Abtak Media Google News

કાર્પેટની અમલવારી બાદ ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ: આવક નહીં વધે તો ડિસેમ્બરથી પગારમાં પણ નાણા નહીં રહે: વિકાસ કામો રુંધાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી કરવામાં આવી છે. કાર્પેટની અમલવારી બાદ ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે જેના કારણે કોર્પોરેશનની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. તિજોરી તળીયાજાટક થઈ જતા પગારના પણ ફાફા પડે તેવી દહેશત વર્તાઈ રહી છે.

આ અંગે વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ સામાન્ય રીતે મહાપાલિકામાં ૨૪૦૦ કાયમી સફાઈ કામદારો, ૨૨૦૦ અન્ય કાયમી કર્મચારીઓ અને ૩૦૦૦ જેટલા સખીમંડળ, મિત્ર મંડળ અને પાર્ટ ટાઈમના કર્મચારીઓ સહિત કુલ ૭૬૦૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેઓને મહિને ૧લી અથવા ૨જી તારીખ આસપાસ પગાર ચુકવી દેવામાં આવે છે. એપ્રિલ માસથી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયાની અમલવારી બાદ ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે. હાલ કોર્પોરેશન પાસે પોતીકી કહી શકાય તેવી એકમાત્ર આવક ટેકસ જ છે જેમાં ઘટાડો થતા તિજોરી તળીયાઝાટક થઈ ગઈ છે અને તંત્ર ખુબ જ આર્થિક સંકળામણ અનુભવી રહ્યું છે.

આ મહિને પણ કર્મચારીઓને બે થી ત્રણ દિવસ મોડો પગાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કોન્ટ્રાકટરોને પણ હજુ સુધી બીલો ચુકવાયા નથી. સામાન્ય રીતે ટેકસ રીબેટ યોજનામાં મહાપાલિકાની ૧૦૦ કરોડથી પણ વધુ આવક થતી હોય છે પરંતુ કાર્પેટની અમલવારીના કારણે આ વખતે જુલાઈ માસ અડધો વિતવા છતાં ટેકસની આવક પેટે માત્ર ૮૯ કરોડની આવક થવા પામી છે. આ વર્ષે ટેકસ બ્રાંચને બજેટમાં રૂ.૨૭૫ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે પરંતુ આ લક્ષ્યાંક કોઈ કારે પુરો ન થાય તેવું લાગી રહ્યું છે અને નવા કરમાળખાના કારણે ટેકસપેટે માત્ર ૧૫૦થી ૧૭૫ કરોડની આવક થવાનો અંદાજ છે.

આવામાં જો ટેકસ બ્રાંચ ટેકસની રીકવરી માટે ગંભીરતાથી કોઈ પગલા નહીં લે તો ડિસેમ્બર માસ પછી કર્મચારીઓના પગારમાં પણ ફાફા પડી જશે અને વિકાસ કાર્યો પણ રુંધાઈ જશે. વહિવટ સરળતાથી ચલાવવા માટે મહાપાલિકા પાસે ટેકસની આવક વધારવા કે જમીનનું વેચાણ કરવા સિવાય છુટકો રહ્યો નથી. ટેકસ બ્રાંચના સુત્રો એવું ચોકકસ કહી રહ્યા છે કે લક્ષ્યાંક હાંસલ કરી લેશું પરંતુ જે રીતે હાલ રીબેટ યોજનામાં આવક થઈ રહી છે તે જોતા એવું નથી લાગતું કે ટેકસનો ટાર્ગેટ કોઈ કાળે પુરો થાય. હાલ મહાપાલિકા ખુબ જ આર્થિક સંકળામણ ભોગવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.