેકેશન શ્રેષ્ઠ હતું અને એ વાતાવરણ પણ શ્રેષ્ઠ હતું એનું કારણ માણસ-માણસ વચ્ચેનો પ્રેમભાવ સાથે પારિવારિક ભાવનાવાળું સંયુક્ત પરિવાર હતું. આજે આ બધાની ગેરહાજરીની કારણે જ ઘરમાં પૂરાઇને વેકેશન પૂર્ણ કરવું પડે છે.

નિર્દોષ તોફાનને ધિંગા મસ્તી ઘણું શીખવી જતું હતું !!

દરેકના જીવનમાં બાળપણનાં તોફાનો ધીંગા-મસ્તી સાથે ઉછળકુદનાં સંસ્મરણો હશે જ. આ બધી વાતો સાથે કેટલીય યાદો માનસપટ્ટમાં સચવાયેલી હોય છે જે ક્યારેય વીસરાતી નથી. બાળપણની દરેક વાતને પ્રસંગો ઘણું શિખવી જતું હતું. લીડરશીપ, ભાઇચારો, લાગણી, સમજદારી, નિર્ણયશક્તિ, મુશ્કેલીમાંથી માર્ગ કાઢવો, આયોજન સાથે ઓછી વસ્તુઓમાં આનંદ કેમ મેળવવો તેવી ઘણી બધી આવડત કે ગુણોનો વિકાસ થતો હતો. હસતા-હસતા ખોટુ બોલતા એટલે જ દર વખતે બાળપણમાં પકડાઇ જતા હતા. દરેકના જીવનમાં સૌથી સોનેરી પાના તેના બાળપણના જ લખાયા હશે. બાળપણમાં ભલે આપણા નાના હતા પણ હિંમત અને સપનાઓ બહુ મોટા હતા. દરેક બાળકમાં છૂપી કલાઓ ભરપૂર પડી જ હોય છે. જરૂર છે તેને માત્ર પ્રોત્સાહન આપવાની એ જમાનામાં મારા-તમારા કે અન્યોમાં ઘણી શક્તિ કે કલા પડી હશે પણ માનસિક રીતે ઘણા સુખી થઇ ગયા હતા. એ જમાનાના રમકડાં આજના બાળકોએ જોયા પણ નહીં હોય. આજે ટીવી-મોબાઇલ વચ્ચે વેકેશનની મઝા શું છે તેની બાળકોને ખબર જ નથી.

“કોઇ લૌટા દે મેરે બિતે હુએ દિન….બચપન કે દિન”

Screenshot 11 1

આજના બાળકોના આ નસીબમાં જ નથી !!

  • દફ્તર લઇને દોડવું
  • તૂટેલી ચપ્પલનું જોડવું
  • ખોબેથી પાણી પીવું
  • શર્ટ પર શાહીના ધબ્બાઓ
  • બાંયોથી લુછતા ચહેરા
  • ઉતરાયણના રાત-ઉજાગરા
  • ભાડાની સાયકલના ચક્કર
  • લૂંટેલ પતંગની ભાગીદારી
  • લાઇટના થાંભલે ગપાટા મારવા
  • વરસાદમાં નહાવા ભાગી જવું
  • પીઠ પર માસ્તરના ફડાકા
  • વેકેશનની મોજમજા
  • શેરીના ઓટલા પર ડેરા
  • ઘૂંટણે પડતા આછા ઘાવ
  • ગીલ્લી દંડાને સાત તાળી જેવી રમતો
  • બોર-આમલીના ચટાકા

આવું ઘણું બધું આજની મોર્ડન લાઇફમાં ભૂલાય ગયું છે. આજના બાળકોનો બચપણને માણી શકતા જ નથી, એના નશીબમાં જ નથી !! જૂના વેકેશનો જ બાળપણનો સુવર્ણ યુગ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.